ખાદ્યતેલની આયાત અૉગસ્ટમાં 35 ટકા વધી

ખાદ્યતેલની આયાત અૉગસ્ટમાં 35 ટકા વધી
નવી દિલ્હી, તા. 20 સપ્ટે.
વૈશ્વિક બજારોમાં ખાદ્યતેલના ભાવ તૂટયા બાદ ભારતે તેનો ફાયદો ઉઠાવીને અૉગસ્ટમાં 13.75 લાખ ટન ખાદ્યતેલની આયાત કરી જે અૉગસ્ટ 2021ના 10.16 લાખ ટન 
કરતાં 35.29 ટકા વધુ છે. ચાલુ વર્ષના જુલાઈમાં 12.05 લાખ ટન ખાદ્યતેલની આયાત થઈ હતી.
ભારતની ખાદ્યતેલની આયાત વધી હોવાના સમાચાર આવતાં જ બુરસા મલેશિયા ડેરીવેટીવ્ઝ એક્સચેન્જ પર મલેશિયન પામ તેલના બેંચમાર્ક વાયદાનો ભાવ 5.84 ટકા વધીને 3898 રિંગ્ગીટ્સ થઈ ગયો હતો.
સોલવન્ટ એક્સટ્રેકટર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (સી)ના આંકડા અનુસાર 2021-22 (નવેમ્બરથી અૉક્ટોબર)ના પાક વર્ષના પ્રથમ 10 મહિનામાં ભારતે 110.70 લાખ ટન ખાદ્યતેલની આયાત કરી હતી.
ગત વર્ષે આ સમયમાં 103.86 લાખ ટન ખાદ્યતેલની આયાત કરી હતી તેના કરતાં આ વર્ષે 6.58 ટકા વધુ આયાત થઈ છે.
સીના કાર્યકારી નિયામક બી.વી. મહેતાએ જણાવ્યું હતું કે 2021-22ના તેલ વર્ષના પ્રથમ દસ મહિનામાં આરબીડી પામોલીનની આયાતમાં ઉછાળો આવ્યો હતો. 2021-22ના નવેમ્બરથી અૉગસ્ટ સુધીમાં દેશમાં 483.63 ટકાના ઉછાળા સાથે 13.46 લાખ ટન આરબીડી પામોલીનની આયાત થઈ હતી, જે ગત વર્ષના આ સમયમાં ફક્ત 2.30 લાખ ટન હતી.
ઇન્ડોનેશિયાએ ક્રૂડ પામ તેલ (સીપીઓ)ની નિકાસ પર વધુ અને રિફાઇન્ડ પામોલિનની નિકાસ પર ઓછી જકાત નાખવાથી ભારતમાં આરબીડી પામોલીનની આયાત વધી ગઈ. અત્યારે ભારતની ખાદ્યતેલની કુલ આયાતમાં આરબીડી પામોલીનનો 12 ટકા હિસ્સો છે જે ગત વર્ષે ફક્ત બે ટકા હતો.
2021-22માં તેલ વર્ષના પહેલા દસ મહિનામાં ક્રૂડ પામઅૉઇલની આયાત 26.21 ટકા ઘટીને 44.42 લાખ ટન થઈ હતી. જે ગત વર્ષના આ સમયમાં 60.20 લાખ ટન હતી.
છેલ્લા ચાર મહિનામાં ખાદ્યતેલના વૈશ્વિક ભાવ તીવ્રતાથી ઘટી ગયા છે. આ સમયમાં આરબીડી પામોલીનના ભાવ પ્રતિ ટન 965 ડૉલર, ક્રૂડ પામઅૉઇલના ભાવ 685 ડૉલર, ક્રૂડ સોયાબીન તેલના ભાવ 607 ડૉલર અને ક્રૂડ સૂર્યમુખી તેલના ભાવ 730 ડૉલર ઘટયા છે.
છેલ્લા ચાર મહિનામાં ખાદ્યતેલના વૈશ્વિક ભાવની સાથે સ્થાનિક ભાવ પણ ઘટયા છે.
સ્થાનિકમાં છેલ્લા ચાર મહિનામાં આરબીડી પામોલીનના જથ્થાબંધ ભાવમાં ટને રૂા. 69,500 રિફાઇન્ડ સોયાબીન તેલના ભાવમાં રૂા. 44,500 અને સૂર્યમુખી તેલના ભાવમાં લગભગ રૂા. 56,000નો ઘટાડો આવ્યો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer