આ વર્ષમાં કપાસનું ઉત્પાદન 360 લાખ ગાંસડી થવાનો સીસીઆઈનો અંદાજ

આ વર્ષમાં કપાસનું ઉત્પાદન 360 લાખ ગાંસડી થવાનો સીસીઆઈનો અંદાજ
જલગાંવ, તા. 20 સપ્ટે. 
 કેન્દ્ર સરકાર દેશમાં કપાસની અછતના કારણે 50 ટકા સ્પિનિગ મિલો બંધ થવાથી ચિંતિત છે એવા સમયે અૉક્ટોબર - સપ્ટેમ્બર કંપાસ વર્ષ 2022-23માં ઉત્પાદનમાં લગભગ 15 ટકાનો વધારો થવાની અપેક્ષા છે. અૉક્ટોબર સુધી હવામાન સાનુકુળ રહ્યું તો કપાસની સંપૂર્ણ વેલ્યૂ ચેઇનને રાહત મળશે. 
કોટન કોર્પોરેશન અૉફ ઇન્ડિયા (સીસીઆઇ)ના અંદાજ મુજબ, દેશમાં સીઝન વર્ષ 2022-23માં કપાસનું ઉત્પાદન 15 ટકા વધીને 360 લાખ ગાંસડી (પ્રતિ ગાંસડી 170 કિગ્રા) થવાની આશા છે. ભારતીય કપાસની કિંમત જાન્યુઆરીમાં રૂ. 60,000 પ્રતિ કેન્ડી (356 કિગ્રા)થી વધીને મે સુધીમાં રૂા. 1.10 લાખ થઇ ગઇ હતી. આટલી ઊંચી કિંમતને કારણે કપાસનો વાવેતર વિસ્તાર 7થી 8 ટકા સુધી વધ્યો છે. 
સીસીઆઇના સહાયક પ્રબંધક અર્જુન દવેએ કહ્યું કે, કપાસનું વાવેતર પાછલા વર્ષના 120.55 હેક્ટરની સામે વધીને 128 લાખ હેક્ટરે પહોંચી ગયુ છે.  સારા હવામાનની સ્થિતિને કારણે ઉત્પાદન વધવાની અપેક્ષા છે. કપાસનું ઉત્પાદન 360 લાખ ગાંસડી સુધી પહોંચી શકે છે.  
ખાનદેશ જિન પ્રેસ એસોસિએશન, જલગાંવ દ્વારા યોજાયેલા અખિલ ભારતીય કપાસ વેપાર સંમેલનમાં દવેએ આ મુજબ જણાવ્યું હતું.  
કોટન એસોસિએશન અૉફ ઇન્ડિયા (સીએઆઇ)એ કપાસ ઉત્પાદનનો આંકડો 350 લાખ ગાંસડી રહેવાનો અંદાજ મૂક્યો છે. સીએઆઇના અધ્યક્ષ અતુલ ગણાત્રાએ કહ્યુ કે આગામી મહિનાઓમાં હવામાનું સાનુકુળ રહેશે તો ઉત્પાદન 370-375 લાખ ગાંસડી સુધી વધી શકે છે. અલબત્ત, જો આવુ ન થયું તો ઉત્પાદન ઘટીને 325-330 લાખ ગાંસડી સુધી રહી શકે છે. 
ગણાત્રાના જણાવ્યા મુજબ, ટેક્સટાઇલ ઉદ્યોગ મંદીમાં છે અને સરકાર તરફથી કપાસની સ્થિતિને હળવી બનાવવાનું મોટું દબાણ છે. યાર્ન, ટેક્સટાઇલ, ગાર્મેન્ટ્સ વગેરેની નિકાસમાં લગભગ 70 ટકા ઘટાડો થયો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer