કોરોનાકાળમાં ગુજરાતની એનબીએફસી દ્વારા સૌથી વધુ ધિરાણ

કોરોનાકાળમાં ગુજરાતની એનબીએફસી દ્વારા સૌથી વધુ ધિરાણ
એનબીએફસી બૅન્કોની પ્રતિસ્પર્ધી નહીં, પરંતુ બૅન્કોની વિસ્તરિત ચૅનલ છે 
પરાશર દવે   
અમદાવાદ, તા. 23 સપ્ટે.
ગુજરાતમાં હાલમાં દેશભરની એનબીએફસીની પ્રત્યક્ષ અથવા તો પોતાની શાખાઓ થકી પણ હાજરી ધરાવે છે. ઉપરાંત અનેક કંપનીઓ ગુજરાતની પણ છે. તેનું કારણ એ છે કે ગુજરાતમાં હાલમાં વૃદ્ધિની ઘણી સંભાવનાઓ છે. એમએસએમઇ ફંડીગ, રિટેલ, કોમર્શિયલ વ્હિકલ્સ, એમએફઆઇમાં એનબીએફસીની હાજરી છે. ગુજરાત દેશમાં ટોચનું રાજ્ય બની ચૂક્યું છે તેથી કોઇપણ એનબીએફસી પોતાની શાખા અહીં ખોલવા માટે તત્પર છે. તેના કારણે જ એનબીએફસી ક્ષેત્ર દ્વારા ગુજરાતમાં કોરોના કાળ એટલે કે વર્ષ 2019-20 અને 2020-21માં અનુક્રમે 73988 કરોડનું અને રૂ. 83214 કરોડનું ધિરાણ કરવામાં આવ્યુ હતું. જ્યારે જૂન 2022 સુધીમાં રૂ. 7584 કરોડની ઉઘરાણી બાકી છે.  
આ બાબતે માહિતી આપતા ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલ (એફઆઇડીસી) અને માસ ફાઇનાન્સિયલના સીએમડી કમલેશ ગાંધીએ જણાવ્યું હતુ કે હવે વૃદ્ધિ અને તકોની દ્રષ્ટિએ તમામ કોવિડ પૂર્વેના સ્તરે પાછી આવી ગઇ છે. જો અર્થતંત્રમાં 7થથી 8 ટકાના દરે વૃદ્ધિ ટકાવી રાખવી હોય તો નાણાંકીય સેવાઓમાં 20થથી 25 ટકાની વૃદ્ધિ થવી જોઇએ. ચાહે ઉત્પાદન કે ટ્રાડિંગ ગમે તે હોય વૃદ્ધિ કરવા માટે પૈસા પૂર્વશરત છે. આમ વૃદ્ધિને ફરી પાછી પાટે ચડાવવા માટે એનબીએફસીની સારી ભૂમિકા રહી છે.  
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે ગુજરાત એક પ્રોમીસીંગ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. 2022-22માં ત્રીજા ક્વાર્ટર સુધીમાં રૂા. 70036 કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી. જે વાર્ષિક સ્તરે 12.22 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ગુજરાતમાં હાલમાં 72 એમએફઆઇ કામ કરે છે. ગુજરાતમાં જે રીતે મોટા મોટા ઉદ્યોગો આવી રહ્યા છે તેની સાથે આનુષંગિક ઉદ્યોગો વિકસશે તેમાં પણ એનબીએફસીનો મુખ્ય ભાગ રહેશે. એનબીએફસીની ધિરાણ પ્રક્રિયા સમજાવતા તેમણે કહ્યું હતું કે અમે પ્રાથમિક તબક્કામાં ધિરાણ એટલે કે રોકડ પ્રવાહ આધારિત કરતા હોઇએ છીએ. ઉપરાંત અમારામાં અને બૅન્કમાં ફરક એ છે કે બૅન્કો કોલેટરલ (જામીનગીરી) આધારિત ધિરાણ કરે છે, જેમાં ઘર, અૉફિસ કે અન્ય મિલ્કતનો સમાવેશ થાય છે. પરંતુ અમે જે તે સાહસના રોકડ પ્રવાહ જેમ કે નફો કેવો રહેશે તેની પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. ઉપરાંત તેમાં ડેમોગ્રાફિક, એન્ટરપ્રિન્યોર આકારણી, ક્લસ્ટર એપ્રોચ અલબત્ત ક્યા ક્ષેત્રે ક્યા પ્રદેશમાં કામ કરે છે તે બધુ જ જોઇને અમે ધિરાણ કરીએ છીએ. અમે કાયમ કોલેટરલનો આગ્રહ રાખતા નથી. તે ઉદ્યોગ સાહસિકો માટે સારું પાસુ છે. એક તબક્કે પહોંચી ગયા પછી બધા જ તેની પાછળ પડે છે. કેમનો ટ્રેક રેકોર્ડ, રાટિંગ સારું થઇ જાય છે. આમ ઉદ્યોગ સાહસિકની વૃદ્ધિ યાત્રામાં એનબીએફસીની ભૂમિકા અગત્યની છે. અર્થાત કહીએ તો જ્યારે ખરેખર નાણાંની જરૂર હોય ત્યારે અમે નાણાં પૂરાં પાડીએ છીએ.  
તેમણે કહ્યું કે અમે બૅન્કોના પ્રતિસ્પર્ધી નથી, પરંતુ અમે બૅન્કોની વિસ્તરિત ચેનલ છીએ. તેની સમજણ સરકારને આવી ગઇ હોવાથી કો-લેન્ડિગ મોડેલ અસ્તિત્વમાં આવ્યુ છે. જેમાં બૅન્કો અને એનબીએફસી નાણાં રોકે છે. જેમાં નાણાં આપવાની ભૂમિકા બૅન્કોની રહે છે બાકીની તમામ જવાબદારીઓ એનબીએફસીની રહે છે જેમાં સેવા આપે છે, એકત્રીકરણ કરે છે. એમએસએમઇના દેશભરના ધિરાણમાં એનબીએફસીનો 15 ટકા હિસ્સો છે. 
એનબીએફસી સામેના પડકારો બાબતે તેમણે જણાવ્યું હતું કે એનબીએફસી માટે સમર્પિત પુન:ધિરાણ સંસ્થા નહીં હોવાના કારણ બૅન્કો પર વધુ પડતું નિર્ભર રહેવું પડે છે. વધુમાં અનૌપચારીક વર્ગને ધિરાણ રતી વખતે મિલ્કતની ગુણવત્તા ખાસ જોવી પડે છે. કરની દ્રષ્ટિએ બૅન્કો જેટલી સત્તા આપવી જોઇએ કેમને બેડ ડેટની જોગવાઇને ખર્ચ તરીકે લઇ શકાતી નથી. ઉપરાંત એનબીએફસી પાસેથી ધિરાણ લેતા કરજદારોને થોડું વળતર આપવું જોઇએ. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer