ગુજરાતમાં નવરાત્રિમાં માર્કેટિંગનું બજેટ રૂા. 1000 કરોડને વળોટી જશે

ગુજરાતમાં નવરાત્રિમાં માર્કેટિંગનું બજેટ રૂા. 1000 કરોડને વળોટી જશે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 20 સપ્ટે. 
ગુજરાતમાં નવરાત્રિ એ માત્ર ગરબાનો ઉત્સવ જ નથી પરંતુ તમામ નાની અને મોટી કંપનીઓ માટે તેમની પ્રોડક્ટ્સ ડિસ્પ્લે કરવાની ઉત્તમ તક પણ છે.  આ વર્ષે માત્ર અમદાવાદમાં જ નવરાત્રિ દરમિયાન કરોડો રૂપિયાનો માર્કાટિંગ બિઝનેસ ખૂલવાનો છે. 
ગુજરાત સ્થિત એકઝારો કંપનીએ મહિનાઓ પહેલા તૈયારી કરી હતી. કંપની આ વખતે નવરાત્રિ દરમિયાન તેની ટાઈલ્સ પ્રોડક્ટને લોકોમાં કેવી રીતે લોકપ્રિય બનાવી શકાય તેની ગોઠવણ થઈ ગઈ છે. ગરબાના વિજેતાઓને કંપનીના ગિફ્ટ વાઉચર્સ આપવા, કંપનીના ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ આપવું, ગરબા સ્થળ પર હોર્ડિંગ્સ લગાવવા, મોટા શહેરોમાં પણ હોર્ડિંગ્સ - આ બધી તૈયારીઓ કરવામાં આવી છે.  માત્ર આ ટાઈલ્સ કંપની જ નહીં પણ મોટી એફએમસીજી, કાર કંપની, ટેલિકોમ કંપની, મોબાઇલ વેંચતી કંપનીઓ અને સ્થાનિક કંપનીઓ પણ આવી સ્ટ્રેટેજી અજમાવી રહી છે જેથી તેઓ નવરાત્રિમાં જ તેમની બ્રાન્ડને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકે. 
ઇવેન્ટ મૅનેજમેન્ટ ફેડરેશન ગ્લોબલના રિસર્ચ મુજબ આ વર્ષે એકલા અમદાવાદમાં માર્કાટિંગ પર ઓછામાં ઓછા રૂા. 500 કરોડનો ખર્ચ થશે. આખા ગુજરાતમાં માર્કાટિંગ બજેટ આનાથી ત્રણ ગણું હોવાનો અંદાજ છે. કોર્પોરેટ અને મોટા પંડાલમાં ગરબા થવાના હોઈ તેની સંખ્યા અમદાવાદમાં જ 1000થી વધુ જગ્યાએ હશે.  એક જગ્યાએ ફૂટફોલ લગભગ પાંચ હજાર જેટલો દૈનિક હોય છે.  
 શક્તિની ઉપાસનાની સાથે નવરાત્રિ પર્વ પણ લોકો સુધી પહોંચવાનો માર્ગ બની ગયો છે.  આ માટે માર્કાટિંગ બજેટ દર વર્ષે વધી રહ્યું છે.  છેલ્લાં બે વર્ષથી કોરોનાને કારણે નવરાત્રિ યોજાઈ શકી ન હતી, પરંતુ આ વખતે ગરબા ધામધૂમથી ઊજવવામાં આવશે અને તેથી તેનો લાભ લેવા માટે કંપની પણ તનતોડ મહેનત કરી રહી છે. 
વિવિધ પ્રકારની કંપનીઓ અલગ અલગ પ્રોડક્ટસનું માર્કેટિંગ મોટાપાયે કરશે. તેના કારણે જાહેરખબર રૂપે આયોજકોને પણ કરોડોની કમાણી થવાની છે. અર્થતંત્ર એ રીતે વેગવંતું બનશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer