સંતોષજનક વરસાદથી પશુખાણના ભાવ ટકેલા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 સપ્ટે.
સમગ્ર દેશમાંથી ચોમાસું લગભગ વિદાય લઇ ચૂક્યું છે. આ વર્ષે ચોમાસું ખેડૂતો માટે આનંદદાયક રહ્યું. સારા વરસાદથી પાકપાણી સારા ઉતરવાના સંજોગો સજાર્યા છે. 
પાકને તૈયાર થવા માટે તડકાની જરૂર હોય છે એવો ભાદરવાનો તડકો પડયો છે. હવે જો કમોસમી વરસાદ ન થાય તો દરેક પાકની ગુણવત્તા સારી આવવાની શક્યતા છે.
સારા વરસાદથી ઘાસચારો પણ સારો થયો છે. જેથી પશુઆહારની દરેક વસ્તુઓના ભાવ વધતાં અટક્યા છે. વલસાડ જિલ્લામાં લીલા ઘાસના ભાવ કિલોના રૂા. ત્રણ-ચાર આસપાસ થયા છે.
કપાસખોળમાં સારા વરસાદને કારણે સારો પાક આવવાની સંભાવના છે. ખેડૂતો તથા મિલરો પાસે રહેલ જૂના કપાસિયાનો સ્ટોક બજારમાં ઠલવાઈ રહ્યો છે. જેથી કપાસખોળની બજાર ટકી રહી છે. આગામી પંદરેક દિવસમાં નવા કપાસિયાની આવકો બજારમાં આવવાની શરૂ થશે. નવરાત્રિથી બધી ઓઈલ મિલો પૂરજોશમાં કાર્યરત થઈ જશે. એ સમયે કપાસિયા ખોળના ભાવમાં ક્વિન્ટલે રૂા. 300થી 400નું ગાબડું પડવાની શક્યતા રહેલી છે. હાલમાં ડુપ્લીકેટ કપાસિયા ખોળના ક્વિન્ટલ દીઠ ચાલુ ક્વોલિટીના ભાવ રૂા. 1800-2000, મીડિયમ કપાસખોળના રૂા. 2500-3000 અને સારા કપાસિયા ખોળના રૂા. 3600-4000 જેવાં રહ્યા છે.
સારો વરસાદ અને ઓછી ઘરાકીને લીધે તુવેરચૂનીના ભાવ ટકેલા રહ્યા છે. હાલમાં લાલ તુવેરચૂનીના ભાવ ક્વિન્ટલે રૂા. 1800-2000, ગજજર તુવેરચૂનીના રૂા. 2200-2300 અને સફેદ તુવેરચૂનીના ભાવ રૂા. 2400-2600 છે. હાલમાં ખપપૂરતી ઘરાકી અને પર્યાપ્ત સ્ટોક હોવાથી ભાવ વધારાની શક્યતા જણાતી નથી.
સરકારે ઘઉં તથા આટા-મેંદાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાથી ઘઉંની બજાર ઘટી છે. તેની અસર ઘઉં ભૂસાના ભાવ પર થઈ છે. ઘઉં ભૂસાના ભાવની તેજી અટકી છે. લીલો ઘાસચારો પૂરતા પ્રમાણમાં અને ઓછા ભાવે મળતો હોવાથી પણ ઘઉં ભૂસાના ભાવ વધતા અટક્યા છે. હાલમાં ઘઉં ભૂસાના ક્વિન્ટલ દીઠ ભાવ રૂા. 1800-1950 જેવા છે.
આખર સિઝનને લીધે મકાઈનો માલ બજારમાં ઓછો આવતો હોવાથી તેમ જ આંતરરાષ્ટ્રીય બજારમાં મકાઈના ઊંચા ભાવથી પશુઆહારની મકાઈના ભાવ સુધર્યા છે. તેના ભાવ ક્વિન્ટલ દીઠ. રૂા. 2700-2800 અને મકાઈ ચુનીના ભાવ રૂા. 2800-2900 જેવા રહ્યા છે. થોડા દિવસમાં મકાઈની નવી આવકો શરૂ થશે. જેથી મકાઈના ભાવમાં તેજીની શક્યતા દેખાતી નથી.
અડદચૂની, સીંગખોળ, કોપરાખોળ, ગુવારચૂની, જુવારચૂની, ચણાચૂની વગેરે પશુઆહારમાં ખપપૂરતી ઘરાકી રહી છે. તેથી બજાર ભાવમાં ખાસ વધઘટ નથી, એમ વલસાડના ખોળના વેપારી દિનેશભાઈ ભાનુશાળીનું કહેવું છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer