કેન્દ્ર આ વર્ષે ઓછું ધિરાણ લેશે

એજન્સીસ              
નવી દિલ્હી, તા. 20 સપ્ટે.
આ નાણાવર્ષ દરમિયાન મૂડી બજારમાંથી ઋણ લેવાની યોજનામાં કેન્દ્ર સરકાર કોઈ ફેરફાર કરે તેવી શક્યતા જણાતી નથી, પરંતુ તાજેતરમાં મહેસૂલી આવકમાં થયેલા વધારાના પગલે ધિરાણ લેવાના ઉપાડના લક્ષ્યમાં ઘટાડો થઈ શકે કે નહીં તેની ચર્ચા થવાની પૂરી સંભાવના હોવાનું આ બાબત સાથે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું.
માર્ચ, 2023 સુધીમાં કેન્દ્ર સરકાર 179 અબજ ડૉલરનું કરજ બોન્ડના વેચાણ દ્વારા એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. જોકે, મહેસૂલી આવકમાં વધારો થવાના કારણે ઋણ ઉપાડના લક્ષ્યમાં ઘટાડો થઈ શકે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
નાણામંત્રાલયના અધિકારીઓની રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ) સાથે ચર્ચા આ મહિનાની આખરમાં થવાની છે, જેમાં અૉક્ટોબર-માર્ચ ગાળા માટે ધિરાણના ઉપાડ વિશે નિર્ણય લેવાશે. આ ગાળા દરમિયાન દેશના સૌ પ્રથમ ગ્રીન બોન્ડ જારી કરવાની નાણામંત્રાલયની યોજના હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
કેન્દ્રીય વેરાની મહેસૂલી આવકમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. કોરોના મહામારી બાદ મોટા પાયે અર્થતંત્રમાં સુધારો થવાથી સ્થાનિક માગમાં વધારો થવાના કારણે મહેસૂલી આવકમાં વધારો થયો છે. સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં સીધા વેરાનું ચોખ્ખું કલેકશન વાર્ષિક ધોરણે 23 ટકા વધ્યું હતું, જ્યારે એપ્રિલથી અૉગસ્ટ દરમિયાન ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) કલેકશન વાર્ષિક ધોરણે 33 ટકા વધ્યું છે. આમ, સમવાય નાણાવ્યવસ્થા ઉપર દબાણ ઓછું થયું છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer