લઘુ ઉદ્યોગોમાં સરકારી યોજનાઓ બાબતે જાગૃતિ લાવવા અમદાવાદમાં યોજાઈ એસએમઈ સમિટ

લઘુ ઉદ્યોગોમાં સરકારી યોજનાઓ બાબતે જાગૃતિ લાવવા અમદાવાદમાં યોજાઈ એસએમઈ સમિટ
વડા પ્રધાનના 72મા જન્મદિવસ નિમિત્તે નવા 72,000 ઉદ્યોગકારો ઊભા કરવાની નેમ
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 20 સપ્ટે. 
ઉદ્યોગોના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત કરવું પણ એટલું જ જરૂરી છે. હાલ સરકાર પણ લઘુ અને મધ્યમ ઉદ્યોગ અને બેઠા કરવા માટે સતત મહેનત કરી રહી છે, પરંતુ જે રીતે જાગૃતિ કેળવવી જોઈએ તે હજુ સુધી નાના ઉદ્યોગકારોમાં જોવા મળતી નથી, એવું કેટલાક ઉદ્યોગકારોએ એસએમઇ ચેમ્બર અૉફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં જ અમદાવાદ ખાતે ગુજરાત ઇન્ડસ્ટ્રી અને એસએમઇ સમિટમાં જણાવ્યું હતું 
દેશની અર્થવ્યવસ્થામાં માત્રને માત્ર મોટા ઉદ્યોગો જ નહીં, પરંતુ નાના ઉદ્યોગોનું મહત્વ પણ ઘણું છે. સરકારની વિવિધ યોજનાઓ હોવા છતાં આ ઉદ્યોગોને લાભ મળી શકતો નથી, પરંતુ આ પ્રકારના આયોજન દ્વારા નાના ઉદ્યોગકારોને ખૂબ મોટી તક સાપડશે તેવો આશાવાદ ઉપસ્થિત ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો હતો.  
કાર્યક્રમમાં હાજર રહેલા ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે  નાના ઉદ્યોગકારોમાં જાગૃતિ વધારવા બાબતે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નાના અને લઘુ ઉદ્યોગોને ખૂબ સરળતાથી કઈ રીતે નાણાકીય સહાય મળી રહે તે માટેની માહિતી પણ આપી હતી.  
એસએમઇ ચેમ્બર અૉફ ઇન્ડિયાના સંસ્થાપક અને પ્રમુખ ચંદ્રકાન્ત સાલુંકેએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી દેશને આગળ લઇ જવા માટે સંપૂર્ણ સજ્જ છે ત્યારે દેશના ઉદ્યોગો વિશ્વમાં તીવ્ર વેગ સાથે આગળ વધી રહયા છે. વડા પ્રધાનના 72માં જન્મદિવસ નિમિતે આગામી દિવસોમાં 7200 ઉદ્યોગકારો ઉભા કરાશે અને 7200 કંપનીઓને આંતરરાષ્ટ્રીય ફલક પૂરું પાડવામાં આવશે.  
સાલુંકેએ જણાવ્યું હતું કે, એસએમઇ ઉદ્યોગમાં  ગુજરાત અન્ય રાજયો કરતા વધુ મજબૂત છે ત્યારે આ પ્રકારના આયોજન થકી સમસ્યાઓનું ઝડપી નિવારણ શક્ય બનશે.  
સમિટની સાથો સાથ અમદાવાદ બિઝનેસ ફોરમને પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જે ઉદ્યોગકારો માટે નેટવર્કિંગ, પ્રમોશન, બ્રાન્ડિગ સહિતના મુદ્દાઓ સાથે આગળ વધશે અને રાજ્યની અર્થવ્યવસ્થાને ઝડપભેર આગળ વધારવાના પ્રયાસ કરશે.  
વિવિધ ક્ષેત્રોમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરી ચૂકેલા અન્ય મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તેઓએ પણ ગુજરાતના ઉદ્યોગોને વિકસિત બનાવવા અને નાના ઉદ્યોગોને ઝડપભેર આગળ ધપાવવા માટેના અનેક સૂચનો આપ્યાં હતાં. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer