ખરીફ સિઝન 2022-23માં મગફળીનું વાવેતર 7.2 ટકા ઘટ્યું

ખરીફ સિઝન 2022-23માં મગફળીનું વાવેતર 7.2 ટકા ઘટ્યું
એસઈએના મતે આ વર્ષે ઉત્પાદન નજીવું ઘટવાની સંભાવના 
મુંબઇ, તા. 20 સપ્ટે. 
 ભારતમાં ખરીફ પાકોની વાવેતર 2022-23 સીઝનમાં મગફળીની વાવેતર ત્રણ લાખ હેક્ટર ઘટીને 45.1 લાખ હેક્ટર રહી, જે પ્રમાણ ગત સીઝનમાં 48.6 લાખ હેક્ટર હતું. સરકારી આંકડા અનુસાર, દેશભર મગફળીના વાવેતરમાં 7.2 ટકા ઘટાડો જોવા મળ્યો છે. 
સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન અૉફ ઇન્ડિયા (એસઇએ)ના અધ્યક્ષ અતુલ ચતુર્વેદીના જણાવ્યા મુજબ, દેશમાં મગફળીનુ ઉત્પાદન પાછલા વર્ષના લગભગ 50 લાખ ટનની તુલનામાં નજીવુ ઓછું રહેવાની સંભાવના છે. 
ચતુર્વેદીએ કહ્યુ હતું કે, ખેડૂતો મોટી સંખ્યામાં મગફળીમાંથી કપાસ અને સોયાબીન તરફ ફંટાઇ રહ્યા છે, કારણ કે પાછલી સીઝનમાં તેમને આ બંને જણસોમાં ઊંચા ભાવ મળ્યા હતા. 
દેશમાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કરતા રાજ્ય ગુજરાતમાં ચાલુ વર્ષે તેનું વાવેતર 19 લાખ હેક્ટરથી ઘટીને 17 લાખ હેક્ટર રહ્યું છે. 
ગુજરાતના કૃષિ વિભાગના એક ઉચ્ચ અધિકારીના મતે, અન્ય પાકો ઉપરાંત ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ક્ષેત્રોમાં ચોમાસાની સીઝનની મોડી શરૂઆત અને નબળી ઉત્પાદકતા ગુજરાતમાં મગફળીનુ વાવેતર ઘટવા પાછળના મુખ્ય બે કારણો છે. 
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા ક્ષેત્રોમાં ખેડૂતોએ ચાલુ ચોમાસાની સીઝનના પહેલા વરસાદની પહેલાથી જ મગફળીના બદલે કપાસનું વાવેતર શરૂ કરી દીધું હતું. અધિકારીએ કહ્યું કે, છેલ્લા એક દાયકાથી કપાસ અને મગફળીની કિંમત લગભગ 5,000 રૂપિયાથી 6,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર યથાવત રહેલી છે. અલબત, 2021-22ની સીઝનમાં ખેડૂતોને કપાસની માટે 12,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી મળ્યા હતા. તેની તુલનાએ મગફળીના વળતરમાં કોઇ મોટો ફેરફાર થયો નથી. 
ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ્સ ઍન્ડ ઓઇલ સીડ્સ એસોસિએશનના અધ્યક્ષ સમીર શાહે કહ્યુ કે, પાછલી સીઝનમાં ગુજરાતનુ ખરીફ મગફળી ઉત્પાદન લગભગ 35 લાખ ટન હતું. અત્યાર સુધી સાનુકુળ હવામાનની સ્થિતિને જોતા વાવેતરમાં ઘટાડા બાદ ગુજરાતમાં ખરીફ મગફળીના ઉત્પાદનમાં 20 ટકાનો ઘટાડો થશે. 
સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસિએશન (સોમા)ના અધ્યક્ષ કિશોર વિરાડિયાને અપેક્ષા છે કે ચીનમાંથી મગફળીની સાથે સાથે સિંગતેલની વધારે નિકાસ માંગ શરૂ થઇ ગઇ છે.  
વિરાડિયાનું કહેવુ છે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મગફળી ઉત્પાદક ક્ષેત્રો માટે તાજેતરમાં પડેલો વરસાદ મગફળીના પાક માટે વરદાન બનીને આવ્યો છે. અલબત્ત, મગફળીના ઉત્પાદન, નિકાસ માંગ અને કિંમત સાથે જોડાયેલું ચિત્ર તો નવેમ્બર સુધીમાં જ સ્પષ્ટ થશે.  
કુલ ઉત્પાદનમાં લગભગ 65થી 70 ટકા હિસ્સેદારી સાથે ગુજરાત દેશમાં મગફળીનો સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે. એ પછી રાજસ્થાન, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકનો નંબર આવે છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer