ગુજરાતમાં રૂનો પાક એક કરોડ ગાંસડી સુધી પહોંચવાનો અંદાજ

ગુજરાતમાં રૂનો પાક એક કરોડ ગાંસડી સુધી પહોંચવાનો અંદાજ
વરસાદથી પાકને ફાયદો: રવિવારની જિનિંગ ઍસોસિએશનની બેઠક પૂર્વે અંદાજો વહેતા થયા 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 23 સપ્ટે. 
સૌરાષ્ટ્ર જિનર્સ એસોસીએશનની વાર્ષિક સભા લાંબા અરસા પછી 25 સપ્ટેમ્બરે રવિવારે અમરેલી તાલુકાના ચલાલામાં યોજાવાની છે. એ પૂર્વે પાકના ઉત્પાદન અને નિકાસના અંદાજો અંગે ચર્ચા થવા લાગી છે. ગુજરાતમાં રૂનું ઉત્પાદન 95થી 100 લાખ ગાંસડી સુધી જશે તેવી ધારણા બંધાઈ રહી છે, તેમ અગ્રણીઓએ કહ્યું હતું.  ગુજરાતમાં રૂનું ઉત્પાદન ગયા વર્ષમાં 75 લાખ ગાંસડી કરતા ય ઓછું હતું. તેની સામે હવે નવો અંદાજ 1 કરોડ ગાંસડી સુધીનો આવવા માંડ્યો છે. ગયા સપ્તાહ સુધી વરસાદ પડ્યો હોવાથી કપાસના ફાલને અનેકગણો ફાયદો મળ્યો હોવાનું જિનરોએ જણાવ્યું હતું. હવે વરસાદ ન પડે તો ઉત્પાદન ધારણા પ્રમાણે જ થવાનું છે. 
ગુજરાત-સૌરાષ્ટ્રમાં આશરે 600 જેટલી જિનિંગ મિલો છે. જિનિંગ મિલો અત્યારે બંધ છે, એમાંથી અત્યારે ડઝનેક મિલ ચાલુ થઈ છે, બાકીની પણ નવરાત્રિ અને દશેરાના ગાળામાં ધમધમતી થઇ જશે. નવરાત્રિ અને દશેરાની આસપાસ વાતાવરણ સારું રહેશે તો 75થી 100 મિલમાં ગાંસડી બંધાવાનું શરૂ કરી દેવામાં આવશે.  
દાયકા પૂર્વે 1200 જેટલી જિનિંગ મિલો ગુજરાતમાં હતી પણ ઘણી બધી મિલો બૅન્ક લોનમાં એનપીએ થઇ ચૂકી છે એટલે સંખ્યા અત્યારે અર્ધી જ દેખાય છે.  કપાસની આવક સૌરાષ્ટ્રમાં હવે 50 હજાર મણ થવામાં છે. નવા કપાસમાં હવા ઝાઝી આવે છે એટલે જિનમાં ચાલતા નથી. ભાવ રૂા. 1500-1900 પ્રતિ મણ ચાલે છે, પરંતુ સૂકો કપાસ આવશે એટલે મિલોને ઘટ નહીં પડે અને વળતર પણ સારું મળશે. અત્યારે મણે રૂા. 200 આસપાસની ખોટ જાય છે તે અટકશે.    જોકે, જિનરોએ કહ્યું હતું કે કપાસના સારા માલનો ભાવ મણે રૂા. 1600-1700ની આસપાસ સહેલાઇથી પહોંચી જાય એવી પૂરતી સંભાવના છે.  ગાંસડીનો ભાવ ખાંડીએ રૂા. 75,000 થયો છે તે રૂા. 65,000 સુધી પહોંચી જાય તેમ છે.  
ચાલુ વર્ષે નિકાસ બજારમાં પણ ભારતને ફાયદો મળે તેમ છે, કારણ કે પાડોશી દેશ પાકિસ્તાનમાં પાકને પૂરને લીધે ખાસ્સું નુક્સાન થયું છે. પાકિસ્તાન અને ભારતની સરકાર કપાસના વેપાર માટે રાજી થાય તો જિનિંગ, યાર્ન ઉદ્યોગ અને ખેડૂતો બધાને ફાયદો મળે તેમ છે. નવી સિઝનમાં 50-55 લાખ ગાંસડી સુધી નિકાસ થાય એવી શક્યતા ઉદ્યોગને દેખાવા માંડી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer