ચાલુ વર્ષમાં કેન્દ્ર બજેટના લક્ષ્યાંક કરતાં વધુ મૂડીરોકાણ કરશે

નવી દિલ્હી, તા. 23 સપ્ટે.
કેન્દ્ર સરકાર આ વર્ષે અંદાજપત્રના લક્ષ્યાંક કરતાં વધુ મૂડીરોકાણ કરશે. ચાલુ વર્ષના અંદાજપત્રમાં રૂા. 7.5 લાખ કરોડના મૂડીરોકાણનો અંદાજ અપાયો છે. તેના કરતાં વાસ્તવિક રોકાણ વધુ દર રહેવાની શક્યતા છે. બજેટ ખાદ્ય રાષ્ટ્રીય આવકના 6.4 ટકા સુધી સીમિત રહે એ રીતે સરકાર તેના ખર્ચને નિયંત્રિત કરશે, તેમ છતાં લક્ષ્યાંક કરતાં સરકારનો મૂડીરોકાણનો ખર્ચ વધશે એમ એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું.
રેલવે, રોડ અને સંરક્ષણના ક્ષેત્રમાં માળખાકીય રોકાણ વધશે. હાલમાં દેશમાં ખાનગી મૂડીરોકાણ ફરીથી ઠંડું છે ત્યારે સરકારનું વલણ અગત્યનું બની રહે છે.
જૂન ત્રિમાસિકમાં કુલ સ્થાયી મૂડી સર્જન (જીએફસીએફ) વાર્ષિક ધોરણે વધીને 20.1 ટકા થયું હતું, જે ગત વર્ષે આ ત્રિમાસિકમાં 5.1 ટકા હતું. કેન્દ્ર સરકારે અંદાજપત્ર મુજબ જાહેર ક્ષેત્રમાં રોકાણ કરતા આ શક્ય બન્યું હતું.
કેન્દ્રે 2022-23માં રૂા. 7.5 લાખ કરોડના મૂડીરોકાણનો અંદાજ રાખ્યો છે જે 2021-22ના રૂા. 5.93 લાખ કરોડના વાસ્તવિક રોકાણ કરતાં 27 ટકા વધુ છે. તેમાંથી લગભગ રૂા. 1 લાખ કરોડ રાજ્ય સરકારોને મૂડી ખર્ચ માટે અને જાહેર મિલકતનું સર્જન કરવા માટે લોન તરીકે આપવામાં આવશે.
ચાલુ વર્ષના જુલાઈમાં સરકારે રૂા. 33,606 કરોડનો વર્ષાનુવર્ષ બમણો ખર્ચ કરીને મૂડીરોકાણનો વેગ જાળવી રાખ્યો હતો. ચાલુ વર્ષના એપ્રિલથી જુલાઈ સુધીના સમયમાં સરકારે 62 ટકા વધુ રૂા. 2.09 લાખ કરોડનું મૂડીરોકાણ ર્ક્યુ હતું. એપ્રિલથી જુલાઈમાં વાહનવ્યવહાર મંત્રાલયે તેના સમગ્ર વર્ષના રૂા. 1.88 લાખ કરોડના મૂડીરોકાણના લક્ષ્યાંક સામે 43 ટકા રોકાણ કર્યુ હતું. જ્યારે રેલ મંત્રાલયે તેના સંપૂર્ણ વર્ષની રૂા. 1.37 લાખ કરોડની ફાળવણી સામે આ સમયમાં તેની 42 ટકા રકમનું મૂડીરોકાણ ર્ક્યું હતું. ચાલુ વર્ષમાં સંરક્ષણ ક્ષેત્ર કુલ રૂા. 1.52 લાખ કરોડનું રોકાણ કરશે તેવો અંદાજ છે તેની સામે એપ્રિલથી જુલાઈમાં સંરક્ષણ ક્ષેત્રે તેના 26 ટકા રકમનું રોકાણ કર્યુ હતું. આ રોકાણ હજી વધશે કારણ કે તેમની મોટાભાગની ખરીદી સ્થાનિક સ્તર પર થઈ રહી છે. જૂન મહિનામાં સરકારે `બાય ઈન્ડિયન', `બાય એન્ડ મેઈક ઈન્ડિયન' અને `બાય ઈન્ડિયન આઈડીડીએમ' અંતર્ગત લશ્કરી દળોની રૂા. 76,390 કરોડની મૂડીરોકાણની અને વિકાસખર્ચની દરખાસ્તો સ્વીકારી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer