અદાણીના પ્રવેશથી સિમેન્ટ ઉદ્યોગમાં ઊથલપાથલના ભણકારા

અદાણીના પ્રવેશથી સિમેન્ટ ઉદ્યોગમાં ઊથલપાથલના ભણકારા
એજન્સીસ
મુંબઈ, તા. 20 સપ્ટે.
અદાણી ગ્રુપના સિમેન્ટ ક્ષેત્રે પ્રવેશવાથી સિમેન્ટ ક્ષેત્રે કન્સોલિડેશનની પ્રક્રિયા વેગીલી બનવાની છે અને આ ક્ષેત્રમાં મોટી ઊથલપાથલ થવાનાં એંધાણ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. અદાણી ગ્રુપ 2030 સુધીમાં ભારતની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક કંપની બની રહેવાની ધારણા હોવાથી દેશની ટોચની સિમેન્ટ કંપની અલ્ટ્રાટેકને અસર થવાની ધારણા છે. આ બન્ને ગ્રુપો અને અન્ય ટોપ સિમેન્ટ ઉત્પાદકો હવે સિમેન્ટ ઉદ્યોગમાં નાના નાના હરીફોના એકમો હસ્તગત કરવાના પ્રયત્નો કરશે, એમ માર્કેટ સૂત્રોનું માનવું છે.
અદાણી ગ્રુપે અંબુજા સિમેન્ટમાંનો સ્વીસ સિમેન્ટ માંધાતા હોલસીમનો 63.11 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. વળી તે એસીસીમાં 50.05 ટકા હિસ્સો ધરાવે છે અને એસીસીમાં હોલસીમનો સીધો હિસ્સો 4.48 ટકાનો છે તે પણ 6.4 અબજ ડૉલરમાં હસ્તગત કર્યો છે. અદાણી ગ્રુપે જાહેરાત કરી છે કે તે અંબુજામાં તેમનો હિસ્સો વધારવા રૂા. 20,000 કરોડનું વધુ રોકાણ કરશે. તે કારણે સિમેન્ટ ઉત્પાદનમાં તે અલ્ટ્રાટેકને પાછળ મૂકી દેશે.
અંબુજા અને એસીસીની સંયુક્ત સ્થાપિત ઉત્પાદનક્ષમતા વાર્ષિક 67.5 મેટ્રિક ટનની છે. બન્ને ભારતની સૌથી મજબૂત બ્રાન્ડસ ગણાય છે. આદિત્ય બિરલા ગ્રુપ અલ્ટ્રાટેક ધરાવે છે. જેની ઉત્પાદનક્ષમતા વાર્ષિક 120 મેટ્રિક ટનની છે. તે 2027 સુધીમાં ઉત્પાદનક્ષમતા વધારી 160 મેટ્રિક ટન સુધી લઈ જવા રૂા. 13,000 કરોડનું રોકાણ કરનાર છે. ટોચની કંપનીઓ ઉત્પાદનક્ષમતાનું વિસ્તરણ કરવા ઉપરાંત આગામી બે-ત્રણ વર્ષોમાં 45થી 50 મેટ્રિક ટન ક્ષમતાના એકમો હસ્તગત કરશે.
ઘણા પ્રાદેશિક ઉત્પાદકોએ પાછલાં થોડાંક વર્ષોમાં ઉત્પાદનક્ષમતા વધારી નથી અને તેમણે તેમનો બજાર હિસ્સો ગુમાવી દીધો છે. અમુક ઉત્પાદકો તેમનું અસ્તિત્વ ટકાવી રાખવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે અને તેઓ સારું વેલ્યુએશન મળતા સિમેન્ટ ઉદ્યોગમાંથી બહાર નીકળી જશે એમ મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસીસના વિશ્લેષણકારે જણાવ્યું છે.
છેલ્લા એક મહિનામાં સિમેન્ટ શેરોના ભાવ પાંચથી 37 ટકા જેટલા વધ્યા છે. અલ્ટ્રાટેક જેવા અમુક શૅરો અપવાદરૂપ છે, જે અંડરપર્ફોમ રહ્યા છે. ભારતીય સિમેન્ટ ક્ષેત્રે મોટા પાયે કન્સોલિડેશન થઈ રહ્યું હોવાથી શૅરોના ભાવ વધવાની શક્યતા છે.
શ્રી સિમેન્ટ અને દાલમિયા ભારત જે પેકિંગ ઓર્ડરમાં અગ્રેસર છે તે ઓર્ગેનિકલી અને ઈનઓર્ગેનિકલી ઉત્પાદનક્ષમતાનું વિસ્તરણ કરનાર છે. સિમેન્ટ ઉત્પાદકોએ જે ઓર્ગેનિક ક્ષમતા વિસ્તરણની જાહેરાત કરી છે તે અન્વયે ટોપ પાંચ ઉત્પાદકો 2025 સુધી આઠ ટકા સ્થાપિત ક્ષમતાનું વિસ્તરણ કરશે, જ્યારે ઉદ્યોગના બાકીના ઉત્પાદકોનું વિસ્તરણ ત્રણ ટકા થશે.
ઉદ્યોગમાં કોન્સોલિડેશન થવાથી પ્રાઈઝિંગ પાવર વધશે. ઉત્પાદનખર્ચમાં ઘટાડો થશે, કાર્યક્ષમતા વધશે અને હસ્તગત કરનારને ક્રોસ-બ્રાન્ડિંગનો ફાયદો થશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
અલ્ટ્રાટેકે હસ્તગત કરેલી બિનાની અને સેન્ચુરી ટેક્સ્ટાઈલ્સની બ્રાન્ડને સફળતાપૂર્વક સમાવી લીધી છે. નિરમા ગ્રુપની નુવોવોએ `ડબલ બુલ' બ્રાન્ડ લોન્ચ કરી છે. અગાઉ તે ઈમામી સિમેન્ટ હતી જે પૂર્વ ભારતમાં પ્રખ્યાત હતી. દાલમિયા ભારતે બિહારમાં `ડીએસપી' બ્રાન્ડ લોન્ચ કરી છે, જે કલ્યાણપુર સિમેન્ટ હતી અને આઇબીસી પ્રોસેસમાં હસ્તગત કરાઈ હતી. લોઢા પરિવારની બિરલા કોર્પોરેશને રિલાયન્સ સિમેન્ટનું રીબ્રાન્ડિંગ કરી એમપી બિરલા ગ્રુપ બ્રાન્ડ કરી હતી.
દરમિયાન, ફોર્બર્સ રીયલ ટાઈમ બિલિયોનર્સની યાદી પ્રમાણે ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી વિશ્વના દ્વિતીય સૌથી ધનિક વ્યક્તિ બન્યાં હતા. તેમને એમેઝોનના જેફ બેઝોસ અને ફ્રાન્સના બર્નાર્ડ અર્નોલ્ટને પાછળ મૂકી દીધા છે. ગૌતમ અદાણીની સંપત્તિ વધી 155.7 અબજ ડૉલરની થઈ ગઈ છે. તેઓ હવે માત્ર ઈલોન મસ્કથી પાછળ છે. જેની સંપત્તિ 273.5 અબજ ડૉલર અંદાજાય છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer