સીએમએઆઇનો ત્રણ દિવસીય ફેબ-શો શરૂ

સીએમએઆઇનો ત્રણ દિવસીય ફેબ-શો શરૂ
સુરતના 48 કાપડ ઉદ્યોગકારોએ વિવિધ પ્રોડક્ટસ પ્રદર્શિત કરી
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 20 સપ્ટે.  
ધી કલોથીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન અૉફ ઇન્ડિયા (સીએમએઆઇ) દ્વારા આયોજીત આગામી ત્રણ દિવસીય સીએમએઆઇ ફેબ શૉનું ઉદ્ધાટન કેન્દ્રીય ટેક્સટાઇલ સેક્રેટરી યુ. પી. સિંઘના હસ્તે કરાયું હતું. 19, 20 અને 21 દરમ્યાન મુંબઈ સ્થિત જીયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજીત ફેબ-શૉમાં સુરતના 48 જેટલા ઉદ્યોગકારોએ ભાગ લીધો છે.  
ધી સધર્ન ગુજરાત ચેમ્બર અૉફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીએ 1200 સ્કવેર મીટર એરીયામાં એસજીસીસીઆઇ પેવેલિયન તરીકે ભાગ ઉભુ કર્યું છે. જેમાં સુરતના 48 જેટલા ટેકસટાઇલ ઉદ્યોગકારોએ પોતાનું ફેબ્રિકસ, મેડ-અપ્સ, જોર્જેટ, શિફોન, ક્રેપ, સેટીન, લોજિસ્ટીક્સ અને નેરો ફેબ્રિકસ વગેરે પ્રોડકટનું પ્રદર્શન કર્યું હતું. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ખરીદદારો આવતા ઉદ્યોગકારોને મોટા વેપારની આશા છે.  
સુરતના ગોકુલ ટેકસ પ્રિન્ટ દ્વારા વેલ્યુ એડિશન સાથે ઇકો ફ્રેન્ડલી-નેચરલ ફેબ્રિકસનું પ્રદર્શન કરવામાં આવ્યું છે જે 4000 વર્ષ જૂના છે. આધુનિક સમયમાં પણ આ કાપડ ટકાઉ છે અને તેના પર રિવોલ્યુશનરી વોટર લેસ પ્રિન્ટીંગ કરી શકાય છે. સુરતમાં નવા ડેવલપ કરાયેલા કાપડમાંથી કયા ગારમેન્ટ બની શકે છે તેનું પ્રદર્શન કરાયું છે.  
સીએમએઆઇના ના દક્ષિણ ગુજરાતના રિજીયોનલ ચૅરમૅન તેમજ ડૉ. અજોય ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે, સીએમઆઇ છેલ્લાં 40 વર્ષોથી મુંબઈ ખાતે નેશનલ ગારમેન્ટ ફેરનું આયોજન કરતી આવી છે અને અત્યાર સુધીમાં 75 જેટલા સફળ નેશનલ ગારમેન્ટ ફેર યોજ્યા છે. સીએમએઆઇ દ્વારા ગત એપ્રિલમાં યોજાયેલા ફેબ શોને મળેલા જબરજસ્ત પ્રતિસાદને પગલે હવે બીજી શ્રેણીમાં સારા વેપારની અપેક્ષા છે.
પ્રથમ દિવસથી જ દેશ અને દુનિયામાંથી ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીના ટોપ બ્રાન્ડ્સ અને ટોપ ખરીદદારોએ ફેબ શોની મુલાકાત લેવાની શરૂ કરી છે. ફેબ-શોમાં ગારમેન્ટ ઉત્પાદક, ગારમેન્ટ બ્રાન્ડ્સ, નિકાસકારો, ડીઝાઇનરો આવ્યા છે. 
સામાન્યપણે ગારમેન્ટ ઉત્પાદકોને રેડીમેડ ગારમેન્ટ બનાવવા માટે જુદા-જુદા સોર્સ ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે. સીએમએઆઇનો આ ફેબ શો બધા જ સોર્સને એકજ છત્ર હેઠળ એકત્રિત કરવાનું મહત્વનું કામ કરશે. આથી ગારમેન્ટ મેન્યુફેકચરર્સને એક જ પ્લેટફોર્મ ઉપર ઘણા બધા વેપારીઓનો સંપર્ક થશે અને ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને ડેવલપ થવામાં વધુ પ્રોત્સાહન મળશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer