વ્યાજદર વૃદ્ધિને પગલે તેલનો આંતરપ્રવાહ ઘટાડાતરફી

ઇબ્રાહિમ પટેલ 
મુંબઈ, તા. 23 સપ્ટે. 
ફેડરલ રિઝર્વ દ્વારા 0.75 ટકાના દરવધારાને પગલે ઊર્જા બજારનો આંતર પ્રવાહ નકારાત્મક થઈ ગયો છે. ફેડે ચેતવણી આપી છે કે વર્ષના અંત સુધીમાં ફુગાવો કાબૂમાં નહિ આવે તો તે નાણાનીતિને વધુ કડક બનાવશે. આ ત્રીજી વખતના દરવધારાથી તેલની માગમાં ખાંચરો પડવાનો ભય પેદા થયો છે. યૂરોપમાં ઊર્જાની માગમાં થયેલો ઘટાડો જોતાં આર્થિક મંદીનો પ્રભાવ ઉગ્ર બનશે. શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ અને ડબલ્યુટીઆઈ નવેમ્બર વાયદો અનુક્રમે પ્રતિ બેરલ 89.30 ડોલર અને 82.85 ડોલર બોલાયા હતા. ઓપેકના સાથીદાર રશિયા સંદર્ભે આફ્રિકન ઉત્પાદકો કે ચીન જો કોઈ દિશાનિર્દેશ નહીં આપે તો બ્રેન્ટ અને ડબલ્યુટીઆઈ ક્રૂડ ઓઇલના ભાવ સતત ત્રીજા મહિને ઘટવા તરફ જઈ રહ્યા છે.  
અલબત્ત, રશિયન પ્રમુખ પુતિને આંશિક અણુયુદ્ધની ધમકી આપતાં તેલ બજારમાં પુરવઠાની ચિંતાઓ પણ વધી છે.જો સંઘર્ષ ઉગ્ર બને તો રશિયન તેલનો પુરવઠો ખંડિત થવાનાં દુષ્પરિણામો જગતે ભોગવવાનાં આવશે. પશ્ચિમના દેશો વધુ ઉગ્ર વેપાર નિયંત્રણો લાદશે તો પુતિન ઉર્જાને પણ એક શસ્ત્ર તરીકે વાપરતાં આચકાશે નહીં. આશ્ચર્યની વાત તો એ છે કે ઓપેક પ્લસ ગ્રુપે એક નિવેદનમાં કહ્યું હતું કે 2023માં ક્રૂડ તેલની માગ કોરોના મહામારી પૂર્વેની જેમ વૃધ્ધિ પામશે. દરમિયાન, ચીન તેની પેટ્રોલિયમ નિકાસ નીતિમાં ધરમૂળથી ફેરફાર કરે તેવી સંભાવના જોતાં કેટલીક રિફાઈનરીઓ ઓક્ટોબરથી વધુ ક્ષમતાએ ઉત્પાદન કરવા પ્રવૃત્ત થઈ છે, જેના થકી ક્રૂડ તેલની માગ વધી શકે છે. સિટી ગ્રુપ એનાલિસ્ટ કહે છે કે ચીન સહિત જગતભરમાં અર્થતંત્રનું ચિત્ર ધૂંધળું હોવાથી ક્રૂડ ઓઇલમાં વેચવાલીની સંભાવના જોતાં ભાવ ઘટી શકે છે. 
યુએસ પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટનો અહેવાલ કહે છે કે 16 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં અમેરિકામાં તેલના અનામત જથ્થામાં માત્ર 10.35 લાખ બેરલનો વધારો થયો હતો જે અગાઉના સપ્તાહમાં 60.35 લાખ બેરલનો હતો. એનાલીસ્ટોની ધારણા સ્ટોકમાં 23.21 લાખ બેરલની  વૃદ્ધિ થવાની હતી.   
અમેરિકાના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વના આંકડા કહે છે કે ક્રૂડતેલના સ્ટોકમાં 57.6 લાખ બેરલનો ઘટાડો થયો હતો. આનો અર્થ એ થાય કે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વમાંથી આ વર્ષે વ્યાપારી પુરવઠો મર્યાદિત જથ્થામાં જ ફાળવાશે.  
આ તરફ ડોલરનું મૂલ્ય વધી રહ્યું છે એ જોતાં અન્ય કરન્સીમાં ક્રૂડ ખરીદવું વધુ મોંઘું થઈ પડશે જે માગ અને ભાવમાં ઘટાડો નોતરશે. છ કરન્સી બાસ્કેટનો બનેલો ડોલર ઇંડેક્સ 20 વર્ષની નવી ઊંચાઈએ પહોંચી ગયો છે. વર્તમાન વર્ષમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અનાપસનાપ વધઘટ જોવા મળી છે. પરિણામે પેટ્રોલ પંપ પર ગ્રાહકોને ખૂબ ઊંચા ભાવ ચૂકવવા પડી રહ્યા છે. 
આ તરફ ભારતીય રિફાઇનરીઓએ વધુ પડતાં જહાજી નૂર ચૂકવવા પડતાં હોઇ રશિયન ઇએસપીઓ (ઈસ્ટર્ન સાઈબઇરિયા પેસિફિક ઓસન) પાસેથી આ મહિનાથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કર્યું છે. તેને બદલે હવે તેઓ આફ્રિકા અને મધ્યપૂર્વના દેશો તરફ વળ્યા છે. ઉદ્યોગનાં સૂત્રો કહે છે કે રશિયાથી થતી ક્રૂડ તેલની આયાત જૂન મહિનામાં 25 ટકા ઘટી ત્યાર પછીના બે મહિનામાં વધુ ઘટી ગઈ હતી. નૂર દરને લીધે યુએઇ જેવા દેશ કરતાં રશિયન ઓઇલ આયાત બેરલ દીઠ પાંચથી 7 ડોલર મોંઘી પડી રહ્યું છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer