કપાસની સિઝન શરૂ પણ 70 ટકા યાર્ન મિલો બંધ

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 23 સપ્ટે. 
નવા કપાસની આવક હવે રોજીંદી 50,000 મણના આંકને આંબવામાં છે પણ હજુ યાર્ન મિલો ધમધમતી થઇ નથી એટલે રૂ અને કપાસ બન્નેના ભાવ તૂટતા જાય છે. કપાસનો ભાવ ખાંડીએ રૂા. 1.10 લાખ સુધી પહોંચી ગયા પછી યાર્ન મિલોની હાલત બગડવાનું શરૂ થયું હતું. હવે રૂમાં મંદી શરૂ થઇ છે, પણ 70 ટકા યાર્ન મિલો બંધ છે અને  તે વધુ એક મહિના સુધી શરૂ થાય એવી કોઇ શક્યતા દેખાતી નથી.  સૌરાષ્ટ્ર-ગુજરાત વિસ્તારમાં આશરે 110 જેટલી યાર્ન મિલો છે. રૂના વધતા જતા ભાવને લીધે પહેલા ઉત્પાદન ક્ષમતા ઘટી ગઇ અને પછી ધીરે ધીરે 70 ટકા કરતા વધારે યાર્ન મિલો બંધ થઇ ગઇ છે. જે મિલો ચાલુ છે ત્યાં ફક્ત ચલાવવા પૂરતાં કામકાજ થાય છે. 
સ્પિનીંગ એસોસીએશન અૉફ ગુજરાતના ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કપાસની આવક હવે વધતી જાય છે અને ભાવ તૂટતા જાય છે, સૂકો કપાસ આવે એ પછી જિનિંગ મિલો નવરાત્રિ કે દશેરાથી ધમધમતી થશે. રૂ અને યાર્નના ભાવ વચ્ચે પડતર બેસે નહીં ત્યાં સુધી મિલો સક્રિય થાય એમ નથી. શરૂ થતાં એક મહિનો પણ લાગી જાય એમ છે. 
હાલ યાર્નના ભાવ એક કિલોએ રૂા. 300 ચાલે છે. તેની સામે રૂા. 330-335માં પડતર થાય છે, પણ મહત્વની વાત એ છે કે એક કિલોએ રૂા. 300માં યાર્ન વેંચવામાં આવે તો પણ ખપત થતી નથી. ગાંસડીના ભાવ નીચા આવે અને યાર્નની માગ ખૂલે તો મિલો ફટાફટ ચાલુ થવા લાગશે, એમ સુત્રોએ ઉમેર્યું હતું. 
મિલો નુક્સાનીમાં ચાલી રહી હતી એટલે બંધ કરી દેવા સિવાય છૂટકો ન હતો. રૂની મળતર હવે થાય છે પણ અત્યાર સુધી અછત હતી. મોંઘું રૂ ખરીદીને ઉત્પાદન કરવા જઇએ તો પોસાતું ન હતું, કારણ કે યાર્નના ભાવ કરતા ઉત્પાદન પડતર ઊંચી આવે છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer