તેલીખોળની નિકાસમાં અૉગસ્ટમાં 71 ટકાનો ઉછાળો

નવી દિલ્હી, તા. 23 સપ્ટે.
2022-23ના એપ્રિલથી અૉગસ્ટ સુધીના પ્રથમ પાંચ મહિનામાં તેલીખોળની કુલ નિકાસમાં નોંધપાત્ર વધારો થયો હતો.
સોલવન્ટ એક્ષટ્રેક્ટર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (સી)ના આંકડા મુજબ ચાલુ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં તેલીખોળની કુલ નિકાસ 40.15 ટકા વધીને 15.31 લાખ ટન થઈ હતી જે ગત વર્ષે આ સમયગાળામાં 10.92 લાખ ટન હતી.
અૉગસ્ટ મહિનામાં તેલીખોળની નિકાસ 71.39 ટકા વધીને 2.82 લાખ ટન થઈ હતી જે ગત વર્ષના અૉગસ્ટમાં 1.64 લાખ ટન હતી.
`સી'ના કાર્યકારી નિયામક બી.વી. મહેતાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં રાયડાના ખોળની નિકાસ લગભગ બમણી થઈને 10.80 લાખ ટન થઈ હતી જે ગત વર્ષે 5.42 લાખ ટન હતી. આમ રાયડાના ખોળની નિકાસમાં વાર્ષિક ધોરણે 99.06 ટકાનો વધારો થયો હતો. રાયડાના વિક્રમ પાક અને તેના પીલાણને કારણે આ શક્ય બન્યું હતું.
ભારત દક્ષિણ કોરિયા, વિયેટનામ, થાઈલેન્ડ અને બીજા દૂર પૂર્વના દેશોને રાયડાનો ખોળ પ્રતિ ટન 295 ડૉલર (એફઓબી)ના સૌથી સ્પર્ધાત્મક ભાવે આપે છે. હાલમાં રાયડાના ખોળનો હેમ્બર્ગ (એફઓબી) ભાવ પ્રતિ ટન 355 ડૉલર ચાલે છે.
હમણાં સુધી વૈશ્વિક બજારોમાં ભારતના સોયાબીન ખોળની નિકાસ ઊંચા ભાવે થતી હતી. જોકે હવે સ્થાનિક બજારોમાં સોયાબીનના ભાવ ઘટીને પ્રતિ ક્વિન્ટલ રૂા. 5200થી 5300ના સ્તરે પહોંચ્યા છે. સોયાબીનના ખોળનો ભાવ પણ હાલમાં ઘટીને પ્રતિ ટન 560 ડૉલરના સ્તરે ચાલે છે. જે માર્ચમાં 888 ડૉલરના સૌથી ઊંચા સ્તર પર હતો. અત્યારે સોયાબીન ખોળ (એક્સ રોટરડમ)નો ભાવ પ્રતિ ટન 554 ડૉલર ચાલે છે.
સોયાબીનના સારા પાકની આશાએ સોયાબીન ખોળના વૈશ્વિક ભાવ હજી વધુ ઘટી શકે છે. અૉક્ટોબર મહિનાથી સોયાબીનનું પીલાણ ચાલુ થશે અને નવી સિઝનમાં તેની નિકાસ વધે એવી શક્યતા છે. ભારતે અૉગસ્ટ 2022માં 17,547 ટન સોયાબીન ખોળની નિકાસ કરી હતી જે અૉગસ્ટ 2021માં 10,975 ટન હતી.
દક્ષિણ કોરિયા ભારતના તેલીખોળનું મોટું આયાતકાર છે. ચાલુ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં દક્ષિણ કોરિયાએ ભારતમાંથી 4.52 લાખ ટન તેલીખોળની આયાત કરી હતી જે ગત વર્ષે આ સમયમાં 3.08 લાખ ટન હતી.
વિયેટનામે ચાલુ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં ભારતથી 2.52 લાખ ટન તેલીખોળની આયાત કરી હતી જે ગત વર્ષે 2.30 લાખ ટન હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer