એમએસએમઇના વિકાસ માટે બૅન્કોએ બે કરોડ સુધીની લોન કો-લેટરલ વગર આપવી જોઇએ

અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 23 સપ્ટે. 
એમએસએમઇ ક્ષેત્ર એ દેશ માટે આર્થિક વિકાસનું એન્જીન છે અને કૃષિ બાદ સૌથી વધુ રોજગારીનું સર્જન કરે છે. સરકારે સેફ ગાર્ડ ડયૂટીથી ઇન્ડસ્ટ્રીને સુરક્ષિત કરવી જોઇએ. તો સાથે નાના ઉદ્યોગોને કાચો માલ મળી રહે તે માટે આયાત ડયૂટી લગાવવી જોઇએ નહીં. લઘુ ઉદ્યોગોના હિત માટે એ-ટફ સ્કીમ તથા ક્રેડીટ લીન્કડ કેપિટલ સબસિડી સ્કીમ ફરીથી શરૂ કરવી જોઇએ. તેમજ એમએસએમઇના વિકાસ માટે બૅન્કોએ પણ રૂપિયા બે કરોડ સુધીની લોન કો-લેટરલ વગર આપવી જોઇએ તેમ ફીઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ એમએસએમઇ અને બૅન્કિગ કોન્કલેવમાં ટાંક્યું હતું. 
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, એમએસએમઇ ક્ષેત્ર છેલ્લા પાંચ વર્ષમાં વાયબ્રન્ટ સેકટર તરીકે ઉભરી રહ્યું છે. એ માત્ર રોજગારીની તકો જ નથી પૂરું પાડતું, પરંતુ ઓછા કેપિટલ ખર્ચે ઇન્ડસ્ટ્રીનો વિકાસ વધુ સાધી શકે છે. ગ્રામીણ અને પછાત વિસ્તારમાં પણ ઇન્ડસ્ટ્રી ઊભી કરવા માટે પણ એમએસએમઇ મદદરૂપ થાય છે. ભારતની જીડીપીમાં આશરે 30% જેટલો હિસ્સો એમએસએમઇ ધરાવે છે અને દેશમાં આશરે 6પ લાખથી વધુ અને ગુજરાતમાં પણ આશરે 4 લાખથી વધુ એમએસએમઇ કાર્યરત છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે એમએસએમઇ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો, વેપારીઓ તથા ઉદ્યોગ સાહસિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ એમએસએમઇ પ્રોત્સાહનો અને સબસિડી વિષે તથા વિવિધ બૅન્કો તરફથી મળતી વિશેષ લોનની માહિતી એકજ પ્લેટફોર્મ પરથી મળવી જોઇએ તેવી ઉદ્યોગ સાહસિકોની લાગણી છે. 
કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી અૉફ એમએસએમઇના આસિસ્ટન્ટ ડિરેકટર નિલેશ ત્રિવેદીએ કહ્યું હતું કે,  એક એમએસએમઇ ઉદ્યોગકાર એ ઉત્પાદન, માર્કેટીંગ, બ્રાન્ડીંગ અને ફાયનાન્શિયલ મેનેજમેન્ટ કરે છે. આથી વેપાર-ઉદ્યોગના વિકાસ હેતુ વિચારને કઇ રીતે આગળ વધારવા જોઇએ તેના માટે તેને શિક્ષણની જરૂર પડે છે.  
એમએસએમઇ ઇનોવેટીવ સ્કીમ, એમએસએમઇમાં ડિઝાઇન કમ્પોનન્ટ અને ડિઝાઇન આઇપીઆર રજિસ્ટ્રેશન વિષે માહિતી આપી ઉદ્યોગકારોને જણાવ્યું હતું કે બિઝનેસમાં પ્રોડકટના પ્રોસાસિંગ, પેકાજિંગ અને ડિસ્ટ્રીબ્યુશન માટે ટ્રેડમાર્ક લેવો જોઇએ તથા આઇપીઆર આંત્રપ્રિન્યોરશિપ પર પણ ફોકસ કરવો જોઇએ.   કેન્દ્ર સરકારના એમએસએમઇ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ-અમદાવાદના જોઇન્ટ ડાયરેકટર ઍન્ડ હેડ અૉફ અૉફિસ વિકાસ ગુપ્તા (આઇઇડીએસ)એ જણાવ્યું હતું કે, લઘુ ઉદ્યોગકારોએ પીએનઇજીપી સ્કીમ અંતર્ગત પહેલા લોન લીધી હોય અને ત્યારબાદ તેઓને ધંધાને વિસ્તારવો હોય તો એના માટે રૂપિયા એક કરોડની લોન મળી શકે છે. સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા (આત્મનિર્ભર ભારત અભિયાન) સ્કીમ અંતર્ગત ઇકવીટીના માધ્યમથી એમએસએમઇને લાભ થાય છે. રૂપે ક્રેડીટ કાર્ડના માધ્યમનો ઉપયોગ કરીને લઘુ ઉદ્યોગકારો બિઝનેસનો વિકાસ કરી શકે છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer