સુરત પાલિકાની કચરામાંથી કમાણી : પ્રતિ ટન રૂા. 600 મેળવશે

એનટીપીસીને કચરાનું વેચાણ કરાશે : કંપની પ્લાન્ટ સ્થાપી ઊર્જા ઉત્પાદિત કરશે 
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 23 સપ્ટે. 
સુરત મહાનગરપાલિકાએ કચરામાંથી કમાણીનો માર્ગ શોધી કાઢ્યો છે. હાલ સુરતમાં દૈનિક 2200 મેટ્રીક ટન જેટલો કચરો એકત્ર થાય છે જે મનપાની ટીમ ડોર ટુ ડોર એકત્ર કરે છે હાલ તેને ખજોડની ડમ્પીંગ સાઇટ પર નિકાલ કરવામાં આવે છે. મનપાએ આ કચરાના નિકાલ માટે એનટીપીસી સાથે એમઓયુ કર્યા છે. મનપા 600 મેટ્રીક ટન કચરાને પ્રોસેસ કરવા માટે એનટીપીસીને આપશે. એનટીપીસી દૈનિક 600 મેટ્રીક ટન કચરો પ્રતિ ટન રૂા. 600ના ભાવથી વીસ વર્ષ સુધી કચરાની ખરીદી કરશે. વેસ્ટ ટુ એનર્જી હેઠળ મનપા દ્વારા કાર્યક્રમ હાથ ધરાયો છે.  
આ માટે એનટીપીસી દ્વારા રૂા. 250 કરોડના ખર્ચે નવો પ્લાન્ટ પણ સ્થાપવામાં આવશે. જેમાં કચરામાંથી એનર્જી પેદા કરવામાં આવશે. હાલમાં જે ખજોદ સાઇટ પર કચરાનું નિકાલ કરવામાં આવે છે તેના સામે કાંઠા વિભાગના કોળી સમાજ દ્વારા વિરોધ કરાઇ રહ્યો છે. આ સાઇટને લઇને મનપા આમ પણ વિવાદમાં છે. હવે મનપાએ કચરાના કાયમી નિકાલ સાથે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી છે.  
એનટીપીસી પાલિકા પાસેથી દૈનિક 600 મેટ્રીક ટન કચરો ખરીદીને હજીરા પાસે કવાસ ખાતે નવો પ્લાન્ટ ઉભો કરશે. જે પાછળ એનટીપીસી રૂા. 250 કરોડનું રોકાણ કરશે. કંપનીને પ્લાન્ટ સ્થાપિત કરવામાં બેથી અઢી વર્ષનો સમયગાળો લાગે તેમ છે. પાલિકા સાથે થયેલા કરાર મુજબ પાલિકા વીસ વર્ષ સુધી કચરો આપશે, જેથી ખજોદ સાઇટ પર કચરાનું ભારણ ઘટશે. તેમજ એનટીપીસીની જરૂરિયાત મુજબ વધુ કચરો પણ આપવામાં આવશે. કચરાના નિકાલથી પાલિકાને અંદાજે રૂા. 262 કરોડની કમાણી થવાની સંભાવના છે.   

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer