વોડાફોન આઈડિયાને ફાઈવ-જી ડીલ્સને અંતિમ સ્વરૂપ આપવામાં નડી રહી છે મુશ્કેલીઓ

વિક્રેતાઓ તરફથી એડવાન્સ પેમેન્ટની માગણીને કારણે  
નવી દિલ્હી, તા. 23 સપ્ટે. 
વોડાફોન આઈડિયા (વીઆઈ) ફાઈવ-જી ઉપકરણો માટેના સોદાઓને અંતિમ સ્વરૂપ આપવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, કારણ કે વિક્રેતાઓ કંપનીને અગાઉના બાકી લેણાં પહેલા ક્લિયર કરવા માટે કહી રહ્યા છે. ફાઈવ-જી ઉપકરણોની સપ્લાય અને ટાવરના ભાડા માટેના સોદામાં પણ વિક્રેતાઓએ એડવાન્સ પેમેન્ટની માંગણી કરતાં અવરોધ સર્જાયો છે, એમ અહેવાલમાં જણાવાયું છે. 
જાણકાર સૂત્રએ કહ્યું કે, ઇક્વિપમેન્ટ વિક્રેતાઓ વોડાફોન આઈડિયાને તેમના ફોર-જી લેણાંની ચૂકવણી કરવા માટે કહી રહ્યાં છે અને ફાઈવ-જી રેડિયો પ્રાપ્તિ માટે એડવાન્સ પેમેન્ટ્સ માટે પણ કહ્યું છે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે વીઆઈએ એરિક્સનને રૂા. 1000 કરોડ, નોકિયાને રૂા. 3000 કરોડ, ઇન્ડસ ટાવર્સને રૂા. 7000 કરોડ અને અમેરિકન ટાવર કંપની (એટીસી)ને રૂા. 2000 કરોડ આપવાના બાકી છે. 
ફાઈવ-જી સર્વિસ શરૂ કરવામાં વિલંબ કંપનીને સબ્ક્રાઇબરના વધુ નુકસાન તરફ દોરી શકે છે. ભારતી એરટેલ અને રિલાયન્સ જીઓ પહેલેથી જ જાહેરાત કરી ચૂક્યા છે કે તેઓ દિવાળી પહેલા ભારતમાં ફાઈવ-જી સર્વિસ શરૂ કરશે. વીઆઈએ આવી કોઈ યોજના જાહેર કરી નથી. જૂનમાં કંપનીનું ચોખ્ખું દેવું રૂા. 1.98 લાખ કરોડથી વધુ હતું. તેમાંથી રૂા. 1.16 લાખ કરોડ સ્પેક્ટ્રમની વિલંબિત ચૂકવણી માટે બાકી છે. બૅન્કો અને ફાઈનાન્સિય ઈન્સ્ટિટ્યૂશન્સને લગભગ રૂા. 15,200 કરોડ ચૂકવવાના બાકી છે. 
અહેવાલમાં જણાવાયું છે કે વીઆઈએ રૂા. 20,000 કરોડનું ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ સોદો કરવામાં સક્ષમ નથી. તેને કારણે કંપનીની ફાઈવ-જી લોન્ચ કરવાની યોજના પણ મુલતવી રહી છે. 
એક નિષ્ણાતે કહ્યું કે વીઆઈ દ્વારા ફાઈવ-જી રજૂ કરવામાં વિલંબ થવાથી તેના ગ્રાહકોમાં ખાસ કરીને પ્રિમિયમ પોસ્ટ-પેઇડ સબ્ક્રાઇબર્સમાં વધુ ઘટાડો થવાની ધારણા છે, કારણકે તેઓ ફાઈવ-જીનો અનુભવ લેવા માટે અન્ય કંપનીઓ તરફ વળી શકે છે. વીઆઈના વપરાશકારોની સંખ્યા જુલાઈમાં 15.4 લાખ ઘટીને 25.51 કરોડની થઈ હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer