કૉમ્પ્યુટર, લેપટોપનાં વેચાણ સાથે કિંમતમાં પણ વધારો

કૉમ્પ્યુટર, લેપટોપનાં વેચાણ સાથે કિંમતમાં પણ વધારો
મધરબોર્ડ, ચીપ સહિતના સીપીયુના અનેક પાર્ટસના ભાવ 20 ટકા વધ્યા 
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 23 સપ્ટે. 
કોરોના બાદ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના માર્કેટમાં કોમ્પ્યુટર અને લેપટોપનું વેચાણની સાથે તેની કિંમતમાં પણ રૂા. 5,000થી 6,000નો વધારો થયો છે. કોરોનામાં લોકડાઉનને પગલે અનેક ક્ષેત્રોના કર્મચારીઓ ઘરેથી કામ કરતા થયા હોવાથી પર્સનલ કોમ્પ્યુટર તથા લેપટોપની માંગમાં વધારો થયો હોવાનું વેપારી વર્તુળોએ જણાવ્યું હતું.  
આ સાથે ટેક્નૉલૉજીના યુગમાં કોમ્પ્યુટર, લેપટોપની સાથે મોબાઇલ, સીસીટીવી કૅમેરાની માગમાં થયેલા વધારાને લીધે તેના ભાવમાં પણ પાછલા વર્ષે મોટો ઉછાળો આવ્યો હતો. 
આ ગેજેટ્સમાં એકથીએક ચઢિયાતી રેન્જ હોવાથી લોકોને તેમના ખર્ચ ક્ષમતા મુજબ આઇટમો મળી રહે છે, પરંતુ ભાવમાં વધારો થયો હોવાથી અનેક ખરીદદારો પોતાની ઇચ્છા મુજબની આઇટમની ખરીદી શકતા નથી અને તેમણે ઓછા ફીચરવાળી આઇટમ ખરીદવી પડે છે.  
સુરતના નાનપુરા વિસ્તારના નેમી ઇન્ફોસિસના દર્શનભાઈ દોશીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીના સમયગાળામાં શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોકો, નોકરિયાતો અને ધંધાર્થીઓને કામકાજ માટે અૉનલાઇન માધ્યમ અપનાવવું પડ્યું છે. લેપટોપની વધતી ડિમાન્ડ સામે સ્ટોક ઓછો હોવાથી ભાવ 10 ટકા ઉચકાયા હતા. હાલ કૉમ્પ્યુટર, લેપટોપની ખરીદી દોઢ ગણી વધી છે. 
તેમણે ઉમેર્યું હતું કે ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરત શહેરની મોટાભગની અૉફિસોમાં હીરાને પારખવા માટે કૉમ્પ્યુટરનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. તેથી હીરાની અૉફિસોમાં કૉમ્પયુટર, લેપટોપની ડિમાન્ડ વધુ રહે છે. આગામી સમયમાં અૉનલાઇન શિક્ષણનો વ્યાપ અને પર્સનલ કૉમ્પ્યુટરની માંગ વધી શકે એમ છે.  
કૉમ્પ્યુટરની ઘણી પ્રોડક્ટ્સની આયાત તાઇવાન, જાપાન અને ચીનથી થતી હતી. એ આયાત ઓછી થવાને કારણે સ્ટોક ખતમ થતા માર્કટમાં ડિમાન્ડ વધી છે.  
સાંઇ કૉમ્પ્યુટરના તેજસ પટેલે જણાવ્યું હતું કે દેશમાં કૉમ્પ્યુટર સંબંધિત મોટા ભાગનો સામાન જાપાન, તાઇવાન, થાઇલૅન્ડ, ચીનથી આયાત કરવામાં આવે છે. દેશભરના વેપારીઓ દરરોજ હાર્ડ ડ્રાઇવ, રેમ, મધર બોર્ડ, એસએમપીએસ, ક્રીન ગાર્ડ, કિબોર્ડ, માઉસ વગેરેની ખરીદી કરે છે. સમયસર માલ ન મળતા કામકાજ અટવાય છે. અને ઘણી તકલીફો પડતી હોય છે. વિદેશથી આયાત થતી પ્રોડક્ટમાં પાછલા કેટલાક સમયમાં 20થી 25 ટકા ભાવવધારો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે નાના વેપારીઓ મોટા ડિલરો પાસેથી સામાન ખરીદીને ગ્રાહકોને વેચાણ કરે છે. મોટા વેપારીઓ પાસે માલ ન હોવાથી ભાવ વધારીને વેચાણ કરે છે. અનેક લોકોએ બમણા ભાવ કરી નાખ્યા હોવાથી કેટલાક લોકોએ ખરીદી અટકાવી પણ છે. મોટા વેપારીઓને લીધે જ મધરબોર્ડનો ભાવ રૂા. 6,000 થયો છે.   
ક્રોમા શૉ-રૂમના મેનેજર સંદિપ પટેલે જણાવ્યું હતું છે કે કૉમ્પ્યુટર અને લેપટોપના અૉનલાઇન વેપારમાં વધારો જોવા મળ્યો છે. અૉનલાઇન બિઝનેસમાં નવી નવી બ્રાન્ડ્સ લોન્ચ થવાથી ગ્રાહકોને ઘણા વિકલ્પ મળ્યા છે. નવરાત્રિ અને દિવાળી આવતા ડિસ્કાઉન્ટ અને ઓછા ભાવમાં સારા વિકલ્પ મળી રહ્યા છે. બે વર્ષ અગાઉ કૉમ્પ્યુટર લેપટોપનો ભાવ રૂા. 30-35,000 હજાર હતો. હાલ કૉમ્પ્યુટર અને લેપટોપની કિંમતમાં રૂ. 5,000થી 6,000નો વધારો થયો છે. માર્કેટમાં 40 ટકા લોકો અૉનલાઇન ખરીદી કરતા થયા છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer