ડૉલરની તેજીને લીધે સોના-ચાંદી પટકાયાં

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ,તા.23 સપ્ટે. 
ફેડના વ્યાજદર વધારા પછી બોન્ડ યીલ્ડમાં તેજી અને ડોલરના મૂલ્યમાં આવેલા ઉછાળાને કારણે સોનાનો ભાવ ઉપલી સપાટીએથી તૂટી પડ્યો હતો. ગઇકાલે 1678 ડોલર સુધી વધેલું સોનું આ લખાય છે ત્યારે 1655 ડોલર સુધી નીચે આવી ગયું હતું. ચાંદીનો ભાવ 19.19 ડોલરના મથાળે હતો.  
ડોલર ગઇકાલે ગબડ્યો હતો પણ શુક્રવારે ફરીથી તેજી આવતાં સોનાનો ભાવ ટકી શક્યો ન હતો એમ વિશ્લેષકોએ કહ્યું હતું. તેમના મતે સોનામાં ટૂંકા ગાળા માટે પડકારજનક સ્થિતિ રહેશે. ખાસ કરીને ડોલર અને બોન્ડ યીલ્ડ સોનાને વધવા દેશે નહીં. જોકે મોટો કડાકો વ્યાજદર પછી પણ સર્જાયો નથી એની પાછળ ભૂરાજકીય કારણો અને ફુગાવા સામે હેજરૂપે થઇ રહેલી ખરીદી મહત્વના બની રહ્યા છે. ફેડ જે ગતિએ વ્યાજદરમાં વધારો કરી રહી છે એ જોતાં અમેરિકાના અર્થતંત્રમાં મંદી આવશે તેવો ભય લાગી રહ્યો છે એટલે સોનામાં હેજરૂપી ખરીદી વધતી જાય છે. 
ડોલર ઇન્ડેક્સ શુક્રવારે બે દાયકાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. એ કારણે સોનામાં ફંડોની વેચવાલી દેખાતી હતી. અમેરિકાના 10 વર્ષના બોન્ડના યીલ્ડ 11 મહિનાની ટોચની સપાટીએ પહોંચ્યાં હતાં. ફેડરલ રિઝર્વ પછી બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા પણ વ્યાજના દરમાં વધારો કરવામાં આવ્યો છે. બધા જ દેશોની મધ્યસ્થ બૅન્કો ફુગાવા સામે લડવા માટે વ્યાજદરનો વધારો કરી રહી છે એટલે હાલ પૂરતું સોનાના ભાવ પર દબાણ રહેશે. જોકે જે તે દેશોની કરન્સી ડોલર સામે નબળી પડી રહી છે પરિણામે સોનું મોંઘું દેખાય છે. ડોલર ટર્મમાં જ સોનું માત્ર સસ્તું છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પાર્શિયલ મોબિલાઇઝેશનની જાહેરાત કરી છે એ કારણે પણ સોનામાં થોડો રસ વધ્યો છે. છતાં સોનું આવનારા દિવસોમાં ધીરે ધીરે 1620 અને 1600 ડોલર સુધી પહોંચવાની શક્યતા વધારે છે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂા.370 ઘટી જતાં રૂા. 51,280 અને મુંબઇમાં રૂા. 462 ઘટીને રૂા. 49,432 હતો. ચાંદી રાજકોટમાં એક કિલોએ રૂા. 500ના ઘટાડામાં રૂા.57,000 તથા મુંબઇમાં રૂા. 1243 ગબડીને રૂા. 56,100 રહી હતી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer