કાપડ ઉદ્યોગની સફળતમ યોજના એ-ટફ ચાલુ રાખવામાં આવશે

કાપડ ઉદ્યોગની સફળતમ યોજના એ-ટફ ચાલુ રાખવામાં આવશે
વિસ્તરણની દરખાસ્તમાં બ્લેકઆઉટ તબક્કાને સામેલ કરાશે 
ખ્યાતિ જોશી  
સુરત, તા. 20 સપ્ટે.  
મુંબઇ જીઓ કન્વેશેનલ સેન્ટર ખાતે આયોજીત સીએમએઆઇના ત્રણ દિવસીય ફેબ-શોના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેન્દ્રીય ટેક્સટાઇલ સેક્રેટરી યુ. પી. સિંઘે કાપડ ઉદ્યોગને રાહત આપતી જાહેરાત કરી છે. કાપડ ઉદ્યોગની સફળતમ યોજનાઓમાં ટોચમાં સ્થાન પામતી એ-ટફ (એમેન્ડેડ ટેકનૉલૉજી અપગ્રેડેશન ફંડ) યોજનાને ફરીથી ચાલુ રાખવાની દરખાસ્તને કૅબિનેટને મોકલાઇ છે. એપ્રિલ, 2022થી બંધ થયેલી એ-ટફ યોજનાને ચાલુ રાખવા માટે ઉદ્યોગ સાહસિકો અને સંગઠનો દ્વારા અનેક રજૂઆતો કરાઇ છે. ટેક્સટાઇલ સેક્રેટરીની મુંબઇમાં જાહેરાતથી ઉદ્યોગકારોમાં આનંદ છવાયો છે.  
એ-ટફના સ્થાને ટીટીડીએસ યોજના લાગુ કરવાની જાહેરાત કરાઇ હતી. પરંતુ તે અંગેનું કોઇ નોટીફીકેશન બહાર પડ્યું નથી. તેમજ એ-ટફને લંબાવવા અંગે પણ કોઇ નિર્ણય કરાયો ન હોવાથી ઉદ્યોગકારોમાં ભારે મૂંઝવણ પેદા થઇ હતી. જેને લઇને ઉદ્યોગકારો નવા રોકાણને લઇને અત્યારે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. આવા ઉદ્યોગકારોમાં ટેક્સટાઇલ સેક્રેટરી યુ. પી. સિંઘની જાહેરાતથી રાહત જોવા મળી હતી. સીએમએઆઇના કાર્યક્રમમાં ટેક્સટાઇલ સેક્રેટરીએ વિસ્તૃત્તથી એ-ટફ યોજનાને લઇને કૅબિનેટને દરખાસ્ત મોકલાઇ હોવાનું ટાંક્યું હતું. દરખાસ્ત મોકલાયા બાદ હવે કૅબિનેટના નિર્ણયની રાહ જોવાઇ રહી છે. 
તેમણે ઉમેર્યું હતું કે, એ-ટફને ચાલુ રાખવા અને નાના ઉદ્યોગકારો માટે પીએલઆઇ-ર યોજના પણ શરૂ કરવાની વિચારણા છે. અગાઉ જે પીએલઆઇ યોજના જાહેર કરાઇ છે તેમાં મોટું ટર્નઓવર કરનાર કંપનીઓનો જ સમાવેશ થતો હોવાથી નાના ઉદ્યોગકારો માટે પીએલઆઇ-રની જરૂર જણાય છે. ઉદ્યોગજગતની રજૂઆતોના પગલે પીએલઆઇ-ર અંગે પણ વિચારણા હોવાનું કહ્યું હતું.  
કાર્યક્રમમાં ઉપસ્થિત દક્ષિણ ગુજરાત ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા કહે છે કે, ટેક્સટાઇલ સેક્રેટરીની જાહેરાતથી કાપડ ઉદ્યોગમાં આનંદ છવાયો છે. યોજના જ્યારથી બંધ થઇ છે ત્યારથી જે એકમો વિસ્તરણ કરવા આતૂર છે તેઓ અટવાયા છે. જોકે સેક્રેટરીએ નાના ઉદ્યોગકારો માટે પીએલઆઇ-રની વિચારણાની વાત કરતાં કાપડ ઉદ્યોગકારોને બે વિકલ્પ મળશે. જે કાપડઉદ્યોગ માટે ઉત્સાહ વધારનારું છે.  
અગ્રણી વિવર્સ અને મુંબઇ ખાતે પ્રદર્શનમાં ઉપસ્થિત મયુર ગોળવાળાએ કહ્યું હતું કે, જે ઉદ્યોગકારો રોકાણ કરવા ઉત્સુક છે તેઓ ટફ યોજના ન હોવાને કારણે રોકાણ કરતા અટક્યા હતા. હવે જ્યારે ટેક્સટાઇલ સેક્રેટરીએ ટફ યોજનાને ચાલુ રાખવાની વાત કરી અને દરખાસ્તને કૅબિનેટમાં મોકલાઇ હોવાનું કહેતા ઉદ્યોગકારોમાં આનંદ બેવડાયો છે. તેમજ જ્યારથી યોજના બંધ થઇ છે ત્યારથી યોજના ચાલુ થાય તે બ્લેકઆઉટ સમયગાળાને યોજનામાં સમાવેશ કરવામાં આવશે  જે વિવીંગ ઉદ્યોગ માટે લાભમાં છે.  
નોંધવું કે, ટફ યોજના ગત 31મી માર્ચથી બંધ થઇ છે. ટફની જગ્યાએ સરકાર નવી યોજના લઇને આવશે તેવી વાત કરાઇ હતી. પરંતુ બીજી કોઇ યોજના લાગુ કરાઇ નથી. જેના કારણે હજુ સુધી કાપડ ઉદ્યોગમાં ભારે અસમંજસ છે. ટેક્સટાઇલ સેક્રટરીની વાત માનીએ તો એ-ટફને 1 એપ્રિલ, 2023 સુધીમાં ચાલુ કરવાની વિચારણા છે. જે અંગે અંતિમ નોટીફીકેશન ટૂંક સમયમાં આવશે તેવી સંભાવના છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer