રાજકોટ શહેર વિકસવાની સાથે પ્રદૂષિત પણ થયું

સીઇપીઆઇ આંકમાં અનુક્રમે 22.18 અને 3.86 પૉઇન્ટનો વધારો: કેગનો રિપોર્ટ  
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 23 સપ્ટે. 
વિકાસના ફળો ચાખવાની સાથે લોકોને પ્રદૂષણના ઘૂંટડા પણ પીવા પડતા હોય છે એનો જીવંત દાખલો રાજકોટમાં બન્યો છે. રાજકોટનો માળખાકિય વિકાસ છેલ્લાં દાયકામાં આકાશને આંબી ગયો છે અને એ વિકાસ સાથે પ્રદૂષણ બોનસમાં આવ્યું છે.  
2009થી 2018 દરમિયાન કરવામાં આવેલા સર્વે દરમિયાન રાજકોટના સર્વગ્રાહી પર્યાવરણ પ્રદૂષણ સૂચકાંક (સીઇપીઆઇ)માં અનુક્રમે 22.18 અને 3.86 પોઇન્ટનો વધારો નોંધાયો છે. 2018માં રાજકોટનો કુલ સૂચક આંક 70.62 ટકા નોંધાયો હતો.  ગુજરાત સરકાર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ અંગેની કામગીરીનો ઓડિટ અહેવાલ જાહેર કરવામાં આવે છે જેમાં રાજકોટ નો સીઇપીઆઇ આંક 2009ની તુલનાએ અનુક્રમે 22.18 અને 3.86 પોઈન્ટ વધ્યો હતો. શહેરમાં હવાની સાથે અવાજનું પ્રદૂષણ પણ બેફામ વધ્યું હોવાનું કેગના તાજા અહેવાલમાં સામે આવ્યું છે.   
ગુજરાત વિધાનસભામાં આજે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરીનો ઓડિટ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં ગુજરાતના પ્રદૂષિત થયેલા વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ યાદીમાં વાપી, અંકલેશ્વર, વટવા, અમદાવાદ, ભાવનગર અને જૂનાગઢને 2010માં ગંભીર રીતે પ્રદૂષિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા હતા.  
જોકે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ચોક્કસ શરતોના કડક પાલન કારણે 2016માં ફેર આકારણી કરવામાં આવી હતી. દેશના ઔદ્યોગિક વિસ્તારોના કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 2009થી 2018 દરમિયાન કરવામાં આવેલી પર્યાવરણીય ગુણવત્તા દેખરેખના આધારે ગુજરાતના સૌથી વધુ પ્રદૂષિત દસ વિસ્તારોનો સીઇપીઆઇ જાહેર કરવામાં આવ્યો હતો. એ મુજબ રાજકોટમાં 2018માં 70.62 ટકાનો સૂચક આંક નોંધાયો હતો, જ્યારે મોરબીમાં 54.24 ટકા નોંધાયો હતો.  
જોકે, 2018માં વાપી અંકલેશ્વર, વટવા, અમદાવાદ ભાવનગર અને જૂનાગઢના સીઇપીઆઈમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે વડોદરા અને રાજકોટનો સીઈપીઆઈ અંક 2009ની તુલનાએ અનુક્રમે 22.18 અને 3.86 જેટલો વધ્યો હતો અને આ શહેરોને જે તે સમયે જોખમી પ્રદૂષિત વિસ્તારમાંથી ગંભીર રીતે પ્રદૂષિત વિસ્તાર બન્યા હોવાનું નોંધવામાં આવ્યું છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer