માગ નહી સંતોષાય તો ખેડૂતોનું આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે

માગ નહી સંતોષાય તો ખેડૂતોનું આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે
એક ખેડૂતની તબિયત લથડતાં હૉસ્પિટલ લઈ જવાનો વખત આવ્યો 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 20 સપ્ટે.
ગાંધીનગર હાલમાં આંદોલન છાવણીમાં ફેરવાઇ ગયું છે. અનેક આંદોલનો ઉપરાંત ખેડૂત આંદોલનનો પણ એમાં સમાવેશ થાય છે. સમાન વીજદર, જમીન રિ-સર્વે, પાક વીમો, સ્કાય યોજના જેવા 26 મહત્ત્વના પ્રશ્નને લઇને ગાંધીનગર ખાતે છેલ્લા 27 દિવસથી ચાલતા ખેડૂતોના ધરણા કાર્યક્રમો સામે હજુ સુધી સરકારે મચક આપી નથી. ત્યારે લાંબા સમય સુધી પોલીસે ગોંધી રાખતા આજે એક ખેડૂતની તબિયત લથડતા હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. ભારતીય કિસાન સંઘે તાકીદ કરી છે કે જો ખેડૂતોના પ્રશ્નો તાત્કાલિક ધોરણે ઉકેલવામાં નહી આવે તો આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે અને ગ્રામ્ય કક્ષાએ પહોચશે. ત્યારબાદ જે કંઇ નુકસાની થશે તેની જવાબદારી સરકારની રહેશે.  
ભારતીય કિસાનસંઘના ગુજરાત પ્રદેશના સહ પ્રચાર પ્રમુખ મનસુખ પટોળીયાએ જણાવ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા આજે ખેડૂત પંચાયત ખુલ્લી મુકીને વિધાનસભાની અંદર ગ્રામ્ય સ્તરે ખેડૂતોને સરકારની સિદ્ધિઓ વર્ણવવા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ ભારતીય કિસાન સંઘના પ્રદેશ સ્તરના કાર્યકર્તાઓને અંદર પ્રવેશ કરતા અટકાવવામાં આવ્યા હતા અને પોલીસ તંત્રએ ખેડૂતોની અટકાયત કરી હતી. જેમાં પોલીસે લાંબો ગોંધી રાખતા એક ખેડૂતોને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. 
તેમણે જણાવ્યું હતુ કે ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ગેરમાર્ગે દોરી સરકારની સિદ્ધિઓ વર્ણવવાની વાતને ભારતીય કિસાન સંઘ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. છેલ્લા 27 દિવસથી ધરણા પ્રદર્શન દ્વારા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. તેનો મતલબ જ ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોની હાલની સ્થિતિ ખૂબ જ નાજુક છે તેવો થાય છે. ખેડૂતોને એક બાજુ ડીઝલ અને પેટ્રોલ, જંતુનાશક દવા વગેરના સતત વધતા ભાવને કારણે ટ્રેક્ટરથી ખેતી કરવી પોસાય તેમ નથી ત્યારે સરકાર પોતાની વાહવાહ કરાવવા માટે ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer