મલેશિયન પામતેલ વર્ષાન્ત સુધીમાં ઘટીને 2500 રિંગીટ થશે : મિસ્ત્રી

મલેશિયન પામતેલ વર્ષાન્ત સુધીમાં ઘટીને 2500 રિંગીટ થશે : મિસ્ત્રી
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા.23 સપ્ટે. 
મલેશિયામાં પામતેલનો ડિસેમ્બર મહિનાનો કોન્ટ્રાક્ટ 93 રિંગીટના ઘટાડામાં 3733ના સ્તરે બંધ થયો હતો. વાયદામાં ગઇકાલે પણ નરમાઇ હતી. બીજી તરફ આગરા ખાતે યોજાયેલી ગ્લોબ ઓઇલ કોન્ફરન્સમાં અગ્રણી વિશ્લેષક દોરાબ મિસ્ત્રીએ એવી આગાહી કરી હતી કે ડિસેમ્બરના અંત સુધીમાં મલેશિયામાં પામતેલનો ભાવ 2500 રિંગીટ સુધી નીચે જતો રહેશે. વધતું ઉત્પાદન, માગમાં ઘટાડો અને મોટા દેશોમાં મંદીની શક્યતાને લીધે આ આગાહી કરવામાં આવી છે. તેમના મતે સપ્ટેમ્બરના અંત સુધીમાં જ 3000 રિંગીટનો ભાવ જોવા મળી શકે છે. એ પછી સતત ઘટાડો ચાલુ રહેશે. માર્ચ મહિનામાં ચાલુ વર્ષે 7000 રિંગીટનો ઉચ્ચતમ ભાવ થયો હતો પણ અત્યારે બજારમાં એકધારી મંદી છે. રશિયા અને યુક્રેનના યુધ્ધની અસર પામતેલ પર અંશભાર પણ રહી નથી. 
મંદી આગાહી પછી લોકલમાં પણ ભાવ હજુ તૂટે એમ છે. જોકે કંડલા બંદરે શુક્રવારે પામતેલ હાજર રૂા. 915-918માં મળતું હતું. જ્યારે સોયાતેલનો ભાવ રૂા. 1130-1135 હતો. બન્ને તેલોના ભાવ મક્કમ હતા. 
મગફળીની આવકો સૌરાષ્ટ્રમાં વધીને 60 હજાર ગૂણીનો આંકડો પાર કરી જતાં સીંગતેલના ભાવ પર દબાણ આવ્યું હતું. ગઇકાલની તુલનાએ લૂઝનો ભાવ રૂા. 25 ઘટી જતા રૂા. 1625 હતો. એમાં આશરે બેથી ત્રણ ટેન્કરનાં કામકાજ થયાં હતાં. ધોરાજી-ઉપલેટા લાઇનમાં તેલિયાનો ભાવ રૂા.2502-2503 હતો. સીંગખોળનો ભાવ રૂા.28,500-29,000 હતો. 
સૌરાષ્ટ્રની બજારમાં કપાસિયા વોશનો ભાવ રૂા. 1250-1255ની સપાટીએ મક્કમ હતો. વોશમાં 20થી 25 ટેન્કરના કામકાજ થયાં હતાં. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer