ફિનટેકે ગ્રાહકો માટે ચક્રવ્યૂહ ન રચવો જોઈએ : માધબી પુરી બુચ

સેબી એસબા જેવી સુવિધાની યોજના ઘડી રહ્યું છે
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 23 સપ્ટે. 
સિક્યોરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ અૉફ ઈન્ડિયા (સેબી) ગ્રાહકો માટે એક્ઝિટ અવરોધો ઊભી કરતી ફિનટેક કંપનીઓની તરફેણમાં નથી, એમ સેબીના ચૅરપર્સન માધબી પુરી બુચે તાજેતરમાં જણાવ્યું હતું. તેને `અભિમન્યુ કોમ્પ્લેક્સ' તરીકે ઓળખાવતા બુચે કહ્યું કે, જો કોઈ પણ બિઝનેસ મોડલ એવી ધારણા પર આધારિત હોય કે એકવાર ગ્રાહક આવે અને કંપનીઓ સૂચવે કે તેમના માટે તેમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી તો તે અમને નહીં ગમે. જો તમારું બિઝનેસ મોડલ ગ્રાહકને તેમાંથી બહાર નીકળવા માટે અવરોધો સર્જવાના આધારે ઉપર હશે તો તેની તરફેણ નિયમનકાર નહીં કરે. આ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત છે જેને આપણે અનુસરીએ છીએ. અમે માનીએ છીએ કે જેમાં ગ્રાહકને પ્રવેશવામાં સરળતા હોય તેમાંથી તેને બહાર નીકળવાનો અધિકાર પણ છે.  
તાજેતરમાં યોજાયેલા ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે નિયમનકાર સેકન્ડરી માર્કેટ માટે એસબાની તર્જ પર એક સુવિધા બનાવવાની યોજના ઘડી રહ્યું છે, જે માળખાકીય ગૂંચ ઘટાડવા માટે પ્રારંભિક પબ્લિક અૉફારિંગ (આઈપીઓ) માટે બનાવવામાં આવેલા માળખા જેવું જ હશે. હાલમાં, આઈપીઓમાંના રોકાણકારો એસબા અથવા બ્લોક કરેલી રકમની સુવિધા દ્વારા સમર્થિત એપ્લિકેશનનો ઉપયોગ કરે છે, જેમાં કંપની દ્વારા શૅરની યોગ્ય ફાળવણી પછી જ રોકાણકારના બૅન્ક ખાતામાંથી નાણાં ડેબિટ થાય છે. આ પદ્ધતિ સેકન્ડરી માર્કેટ માટે પણ લાવવાની યોજના છે.  
તેમણે કહ્યું કે, જો વ્યક્તિ શૅર ખરીદે છે અને તેણે પતાવટ કરવાની છે, તો પૈસા તેના ખાતામાંથી બહાર ન જવા જોઈએ. તેને ટી+1 સાથે પતાવટ કરવાની જરૂર છે, જેના પગલે પૈસા યોગ્ય રીતે લેવાશે. તેથી, માળખાકીય ગૂંચને ઘટાડવાનો પ્રયાસ છે, તેથી જો બિઝનેસ મોડલ એકાગ્રતાના જોખમો વધારશે છે અને માળખાકીય ગૂંચવણ સર્જાશે તો સેબી, વહેલા કે પછી, આવા વ્યવસાયને દૂર કરવા તરફ ધ્યાન આપશે. 
પારદર્શિતાના પાસા પર ભાર મૂકતા, બુચે કહ્યું કે વ્યવસાયોએ જરૂરી ડિસક્લોઝર કરવાની અત્યંત આવશ્યકતા છે. પ્રશ્ન રોકાણકાર માટે જાણકાર નિર્ણય લેવાનો છે. તેની પાસે પૂરતી માહિતી હોવી જોઈએ. માહિતી વિના, તેઓ યોગ્ય નિર્ણય લેવા અસમર્થ છે તેથી પારદર્શિતાનો મુદ્દો મુખ્ય છે. સેબી કોઈ પણ બાબતની તરફેણમાં કે વિરુદ્ધમાં નથી. જોકે, ડિસ્ક્લોઝરની બાબતમાં પારદર્શિતા હોવી જોઈએ અને રોકાણકારોને ગેરમાર્ગે નહીં દોરવા જોઈએ.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer