રશિયાથી ગેસ નહીં આવતાં ભારતે બીજેથી બમણા ભાવે ખરીદવો પડયો

રશિયાથી ગેસ નહીં આવતાં ભારતે બીજેથી બમણા ભાવે ખરીદવો પડયો
નવી દિલ્હી, તા. 20 સપ્ટે.
રશિયાથી આવનારા એલએનજી (પ્રવાહી કુદરતી ગૅસ)ની ડિલિવરી કેન્સલ થતાં ભારતે અન્ય સ્થળેથી અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ આપીને એલએનજીની ખરીદી કરી છે.
ગૅસ અૉથોરિટી અૉફ ઇન્ડિયા (ગેઇલ)એ અૉક્ટોબર-નવેમ્બર ડિલિવરીની શરતે ગત વર્ષ કરતાં લગભગ બમણાથી વધુ ભાવ આપીને એલએનજીનાં શિપમેન્ટ ખરીદ્યાં છે.
નવી દિલ્હી સ્થિત ગેઇલ રશિયન કંપની ગેઝપ્રોમ પીજેએસસી પાસેથી એલએનજી ખરીદતું હતું. ગેઝપ્રોમનું જર્મનીએ  રાષ્ટ્રીયકરણ કરી નાખ્યુ છે. યુરોપને પોતાને ગૅસની તાતી જરૂર હોવાથી આ કંપની ગેઇલને એલએનજીનો પુરવઠો આપતી નથી પણ તેના માટે નક્કી કરેલો દંડ ભરી દે છે.
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારબાદ કુદરતી ગૅસના વૈશ્વિક ભાવમાં ભડકો થયો છે, જેના કારણે ભારત જેવા વિકાસશીલ અને ભાવવધારા પ્રત્યે સંવેદનશીલ દેશોને વધુ બજારભાવ આપીને એલએનજી ખરીદવાની ફરજ પડી છે. જો કોઈ દેશ તે ખરીદે નહીં તો તેને અંધારપટ અને ઔદ્યોગિક ઉત્પાદન બંધ થઈ જવાની સ્થિતિનો સામનો કરવો પડે. ઈંધણની કિંમત વધી જવાને કારણે અૉગસ્ટમાં ભારતમાં ફુગાવો વધી ગયો હતો.
ગત સપ્તાહમાં ગેઇલે અૉક્ટોબર-નવેમ્બરમાં ડિલિવરી મળે તે રીતે 40 ડૉલર પ્રતિ દસ લાખ બ્રિટિશ થર્મલ યુનિટના ભાવે ત્રણ એલએનજી શિપમેન્ટનો અૉર્ડર આપ્યો હતો. એલએનજીનો આ ભારતે અત્યાર સુધીનો ચૂકવેલો સૌથી ઊંચો ભાવ છે.
ગેઇલે 2018માં ગેઝપ્રોમ જર્મનિયાના સિંગાપુર સ્થિત માર્કેટિંગ ડિવિઝન સાથે એલએનજીની ભારતમાં આયાત કરવાના 20 વર્ષના કરાર કર્યા હતા. પરંતુ એપ્રિલમાં જર્મનીના સત્તાવાળાઓએ આ કંપની જપ્ત કરીને તેને સિક્યોરિંગ એનર્જી ફોર યુરોપ જીએમબીએચનું નવું નામ આપ્યું હતું. આ નવી કંપની હવે રશિયાના યમલ દ્વિપકલ્પમાંથી એલએનજી મેળવી શકતી ન હોવાથી તેણે ભારતને પુરવઠો આપવાની અશક્તિ દર્શાવી છે. કૉન્ટ્રેક્ટ મુજબ ભારતને એલએનજી આપી નહીં શકવાને કારણે તે કંપની નક્કી કરેલો દંડ ચૂકવે છે, જે અત્યારના હાજર ભાવનો એક નાનકડો હિસ્સો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer