નાફેડે ટેકાના ભાવથી ઓછી કિંમતે ચણાનું ખુલ્લા બજારમાં વેચાણ શરૂ કર્યું

નાફેડે ટેકાના ભાવથી ઓછી કિંમતે ચણાનું ખુલ્લા બજારમાં વેચાણ શરૂ કર્યું
સરકારી તિજોરી ઉપર વધુ રૂ. 1200 કરોડનો બોજ 
ડી. કે.
મુંબઇ, તા. 20 સપ્ટે.
ભારત સરકારની ખરીદ-વેચાણ એજન્સી નાફેડે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, તથા આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં પોતાનાં સ્ટોકમાં રહેલા ચણાનું મોટા પાયે વેચાણ શરૂ કર્યું છે. આ વેચાણ હાલમાં સરકારે નક્કી કરેલા ટેકાનાં ભાવ કરતા ઓછી કિંમતે થઇ રહ્યું હોવાનું જાણવા મળે છે. 
વ્યવસાયિક સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે હાલમાં વિવિધ રાજ્યોની મંડીઓમાં ચણાનાં ક્વિન્ટલ દિઠ ભાવ 4300 રૂપિયાથી 4600 રૂપિયા વચ્ચે ચાલી રહ્યા છે. સામા પક્ષે નાફેડે 4416થી 5751 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનાં ભાવે મોટા ખેલાડીઓને ચણા વેચ્યા છે. નાફેડનાં ગોદામોનો સરકારી માલ હવે બજારમાં આવશૈ તેથી ખુલ્લા બજારમાં ચણાનાં ભાવ વધારે નીચા જવાની ચિંતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. 
સરકારી આંકડા પ્રમાણે સરકારે છેલ્લા બે વષર્ષમાં કરેલી મોટાપાયે ખરીદીનાં કારણે દેશનાં ગોદામોમાં આશરે 30 લાખ ટન ચણાનો સ્ટોક જમા પડ્યો છે. હવે થોડા સમયમાં રવિ સિઝનનાં ચણાનું વાવેતર શરૂ થશે, જેના સ્ટોરેજની સમસ્યા સર્જાઇ શકે છે. સરકારે આ ચણા ટેકાનાં ભાવે ખરીદ્યા હતા. અને ખેડૂતોને 5100થી 5230 રૂપિયા સુધીનાં વળતર આપવામાં આવ્યા હતા. જોકે હવે નાફેડ વહેલી તકે આ ચણા ખાલી કરવાની ફિરાકમાં છે. કારણ કે અૉગસ્ટ-21 માં ચણાનાં જે ભાવ હતા તેમાં પણ હાલમાં ઘટાડો જોવા મળે છે. સરકારી ધારાધોરણ પ્રમાણે સરકાર પાસે 23 લાખ ટન કઠોળ બફર સ્ટોકમાં રહેવા જોઇએ જેની સામે સરકરી ગોદામોમાં હાલમાં 37 લાખ ટન કઠોળનો સ્ટોક છે. જેમાંથી 30 લાખ ટન ચણાનો સ્ટોક છે જે બે વર્ષ જૂના ચણા છે.2021-22 માં ભારતનાં  કઠોળનાં કુલ 276.90 લાખ ટન ઉત્પાદનમાં ચણાનો હિસ્સો અડધોઅડધ હોવાનું કહેવાય છે. 
આમછતાં અન્ય કઠોળની સરકારી ખરીદી ઓછી થઇ હોવાથી મગનો 560000 ટનનો, અડદનો 80000 ટનનો, તુવેરનો 120000 તથા મસુરનો 70000 ટનનો સ્ટોક સરકારી ગોદામોમાં જમા પડ્યો છે. 
સરકાર પાસે વધારાનો સ્ટોક હોવાથી અૉગસ્ટ મહિનાનાં અંતિમ સપ્તાહે સરકારે 150000 ટન ચણા વેચવાનું નક્કી કર્યું હતું. સરકાર જ્યારે આ ચણા વેચવા નીકળી છે ત્યારે સરકારી તિજોરી ઉપર 1200 કરોડ રૂપિયાનો બોજ આવવાનું અનુમાન છે. ગત સિઝનમાં ચણાનાં ઊંચા પાક ઉપરાંત લૉકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે નાફેડ મારફતે 25 લાખ ટન ચણાની ટેકાનાં ભાવે ખરીદી કરી હતી. જેના કારણે આ વખતે અત્યારે પણ ચણાનાં સ્ટોકથી સરકારી ગોદામો ઉભરાઇ રહ્યા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer