ગાર્મેન્ટના ફેબ-શૉમાં ઉદ્યોગકારોને મળ્યો $ 2000 કરોડનો બિઝનેસ

ખરીદદારોએ સંખ્યાબંધ વેરાયટી ખરીદવાના ઓર્ડર નોંધાવ્યા 
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 23 સપ્ટે. 
સુરતના ગાર્મેન્ટ ઉદ્યોગના વિસ્તાર માટે મુંબઇમાં તાજેતરમાં યોજાયેલા કલોથીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન અૉફ ઇન્ડિયા (સીએમએઆઇ)ના ફેબ-શૉમાં ભાગ લેનારા ઉદ્યોગકારોને અંદાજે રૂા. 2,000 કરોડનો બિઝનેસ મળ્યાનું જાણવા મળ્યું છે. સુરતના 48 ઉદ્યોગકારોને મહત્તમ વેપાર મળ્યો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.  
સુરતમાં દૈનિક સાડા ચાર કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે. પરંતુ તેનું ગાર્મેન્ટિગ સુરતમાં થતું નથી. ગાર્મેન્ટ બનાવતી દેશની મોટી કંપનીઓ સુરતમાંથી કાપડથી ખરીદીને ગાર્મેન્ટિગ અન્ય સ્થળે કરે છે,  
જોકે, પાછલા પાંચ વર્ષથી અહીંની કાપડ ઉત્પાદક કંપનીઓ ગાર્મેન્ટ ઉત્પાદન તરફ વળી છે. અહીના ઉદ્યોગ સાહસિકોની અપાર ક્ષમતાને બહાર લાવવા માટે યોગ્ય પ્લેટફોર્મની જરૂર છે. તેમાં ઔદ્યોગિક પ્રદર્શનો સૌથી વધુ મદદ કરી શકે છે. આ હેતુસર સીએમએઆઇ દ્વારા વર્તમાન વર્ષમાં બે વખત ફેબ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બન્ને શોમાં દક્ષિણ ગુજરાત ચેમ્બરના વડપણ હેઠળ સુરતના કાપડ ક્ષેત્રના ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો.   
મુંબઇમાં જીઓ વર્લ્ડ ખાતે 19થી 21 સપ્ટેમ્બર દરમ્યાન આયોજીત ફેબ શૉમાં 48 ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો. ત્રણ દિવસના આ પ્રદર્શનમાં દેશ અને વિદેશના અનેક ખરીદદારો આવ્યા હતા. અનેક ખરીદદારોએ સુરતના કાપડ ઉદ્યોગકારો પાસેથી જથ્થાબંધ વેરાયટી ખરીદવાના ઓર્ડર ફેબ શૉમાં જ નોંધાવ્યા છે.  
સીએમએઆઇના દક્ષિણ ગુજરાતના ચૅરમૅન ડૉ. અજોય ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં સુરતના પેવેલીયનને જોરદાર પ્રતિસાદ સાંપડ્યો હતો. ઉદ્યોગકારોએ ફેબ્રિકસ, મેડ-અપ્સ, જ્યોજર્ટ, શિફોન, ક્રેપ, સેટીન, લોજિસ્ટીક્સ અને નેરો ફેબ્રિકસ વગેરે પ્રકારના કાપડનું પ્રદર્શન કર્યું હતું. એક્ઝિબિટર્સોને આશરે રૂા. 2,000 કરોડથી વધુનો વ્યાપાર મળ્યો છે. અનેક ખરીદદારોએ આગામી દિવાળી બાદ પ્રદર્શનકારીઓનો સંપર્ક કરશે, એવી આશા છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer