ઈપીએફઓના પોર્ટફોલિયોમાં હેલ્થ કૅર, મેટરનિટી પ્રોડક્ટ ઉમેરાશે

એજન્સીસ
નવી દિલ્હી, તા. 20 સપ્ટે.
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ) તેમના કાર્યક્ષેત્રમાં પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન સાથે આરોગ્ય, માતૃત્વ અને દિવ્યાંગોને લાભ આપતી યોજનાઓનો સમાવેશ કરવાની યોજના ધરાવે છે. ઈપીએફઓના અધિકારીઓના જણાવ્યા મુજબ ઇપીએફઓ મૂળભૂત સુરક્ષા પ્રદાન કરવામાં દીર્ઘ અનુભવ ધરાવે છે અને તેથી બેઝીક સોશિયલ પ્રોટેકશન ફલોર (એસપીએફ)નું તે કાર્યક્ષમ વ્યવસ્થાપન કરી શકે તેમ છે.
સોશિયલ પ્રોટેકશન ફલોર (એસપીએફ) બનવાની દિશામાં કાર્ય ચાલી રહ્યું છે અને તે સંદર્ભે પ્રાથમિક વાતચીત ચાલે છે. એસપીએફ રાષ્ટ્રીય કક્ષાનું એક એવું પ્લેટફોર્મ છે જે ગરીબી, સામાજિક ભેદભાવ, અસ્પૃશ્યતા વગેરે દૂર કરીને લોકોને આરોગ્યની સેવા તેમ જ પાયાની રોજગારીની સુરક્ષા પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશને સૂચન કર્યું હતું કે કાયદા મુજબ જ દેશના નાગરિકો અને બાળકોને આ પ્રકારની સુરક્ષા મળવી જોઈએ. શરૂઆતમાં ઈપીએફઓ 45 કરોડથી વધુ કામદારો કે જેમાંથી 90 ટકા અસંગઠિત ક્ષેત્રમાં છે તેઓને સુરક્ષા પ્રદાન કરવાનું પ્રાથમિક લક્ષ્ય ધરાવે છે. 25-26 અૉગસ્ટમાં આયોજિત થયેલી નેશનલ લેબર કોન્ફરન્સમાં વિઝન 2047નો દસ્તાવેજ રજૂ કરતાં ઈપીએફઓએ જણાવ્યું હતું કે ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના કન્વેન્શન 202માં જણાવ્યા મુજબ ઈપીએફઓ પાયાની સામાજિક સુરક્ષા પૂરી પાડનાર વ્યવસ્થાપક તરીકે ઓળખ મેળવશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer