ફેડની બેઠક શરૂ થતાં સોનામાં દબાણ

ફેડની બેઠક શરૂ થતાં સોનામાં દબાણ
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ,તા.20 સપ્ટે 
બોન્ડ અને ડોલરના મૂલ્યમાં આવેલી તેજીને લીધે સોનાના ભાવ ફરી તૂટી ગયા છે. ઇન્ટ્રા ડેમાં 1678 સુધી ઉંચકાયેલું સોનું ફરીથી મોડી સાંજે ઘટી જતા 1667 રનીંગ હતુ. ચાંદીના ભાવ મક્કમ રહેતા 19.23 ડોલર હતા. ફેડરલ રિઝર્વની બેઠક મંગળવારે મોડેથી શરૂ થઇ હતી એમાં 75 બેસીસ પોઇન્ટનો વ્યાજદર વધારો નક્કી દેખાતો હોવાથી કરન્સી બજારમાં ડોલર તેજીમાં હતો. ફેડ કોઇપણ ભોગે ફુગાવાને ડામી દેવા માટેની નાણાનીતિ ઘડી રહી હોવાથી વ્યાજદર વધતા જાય છે. જોકે એના કારણે આર્થિક મંદી ઘર કરી જાય એવી શક્યતા સૌને દેખાય રહી છે. 
એક્ટિવ ટ્રેડઝના વિષ્લેષકના કહેવા પ્રમાણે સોનાના ભાવ દબાણ હેઠળ છે એનું કારણ નાણાનીતિ છે. બે વર્ષની તળિયાની સપાટીને શુક્રવારે સ્પર્શી ગયા પછી હજુ તેની આસપાસ રહ્યું છે. ડોલરની તેજી સોનાને વધવા દેશે નહીં. આવતીકાલે બુધવારે મોડેથી અમેરિકાના વ્યાજદર અંગે જાહેરાત થશે અને તે 75 બેસીસ પોઇન્ટ રહી શકે છે. જોકે 1 ટકો વ્યાજદર વધારો થાય એવી શક્યતા ઓછી છે. જો એમ થાય તો સોના માટે મોટો કડાકો સર્જનારો નિર્ણય હશે. 
ડોલરનું મૂલ્ય કરન્સી બજારમાં બે દાયકાની ઉંચી સપાટીએ છે એટલે સોનામાં આકર્ષણ ઓછું છે. 10 વર્ષના અમેરિકી ટ્રેઝરી યીલ્ડ પણ 2011 પછીની ટોચ પર ચાલી રહ્યા છે. ફેડની બે દિવસની બેઠક પછી આવતીકાલે નિર્ણય આવે ત્યારે બજારને દિશા મળશે. જોકે એ પછી બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ઓફ જપાનની પણ બેઠકો ગુરૂવારના દિવસે મળી રહી છે. વધતા જતા ફુગાવા સામે બધા દેશની મધ્યસ્થ બેંકો લડી રહી છે. જોકે હેજ અંગે સોનાની ખરીદી પણ ધીરે ધીરે રહી છે એટલે ભાવ વધુ પડતા તૂટી ગયા નથી. એસપીડીઆર ગોલ્ડ ફંડ પણ સોનામાં ભારે વેચવાલ છે. ફંડની અનામતો માર્ચ 2020ની નીચલી સપાટીએ પહોંચી ગઇ છે. 
ચાલુ સપ્તાહે સોનાના ભાવમાં અફડાતફડી રહેવાની છે. વ્યાજદર અને ડોલરને લીધે તીવ્ર વધઘટ દેખાશે. ચાંદીના ભાવમાં ગઇકાલની તુલનાએ મોટો ઘટાડો આવ્યો હતો. જોકે સ્થાનિક બજારો વિચલિત થઇ ન હતી. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ.60ના સુધારામાં રૂ. 51300 અને મુંબઇમાં રૂ. 48 વધતા રૂ. 49368 હતો. રાજકોટમાં ચાંદી રૂ. 200 ઘટીને રૂ. 5680 અને મુંબઇમાં મક્કમ રહેતા રૂ. 56354 હતી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer