ચોખાની નિકાસ પર નિયંત્રણો બદલ ભારત પર પસ્તાળ

ચોખાની નિકાસ પર નિયંત્રણો બદલ ભારત પર પસ્તાળ
નવી દિલ્હી, તા. 20 સપ્ટે.
ભારતે ટુકડા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને ચોખાની અન્ય જાત પર 20 ટકા નિકાસ જકાત નાખી તેથી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુટીઓ)માં ભારત પર પસ્તાળ પડી છે.
ગત સપ્તાહે મળેલી બેઠકમાં અમેરિકા, યુરોપિયન યુનિયન અને સેનેગાલે ભારતની ચોખાની નિકાસનીતિ બાબત સવાલ ઉઠાવ્યા હતા. તેમના મતે ભારતના પગલાથી વૈશ્વિક બજારો પર નકારાત્મક અસર થશે અને તે વધુ ચંચળ બનશે. આ ઉપરાંત વિશ્વની અન્ન સમસ્યાનો સામનો કરવા માટે થઈ રહેલા સહિયારા પ્રયત્નોને પણ અસર થશે.
ગત સપ્તાહે નવી દિલ્હીએ બાસમતી અને પારબોઈલ્ડ ચોખા સિવાયના દરેક પ્રકારના ચોખાની નિકાસ પર 20 ટકા જકાત નાખી હતી અને ચોખાની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે.
આ પહેલાં ભારતે ઘઉં અને ઘઉંના લોટની નિકાસ પર નિયંત્રણો મૂક્યાં હતાં. અમેરિકાએ જણાવ્યું હતું કે ભારતની સતત બદલાતી રહેતી નિકાસનીતિ અનિશ્ચિતતા ઉભી કરે છે અને ચોખાની નિકાસ પરનાં નિયંત્રણોને કારણે વૈશ્વિક બજાર પર અસર થશે.
સેનેગાલ ભારતના ટુકડા ચોખા અને ચોખાની બનાવટોનો મોટો આયાતકાર દેશ છે. તેણે ભારતને વિનંતી કરી છે કે આ મુશ્કેલ સમયમાં અનાજનો પૂરતો પુરવઠો મળતો રહે તે માટે ચોખાનો વ્યાપાર ખુલ્લો રાખો એમ જીનીવા સ્થિત એક અધિકારીએ જણાવ્યું હતું.
જો કે ભારતે સ્પષ્ટતા કરી છે કે નિકાસ પ્રતિબંધ માત્ર ટુકડા ચોખા પર મૂક્યો છે કારણ કે તે મરઘાંની ચણ બનાવવામાં વપરાય છે અને તેની નિકાસથી સ્થાનિક પુરવઠા પર દબાણ આવ્યું હતું.
ઘઉંની નિકાસ પરનાં નિયંત્રણો માટે ભારતે જણાવ્યું હતું કે સ્થાનિક અન્ન સુરક્ષા માટે તે જરૂરી હતાં. આમ છતાં તેમાં અપવાદ તરીકે ભારત બીજા દેશોની વિનંતી વિશે વિચાર કરે છે. આ પગલાં કામચલાઉ છે અને તેમનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે.
ભારતે જણાવ્યું હતું કે ડબલ્યુટીઓના સભ્ય દેશોનું વલણ વિરોધાભાસી છે. ભારત જ્યારે વધુ નિકાસ કરે ત્યારે તેની ટીકા થાય છે અને જ્યારે તે નિકાસ પર નિયંત્રણ મૂકે ત્યારે પણ તેની ટીકા થાય છે.
આ બેઠકમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝિલ, ન્યૂ ઝીલૅન્ડ, થાઈલૅન્ડ, પરાગ્વે, ઉરુગ્વે અને જાપાને ભારત સાથે પીસ ક્લૉઝના ઉપયોગ બાબત વાતચીત કરવાની વિનંતી કરી હતી.
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ભારત પોતાના ખેડૂતોને ટેકો આપવા માટે પીસ ક્લૉઝનો ઉપયોગ કરી શકે છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer