કેજી બેસિન બ્લૉકમાં રૂા.500 કરોડના નુકસાન બદલ જીએસપીસીની ઝાટકણી

કેજી બેસિન બ્લૉકમાં રૂા.500 કરોડના નુકસાન બદલ જીએસપીસીની ઝાટકણી
સાહસે `જવાબદારીપૂર્વક' કામ કર્યું હોત તો નુકસાન ટાળી શકાયું હોત 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 23 સપ્ટે. : ક્રિષ્ના ગોદાવરી (કેજી) બેસિન બ્લોકમાં ડ્રાલિંગના કામમાં લગભગ રૂા. 500 કરોડના નુકસાનને લઈને ગુજરાત વિધાનસભાની જાહેર સાહસ સમિતિએ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)ની ઝાટકણી કાઢી છે. તદુપરાંત, વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કરાયેલી કંપનીની લેખિત અને મૌખિક રજૂઆતોમાં પણ વિરોધાભાસ હતો. આ સમિતિમાં શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ બંનેના 14 ધારાસભ્યોનો સમાવેશ થાય છે, તેમણે જણાવ્યું હતું કે જો રાજ્ય સરકાર-નિયંત્રિત સાહસે `જવાબદારીપૂર્વક' કામ કર્યુ હોત તો નુકસાન ટાળી શકાયું હોત. 
રાજ્ય સરકારના નેજા હેઠળના જાહેર ક્ષેત્રના સાહસો (પીએસયુ) પર દેખરેખ રાખતી પેનલે તાજેતરના ચોમાસુ સત્રમાં ગૃહમાં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે તે જીએસપીસીના `બેજવાબદાર અભિગમ' ને પ્રતાબિંબિત કરે છે. આ પેનલ પીએસયુ પર કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા કરવામાં આવેલાં અવલોકનોની ચકાસણી કરે છે અને રાજ્ય સરકારને ભલામણો કરે છે. 2017માં વિધાનસભામાં રજૂ કરાયેલા કૅગના ઓડિટ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું કે ઓફશોર ગેસ એક્સ્પ્લોરેશન કૂવામાં ડ્રાલિંગ કરવામાં આવેલી `ઓપરેશનલ ભૂલ'ના કારણે જીએસપીસીને રૂા. 500 કરોડનો ખર્ચ થયો હતો.કેગે કેજી બેસિન (કૃષ્ણા ગોદાવરી બેસિન) માં કેજી-21 નામના એક કૂવામાં ઋજઙઈ દ્વારા કરવામાં આવેલ ખામીયુક્ત ડ્રાલિંગ કાર્યનો ઉલ્લેખ કરી રહ્યો હતો. વધુમાં કેગે નોંધ્યું હતું કે આ કૂવો ટેમ્પલેટની બહાર ડ્રિલ કરવામાં આવ્યો હોવાથી તે બન્યું હતું જેની જાણ કંપનીને મોડેથી થઇ હતી. કેગના અહેવાલ મુજબ, કંપનીએ KG-21 ઓફશોર કૂવામાં ઓફશોર ડ્રાલિંગ કામ માટે રૂા. 478.98 કરોડનો ખર્ચ કર્યો હતો.જીએસપીસીએ ખામીયુક્ત કામને કારણે એડજસ્ટમેન્ટ કરવા માટે વધારાના રૂા. 34.37 કરોડનો ખર્ચ કરવો પડ્યો હતો. 
વિધાનસભા સમિતિને સુપરત કરેલા તેના લેખિત જવાબમાં, કંપનીએ કહ્યું હતું કે આ કૂવામાંથી ગેસનું વ્યાવસાયિક ઉત્પાદન શક્ય નથી. જોકે, કંપનીના અધિકારીઓએ સમિતિને મૌખિક રીતે જણાવ્યું હતું કે જીએસપીસીને તેમાં ગેસ મળ્યો હોવાથી ડ્રાલિંગ સફળ રહ્યું પ્રતિભાવોમાં પણ આ વિરોધાભાસ સમિતિ સમક્ષ તથ્યો રજૂ કરવામાં કંપનીની અપ્રમાણિકતા દર્શાવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડાઇવર (જેઓ ફાટિંગ ટેમ્પલેટ સંબંધિત તકનિકી કાર્ય માટે પાણીમાં ગયા હતા) દ્વારા નિર્ણયની ભૂલને કારણે કૂવો ટેમ્પ્લેટની બહાર ડ્રિલ કરવામાં આવ્યો હતો, જેના કારણે કંપનીને રૂા. 500 કરોડનો ખર્ચ થયો હતો, એમ અહેવાલમાં જણાવાયું હતું. 
સમિતિના સભ્યો સાથેની ઓગસ્ટ 2021માં યોજાયેલી બેઠકમાં, કંપનીના વરિષ્ઠ અધિકારીઓએ માહિતી આપી હતી કે કૂવાનો વધુ વિકાસ ઓએનજીસી દ્વારા કરવામાં આવશે કારણ કે જીએસપીસી એ કેજી-21 અને ડીડીડબ્લ્યુ (દીન દયાલ પશ્ચિમ) પ્રદેશના અન્ય પાંચ કૂવાઓને ઓપરેટ કરવાનું કાર્ય એપ્રિલ 2017માં ઓએનજીસી આપ્યું હતું. તે સ્પષ્ટ છે કે કંપનીના અધિકારીઓએ બેજવાબદારીપૂર્વક કામ કર્યું હતું. 
તેમની ન્યૂનતમ દેખરેખ અને કુશળતાના અભાવને કારણે, સંશોધન સ્થળ બદલાઈ ગયું હતું. જવાબદારી લેવાને બદલે, તેઓએ આ ભૂલ માટે એક ડાઇવરને જવાબદાર ગણાવ્યો હતો, જેના કારણે રૂા. 500 કરોડનું નુકસાન ગયું છે. અધિકારીઓ દ્વારા આ અભિગમ અયોગ્ય કહેવાય એમ સમિતિએ જણાવ્યું હતું. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer