ફિનટૅક ઉદ્યોગે પ્રજાનો વિશ્વાસ જીતવો આવશ્યક : વડા પ્રધાન

ફિનટૅક ઉદ્યોગે પ્રજાનો વિશ્વાસ જીતવો આવશ્યક : વડા પ્રધાન
કંપનીઓ અંતરાયો હટાવી સરકારની નજીક આવે : સીતારામન
પીટીઆઈ
મુંબઈ, તા. 20 સપ્ટે.
ફિનટેક ક્ષેત્ર (ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજી ક્ષેત્ર)એ નાગરિકોનો વિશ્વાસ જીતવા માટે તેમની સુરક્ષા અને આધારભૂતતા ઉપર અવિરત કામ કરવું પડશે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું જ્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારામને ફિનટેક ઉદ્યોગને વિશ્વાસનો માહોલ નિર્માણ કરવા માટે તેમના અને સરકાર વચ્ચેના અંતરાયોને દૂર કરી સત્તાસ્થાન સાથે વધુ નિકટતા કેળવવા માટે આગ્રહ કર્યો હતો.
ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (જીએફએફ)ને પાઠવેલા સંદેશમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે સરકાર જ્યારે નવી શોધ કરવા માટે પ્રોત્સાહન આપે છે ત્યારે આ ક્ષેત્રમાં સામેલ યુવાનોએ કરેલાં સંશોધન અને તેમની કાર્યક્ષમતાના કારણે અનેક ચમત્કારો થયા છે.
સહુને સમાવેશ કરતું સંશોધન કરવું એ અમારો મંત્ર છે અને તેનાથી જનધન-આધાર-મોબાઇલ (જામ) દ્વારા બૃહદ જનસમુદાય સુધી પહોંચવાનું ક્રાંતિકારક પગલું ભરી શકાયું. ડિજિટલ પેમેન્ટ હવે રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે જે માટે યુપીઆઈની સફળતા કેન્દ્ર સ્થાને છે. ફિનટેક ક્ષેત્ર અને સ્ટાર્ટ અપ્સની સફળ હરણફાળના કારણે વિશ્વમાં ભારત હવે નવી શોધ અને રોકાણ માટેનું મુખ્ય કેન્દ્ર બની ગયું હોવાનું વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું.
નાગરિકોએ મૂકેલા વિશ્વાસને યથાર્થ ઠેરવવા માટે ફિનટેક કંપનીઓએ તેમની સુરક્ષા, સલામતી અને પ્રમાણભૂતતાની ખાતરી કરાવવા માટે અથાક પ્રયાસો કરવા પડશે, એમ વડા પ્રધાને ઉમેર્યું હતું.
સહુનો સમાવેશ કરીને ફિનટેક ઉદ્યોગે પોતાની આગવી પ્રતિષ્ઠા કેળવી છે અને ગરીબ નાગરિકો સુધી ગુણવત્તાસભર નાણા સેવા પહોંચાડવા માટે ફિનટેક ક્ષેત્રએ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, એમ તેમણે જણાવ્યું હતું.
દરમિયાન, જીએફએફ 2022માં વર્ચ્યુઅલ હાજરી આપનાર નાણાપ્રધાન નિર્મલા સીતારામને નાગરિકોમાં વિશ્વાસનો માહોલ તૈયાર કરવા સરકાર સાથેની દૂરીને સમાપ્ત કરવાની હાકલ કરી હતી.
જીએફએફના ચૅરમેન ક્રિશ ગોપાલાકૃષ્ણને તેમને પ્રશ્ન કર્યો હતો કે ઉદ્યોગ, નિયામકો અને સરકાર વચ્ચે વિશ્વાસનો માહોલ કઈ રીતે નિર્માણ કરવો? તેના જવાબમાં નાણાપ્રધાને ઉક્ત નિવેદન કર્યું હતું.
હું એ બહુશ્રુત કહેવતને દોહરાવવા નથી માગતી પરંતુ એટલું જરૂર કહીશ કે જેટલું અંતર રાખશો તેટલો અવિશ્વાસ વધશે, તેથી અંતરને કાપો અને સરકાર સાથે બને તેટલો વ્યવહાર કેળવો, એમ સીતારામને જણાવ્યું હતું.
સરકારમાં દરેક વ્યક્તિ, વડા પ્રધાન સહિત, પ્રધાનો અને નીતિઆયોગ ચર્ચા, વિચારોની આપ-લે કરવા, મળવા માટે હંમેશાં ઉપલબ્ધ રહે છે, એમ સીતારામને જણાવ્યું હતું.
સમગ્ર દાયકા દરમિયાન વિકાસ દર સાત ટકા રહેશે : સીઈએ
જીએફએફને વર્ચ્યુઅલ સંબોધન કરતાં ચીફ ઇકોનોમિક એડવાઇઝર (સીઈએ) વી. અનંતા નાગેશ્વરને જણાવ્યું હતું કે દેશનું અર્થતંત્ર સાત ટકાના દરે આ વર્ષે અને આ દાયકાના આખર સુધી વિકસતું રહેશે.
કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2022ના આર્થિક સર્વેમાં આ વર્ષે 8થી 8.5 ટકાના દરે રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો, તેનાથી સીઈએ દ્વારા કરવામાં આવેલું આ અનુમાન ઓછું છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer