નવરાત્રિમાં ઓક્સીડાઈઝ્ડ અને ઇમિટેશન ઘરેણાંની માગ વધી

નવરાત્રિમાં ઓક્સીડાઈઝ્ડ અને ઇમિટેશન ઘરેણાંની માગ વધી
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ,તા.23 સપ્ટે. 
નવરાત્રિના ગરબા દરમિયાન જો સારો ડ્રેસ પહેર્યો હોય તો એના શણગારમાં વધારો કરવા માટે ઝવેરાતની પણ ખૂબ આવશ્યકતા રહે છે. એ માટે ઇમિટેશન અને ઓક્સીડાઇઝનાં ઘરેણાની માગ એ કારણે વધવા લાગી છે. ખાસ કરીને ઓક્સીડાઈઝ જ્વેલરીનું માર્કેટ ખુલ્યું છે અને અમદાવાદથી કરોડોની સ્પેશિયલ જ્વેલરી ગામેગામથી ખરીદાય છે.  
જો કે, આવી ઓક્સીડાઇઝ્ડ જ્વેલરી આખા વર્ષ દરમિયાન ઉપલબ્ધ હોય છે.  નવરાત્રિ સિવાય લગ્ન અને કોઈપણ ફેમિલી ફંક્શનમાં આ પ્રકારની જ્વેલરી ખૂબ પહેરવામાં આવે છે. પરંતુ નવરાત્રિમાં હવે ડિસ્કો દાંડિયાનો ક્રેઝ છે એટલે વધારાની માગ આવી છે.   આ વર્ષે જયપુરી હેવી બ્લેક ફિનાશિંગ, મહારુ કલેક્શન, જર્મન સિલ્વર એરિંગ્સ, ઓક્સીડાઈઝ સિલ્વર, મોતી વર્ક જ્વેલરી ચાલી રહી છે. 
ઓક્સીડાઇઝ જ્વેલરીના ભાવની વાત કરીએ તો હેવી નેકલેસ સેટ રૂા.500 થી રૂા.7000 અને રનીંગ જ્વેલરી રૂા.50 થી રૂા.500માં ઉપલબ્ધ છે.  ઇવેન્ટ આયોજકો જથ્થાબંધ આભૂષણો ખરીદે છે અને નવરાત્રિમાં તેમના જૂથને આ જ્વેલરી આપીને ગરબાને વધુ સુંદર બનાવે છે' તેમ શાલિભદ્ર જ્વેલરીના માલિક હિત દોશીએ જણાવ્યું હતું.  
નેકલેસ, બ્રેસલેટ, કમર પર બાંધેલી, કાનની બુટ્ટી વગેરે ઘરેણાં ભલે મોટા લાગે પણ નાના બજેટમાં દરેક ગરબા ખેલૈયા તેને ખરીદી શકે છે. ત્રણ વર્ષના ગાળા બાદ ગરબા થઈ રહ્યા છે ત્યારે ડ્રેસની સાથે જ્વેલરીની માગ પણ જોરમાં છે. રાજકોટના ઇમિટેશનમાં પણ નવરાત્રિના સસ્તા ઝવેરાતની માગ વધી છે.   અમદાવાદ ઉપરાંત મહારાષ્ટ્રમાં જ્વેલરીનું મોટું કામ છે, અને હવે લોકો સાચા ઘરેણાં કરતા લગ્ન પ્રસંગમાં ઓક્સીડાઇસ ઘરેણાં પહેરે છે, લૂક પણ સારો આપે છે કોઇ મોટું જોખમ પણ નથી અને ઓછા ખર્ચે સારા ઘરેણાની કિંમત અને સ્ટાઇલ પણ મળે છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer