દેશાવરો પાછળ સેન્સેક્ષમાં 578 પોઇન્ટનો સુધારો

દેશાવરો પાછળ સેન્સેક્ષમાં 578 પોઇન્ટનો સુધારો
ફાર્મા, અૉટો અને બૅન્કિંગમાં ચિક્કાર લેવાલી
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 20 સપ્ટે.
વૈશ્વિક શૅરબજારના મહદ્અંશે સુધારના વલણ અને વિદેશી ફંડોની લેવાલીને લીધે સ્થાનિક રોકાણકારોએ પણ ખરીદી શરૂ કરી હતી. મુખ્યત્વે દવા, વાહન, બૅન્કિંગ અને પીએસયુ શૅરોમાં લેવાલીને લીધે આજે સ્થાનિક બજારમાં સેન્સેક્ષ સતત બીજા દિવસે કુલ 578 પોઇન્ટ વધીને 59,720ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીના મુખ્ય શૅરોમાં આકર્ષણ અને વિવિધ ક્ષેત્રોમાં રોકાણકારોની લેવાલીથી આજે એમએસઈ સૂચકાંક 194 પોઇન્ટ સુધારે 17,816ના સ્તરે બંધ રહ્યો હતો.
આજના સુધારામાં અગ્રભાગે સનફાર્મા, ડૉ. રેડ્ડીસ, ઇન્ડસઇન્ડ બૅન્ક, તાતા સ્ટીલ, ટાઇટન, આઈસીઆઈસીઆઈ બૅન્ક, એશિયન પેઇન્ટમાં ચિક્કાર લેવાલી રહી હતી. જેથી નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ત્રણ ટકા વધ્યો હતો. નિફ્ટી વાહન અને ખાનગી બૅન્કેક્સ 1.7 ટકા અને પીએસયુ બૅન્કેક્સ 0.5 ટકા સુધર્યા હતા. જેની સામે નફાતારવણીરૂપે સ્થાનિક બજારના અગ્રણી નેસ્લે, પાવરગ્રીડ, ઇન્ફોસીસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરો વેચવાલીને લીધે ઘટાડે બંધ રહ્યા હતા. દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે રૂા. 312 કરોડના શૅરો ખરીદતાં સ્થાનિક બજારમાં ખરીદી નક્કર બની હતી. જેને લીધે નિફ્ટી ઇન્ટ્રાડે 17,919 સુધી ઊંચો ગયો હતો.
આજે વૈશ્વિક બજારનો ક્રૂડતેલ બેન્ચમાર્ક બ્રેન્ટક્રૂડ 92.45 ડૉલર (બેરલદીઠ) રહ્યો હતો.
ફેડ રિઝર્વની બેઠક અને ચીનની અમેરિકા સામેની આર્થિક યુદ્ધ જેવી સ્થિતિથી શૅરબજારોમાં ટૂંકી વધઘટે ટ્રેડિંગ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. જેથી સ્થાનિક એનલિસ્ટો માને છે કે વૈશ્વિક બજાર મોંઘુ લાગવાને લીધે વૈશ્વિક રોકાણકારો હવે ભારતનાં શૅરબજારમાં મિશ્ર પોર્ટફોલિયોમાં રોકાણ કરવા માટે આતુર છે. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.4 ટકા વધ્યા હતા.
દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારોમાં યુરોપ સિવાયનાં બજારો સકારાત્મક રહ્યાં હતાં. એશિયાના મુખ્ય બજારોમાં સીઓલ, ટોકિયો, શાંઘાઈ અને હૉંગકૉંગના શૅરબજાર સુધરીને બંધ રહ્યા હતા. અમેરિકન બજાર તેજીના ટકોરે રહ્યું હતું. જોકે યુરોપના બજારમાં ફુગાવાને લીધે શૅરબજાર નકારાત્મક રહ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer