રશિયાના છૂપા વેચાણથી હીરા બજારમાં ભાગલા

રશિયાના છૂપા વેચાણથી હીરા બજારમાં ભાગલા
મુંબઈ, તા. 20 સપ્ટે.
રશિયા દર મહિને કરોડો ડૉલરના હીરા ચોરી છૂપીથી વેચતું હોવાથી મુંબઈની હીરાઘસુઓની ઘંટીથી લઈને ન્યૂ યોર્કના ફિફ્થ એવન્યુ પરના આલિશાન સોર્સ સુધી પથરાયેલું હીરાબજાર બે ભાગમાં વહેંચાઈ ગયું હોય એમ લાગે છે.
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું અને અમેરિકાએ રશિયાની મહાકાય ખાણકંપની અલરોસા પર પ્રતિબંધો મૂક્યા ત્યાર પછી હીરા ઉદ્યોગમાં અનેક લોકો રશિયાના હીરાની લે-વેચ કરવાનો ઈનકાર કરે છે, પરંતુ ભારતમાં અને બેલ્જિયમમાં કેટલાક વેપારીઓ એવા છે જે રશિયાના હીરાની ઘણા નીચા ભાવે મોટા પાયે ખરીદી કરે છે. બીજા ગ્રાહકો દૂર હટી ગયા હોવાથી આ લોકો પોતાને જોઈતા હીરા સાનુકૂળ શરતોએ ખરીદી શકે છે.
હીરાબજાર ગુપ્તતા માટે જાણીતું છે, પરંતુ રશિયન હીરાના સોદા હીરાબજારના ધોરણે પણ અત્યંત ચૂપકીદીથી થાય છે. આ ખરીદદારો કોઈ પ્રતિબંધનો ભંગ કરતા નથી. પણ તેમને માથે બીજું જોખમ હોય છે : ટિફાની એન્ડ કું. તેમ જ સિગ્નેટ જ્વેલર્સ જેવી મોટી પેઢીઓ યુક્રેન યુદ્ધની શરૂઆત પછી ખાણમાંથી કઢાયેલા હીરા ખરીદવા કે વેચવા માગતી નથી. તેમના સપ્લાયરોને ડર છે કે જો તેઓ અલરોસાના હીરા વેચતા પકડાશે તો આવા મોંઘા ગ્રાહકોને ગુમાવી બેસશે. યુરોપની કેટલીક મોટી વૈભવી બ્રાન્ડોએ અલરોસાની હરીફ કંપની ડી બિયર્સને પોતાના વિશ્વાસુ સપ્લાયરોને વધુ હીરા પૂરા પાડવા માટે કહ્યું છે. ડી બિયર્સે એવો પ્રયાસ પણ કર્યો છે, પરંતુ તેની પાસે વધારાનો બહુ માલ નથી.
 રશિયન હીરા હીરાજગતમાં ભાગલા પાડી રહ્યા છે ત્યારે દુનિયાની નજર મિડસ્ટ્રીમ તરીકે ઓળખાતી પારિવારિક પેઢીઓ પર છે. આ કુટુંબો હીરા ઘસવાનું, પોલિશ કરવાનું અને વેચવાનું કામકાજ કરે છે. તેઓ ખાણ કંપનીઓ અને ઝવેરાતના સ્ટોર્સ વચ્ચેની કડીનું કામ કરે છે. આમાંના ઘણા પરિવારો ભારતમાં છે. યુક્રેન પરના  આક્રમણ પહેલાં અલરોસા આવા પચાસથી વધુ પરિવારોને દર મહિને હીરા વેચતી હતી. શરૂઆતમાં એ વેચાણ બંધ થઈગયું પણ હવે ધીરે ધીરે પાછું પહેલાં જેવું થઈ ગયું છે.
ઘણી ભારતીય પેઢીઓ હજી રશિયન હીરા ખરીદવાનું ટાળે છે. તેમને ડર છે કે તેઓ કદાચ પશ્ચિમના ગ્રાહકો ગુમાવી દેશે. ખાસ કરીને અમેરિકા તેમને માટે અતિશય મહત્ત્વની બજાર છે. પોલિશ થયેલા અડધો અડધ હીરા અમેરિકામાં વેચાય છે. ત્યાં લાખો ડૉલરના ઝગારા મારતા મૂલ્યવાન હીરાથી માંડીને વોલમાર્ટમાં 200 ડૉલરમાં વેચાતા નંગ સુધીના હીરાના ઘરાક મળી રહે છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer