ઈન્ડોનેશિયા ભાવ કાપીને ભારતને પામતેલ વેચે છે

એજન્સીસ
મુંબઈ, તા. 20 સપ્ટે.
ઈન્ડોનેશિયાના પામતેલના ઉત્પાદકો માલબોજો ઘટાડવા માટે પોતાના હરીફો કરતાં વધુ ડિસ્કાઉન્ટ આપીને ભારતને મોટા પાયે પામતેલ વેચી રહ્યા છે. ભારતમાં આવતે મહિને દિવાળીના તહેવારોને કારણે ખાદ્યતેલની માગ વધશે. ઈન્ડોનેશિયાએ અગાઉ પામતેલની નિકાસ પર જકાત નાખી હતી તે પાછી ખેંચી લેતાં ત્યાંના પામતેલના ઉત્પાદકો આકર્ષક ભાવ ઓફર કરીને તેમના પામતેલનો મોટો જથ્થો ઓછો કરી રહ્યા છે.
ભારત ખાદ્યતેલનું વિશ્વમાં સૌથી મોટું આયાતકાર છે અને તેની મોટી ખરીદીના ટેકે પામતેલ વાયદો મજબૂત થઈ ગયો છે, જ્યારે સોયાબીન અને સૂર્યમુખી તેલ વાયદા પર દબાણ આવ્યું છે.
ભારત ઈન્ડોનેશિયામાંથી આક્રમક રીતે પામતેલની ખરીદી કરી રહ્યું છે. ઈન્ડોનેશિયાના ભાવ આકર્ષક છે અને ભારત અૉગસ્ટથી નવેમ્બર સુધીમાં 20 લાખ ટન પામતેલની આયાત કરે તેવી ધારણા છે. તેના કારણે ભારતની ઈન્ડોનેશિયામાંથી પામતેલની આયાત ત્રણ ગણી વધશે એમ સોલ્વન્ટ એક્ષટ્રેકટર્સ એસોસિયેશન અૉફ ઇન્ડિયા (સી)એ જણાવ્યું હતું. ઈન્ડોનેશિયામાં 2021ના અંતે પામતેલનો જથ્થો લગભગ 40 લાખ ટન હતો, જે નિકાસ પરના પ્રતિબંધને કારણે વધીને જૂનના અંતે 66.9 લાખ ટન થઈ ગયો હતો. હવે નિકાસ કામકાજ વધી જતાં સપ્ટેમ્બરના અંત સુધીમાં તેનો સ્ટોક ઘટીને 45થી 50 લાખ ટન રહેશે એમ ઈન્ડોનેશિયન પામ અૉઈલ એસોસિયેશનના નિયામક એ. ડી. માર્ટોનોએ જણાવ્યું હતું.
ઈન્ડોનેશિયાની સરકાર ખાદ્યતેલના સ્થાનિક ભાવ નીચા લાવવા માગતી હોવાથી તેણે પામતેલની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ આ પ્રક્રિયામાં પામતેલના વૈશ્વિક ભાવ 7268 મલેશિયન રિંગિટના વિક્રમ સ્તરે પહોંચી ગયા હતા.
મલેશિયા વિશ્વમાં બીજા ક્રમનું પામતેલ ઉત્પાદક છે અને ત્યાં સોયાબીન તેલ અને સૂરજમુખીના તેલનું પણ સારું ઉત્પાદન થાય છે. ઈન્ડોનેશિયાએ પામતેલની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેતાં મલેશિયાએ તક ઝડપી લીધી અને 2021-22ના માર્કેટિંગ વર્ષમાં તે ઈન્ડોનેશિયાને બાજુએ રાખીને ભારતને પામતેલની સૌથી વધુ નિકાસ કરનાર દેશ બની ગયો.
સામાન્ય રીતે સોયાતેલ અને સૂરજમુખી તેલ, પામતેલ કરતાં મોંઘા હોય છે, પરંતુ થોડા મહિના માટે પામતેલના વૈશ્વિક ભાવ વધી જતાં ત્રણેય તેલના ભાવ લગભગ સમાન થઈ જતાં મલેશિયાએ તેનો ફાયદો લઈને ભારતને ત્રણેય પ્રકારના ખાદ્યતેલોનો પુરવઠો પૂરો પાડયો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer