નવરાત્રિ બાદ તલની સિઝનલ ઘરાકી શરૂ થવાની શક્યતા

જીરુંમાં પાંખા કામકાજ, શિયાળુ વાવેતર સારું રહેવાની આશા 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 23 સપ્ટે.
ગંજબજારમાં હવે નવરાત્રિ બાદ તલની સિઝનલ ઘરાકી ખૂલવાની રાહ જોવાઇ રહી છે. તો બીજા બાજુ તલ ધોવાવાળી મિલો નવરાત્રિથી ખૂલશે ત્યારે ધુંઆબર ક્વોલિટીમાં ઉપાડ સારો રહેશે તેમ હાલમાં મનાય રહ્યું છે. કાઠિયાવાડમા ધાણા અને જીરુંનો પાક મોટી માત્રામાં લેવાય તેવી શક્યતા છે. વરિયાળી સહિતના શિયાળુ સહિતના પાક સારા ઉતરે તેમ વેપારીઓ અને ખેડૂતો માની રહ્યા છે. બીજી બાજુ વરિયાળીના ઊંચા ભાવને જોતા તેમાં પણ વાવેતર વધવાની ધારણા છે.   ઊંઝા ગંજ બજાર ખાતે જીરાના ભાવ વધ્યા ભાવે રૂા. 100 નરમ રહ્યા હતા. ઘરાકી માપની  છે. જીરામાં વિતેલા સપ્તાહે પાંચથી છ હજાર બોરીની આવક સામે વેપાર સાતેક હજાર બોરીના રહ્યા હતા. તેમાં હલકા માલના રૂા. 4000, કોમોડિટી દડા (મીડિયમ)ની રૂા. 4300 અને સારા માલના રૂા. 4400થી 4600 અને બોલ્ડના રૂા. 4650થી 4700ના ભાવ રહ્યા હતા. દેશાવરોની ઘરાકી ઓછી ત્યારે વાવેતરનો સમય નજીક આવતા બિયારણની ઘરાકી રહેતી હોવાનું વેપારીઓ જણાવે છે.  
વરિયાળીમાં 1500 બોરીના વેપાર રહ્યા હતા. તેમાં હલકા માલના રૂા. 2300થી 2400, મીડિયમના રૂા. 2500 અને બેસ્ટ કલર માલના રૂા. 2500થી 2600 જ્યારે સિંગાપોર ક્વોલિટીના 2700 રહ્યા હતા. જ્યારે આબોરોડ રૂા. 3500થી 4000ના મથાળે રહ્યા હતા.  
ઇસબગૂલમં ચારથી પાંચ હજાર બોરીના વેપાર થાય છે. તેના ભાવ રૂા. 3200થી 3400ના ટક્યા મથાળે છે. અજમાની 1500થી 2000 બોરીની આવક રહી હતી ઘરાકીને ટેકે બજાર જળવાયેલી છે. તેમાં હલકા માલના રૂા. 1600થી 1800 અને સારા માલના રૂા. 2100થી 2200 બોલાઇ રહ્યા છે.  
તલમાં અઢી હજાર બોરીના વેપાર છે. તેમાં ધુંઆબરના રૂા. 2200 અને કરિયાણાબરના રૂા. 2200થી 2300 ચાલી રહ્યા છે. સફેદ તલ સામે કાળા તલના ભાવ ઊંચા રહે છે તેમાં રૂા. 100થી 150નો ફરક રહે છે.  
ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા જિલ્લામાં ગઇકાલથી વાદળા બંધાયા છે ત્યારે જો વરસાદ થશે તો ખેડૂતોને પિયત બચી જશે. જો વરસાદ નહી થાય તો પણ જમીનમાં ભેજના સ્તર સારા એવા ઉપર ગયા હોવાથી વાવેતરનો પ્રશ્ન રહેશે નહી.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer