મુંબઈ પોર્ટ અૉથોરિટીએ દારૂખાનાના વેપારીઓને ફટકારેલી જંગી રકમની ડિમાન્ડ નોટિસ

આવતા સપ્તાહે વેપારીઓ માનવસાંકળ રચી વિરોધ કરશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 સપ્ટે.
મુંબઈ પોર્ટ અૉથોરિટીએ તેના હિતધારકોને ત્રણ મહિનાના નોટિસ પિરિયડ સાથે પાછલી અસરથી ડિમાન્ડ નોટિસ ફટકારી છે. આ જંગી રકમની માગણીથી ડઘાઈ ગયેલા ઈસ્ટર્ન મુંબઈ લેન્ડ યુઝર્સ એસોસિયેશને દારૂખાનામાં  તા. 22 સપ્ટેમ્બરે જાહેર મિટિંગ બોલાવી આ માગણીનો વિરોધ કર્યો હતો.
આ બેઠકમાં દારૂખાના આયર્ન સ્ટીલ ઍન્ડ ક્રેપ મર્ચન્ટસ એસોસિયેશન, બૉમ્બે આયર્ન મર્ચન્ટસ એસોસિયેશન, સ્ટીલ ચેમ્બર અૉફ ઇન્ડિયા, બૉમ્બે ચારકોલ મર્ચન્ટસ એસોસિયેશન, લકડી બંદર ટિમ્બર મર્ચન્ટસ એસોસિયેશન, એમપીએ લેન્ડ યુનિટ નં. 6, કોલાબા ટેનન્ટસ રેસિડેન્ટસ, બીપીટી ન્યૂ માર્કેટ એસોસિયેશન, સાસૂન ડોક સી ફૂડ સપ્લાયર એસોસિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમીટના ચૅરમૅન મોહન ગુરનાની અને એડવોકેટ પ્રેરક ચૌધરી આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રાજીવ ખંડેલવાડે સભ્યોની એકતા દર્શાવવા આવતા સપ્તાહે કર્નાક બંદરથી બેલાર્ડ પીઅર સુધી માનવસાંકળ રચવાની હાકલ કરી છે. આ સામે કાનૂની લડતને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવા બધા સભ્યોને નાણાકીય હિસ્સો આપવાનો અનુરોધ કરાયો હતો.
પ્રેરક ચૌધરીએ જણાવ્યું હતું કે ડિમાન્ડ નોટિસથી સીધી કે આડકતરી રીતે 10 લાખ લોકોને વિપરીત અસર થશે. અત્યારે સરકાર કશું સાંભળતી નહીં હોવાથી આપણે કાનૂની લડત અને સામાજિક આંદોલનનો આશરો લેવો પડશે. મોહન ગુરનાનીએ આ મુદ્દાનું સમર્થન કર્યું હતું. એસઓઆરની દરખાસ્ત 2012માં તૈયાર કરાઈ હતી, ત્યારે ભાડું ચો. મીટરદીઠ રૂા. 100થી વધારી રૂા. 5000 અને રૂા. 10,000 કરી દેવામાં આવ્યું હતું. પબ્લિક પ્રિમાઈસીસ (ઈવીકશન અૉફ અનઅૉથોરાઈઝડ ઓક્યુપન્ટસ) એકટ 1971નો દુરુપયોગ કરાઈ રહ્યો હોવાનું વેપારી સંગઠનોનું માનવું છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer