રાજકોટના મશીન ટૂલ્સ ઉદ્યોગની નિકાસ રૂા.1500 કરોડ સુધી પહોંચ્યાનો અંદાજ

રાજકોટના મશીન ટૂલ્સ ઉદ્યોગની નિકાસ રૂા.1500 કરોડ સુધી પહોંચ્યાનો અંદાજ
પાછલાં ત્રણ વર્ષથી અમેરિકા અને યુરોપની બજારમાંથી પણ માગ શરૂ થઈ 
નિલય ઉપાધ્યાય 
રાજકોટ, તા. 23 સપ્ટે. 
સૌરાષ્ટ્ર-રાજકોટના મશીન ટૂલ્સ ઉદ્યોગના ઉજળા દિવસો આવ્યા છે. નિકાસ બજારમાં ચીનને બળાબળની ટક્કર આપવાનું રાજકોટના આ ઉદ્યોગે શરૂ કર્યું છે. રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં વિકસેલા મશીન ટૂલ્સ ઉદ્યોગની નિકાસમાં છેલ્લાં એક બે વર્ષમાં 15થી 20 ટકાનો વધારો થતા રૂા. 1500 કરોડ સુધી પહોંચી ચૂકી છે. આફ્રિકા, નેપાળ અને અખાતી દેશોમાં સૌરાષ્ટ્રમાંથી નિકાસ થતી હતી પરંતુ હવે યુરોપ અને અમેરિકામાં પણ પાછલાં ત્રણ વર્ષથી માગ શરૂ થઈ હોવાનું ઉદ્યોગ અગ્રણીઓએ કહ્યું હતું. 
રાજકોટ મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રમુખ યોગીન છનિયારાએ વ્યાપાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રભરના મશીન ટૂલ્સનાં એકમો આશરે રૂા. 5000 કરોડનું વાર્ષિક ટર્નઓવર કરે છે. એમાં નિકાસનો હિસ્સો આશરે રૂા. 1200 કરોડ સુધી પહોંચી ચૂક્યો છે.  
તેમના કહેવા પ્રમાણે આપણે અમેરિકા અને યુરોપમાંથી કેટલીક આયાત કરતા હતા પણ હવે ત્યાં નિકાસ શરૂ થઈ છે એ ઉદ્યોગની સફળતાનો સંકેત છે. નિકાસમાં 15થી 20 ટકાનો વધારો થયો હોવાનું અમારું અનુમાન છે. 
કોરોના પછી ચીનની વસ્તુઓ ખરીદવાનો ઘટતો ટ્રેન્ડ મશીન ટૂલ્સની નિકાસ વધવા પાછળ મહત્ત્વનું કારણ છે. એ ઉપરાંત ભારતમાંથી નિકાસની પ્રક્રિયા અગાઉ કરતા સરળ થઈ ચૂકી છે અને હવે મેક ઇન ઇન્ડિયાની ઝુંબેશને લીધે પણ ભારતની ચીજોમાં આયાતકારોને રસ પડયો છે.  
યોગીનભાઈએ જણાવ્યું હતું કે કાચા માલના ભાવ દરેક ઉત્પાદક દેશોમાં સમાન જેવા હોય છે છતાં આપણે ત્યાં બનતી પ્રોડક્ટ્સમાં વપરાતાં અન્ય સાધનો સસ્તા હોવાને લીધે આયાતકારોને ફાયદો થાય છે.   મશીન ટૂલ્સનાં ઉત્પાદનમાં બેંગલોર પછી રાજકોટનો ક્રમ આવે છે છતાં મધર મશીનરી માટે રાજકોટ અવ્વલ છે. પંજાબના લુધિયાણામાં પણ મશીન ટૂલ્સ બને છે પણ તેને હવે રાજકોટ ઓવરટેક કરતું જાય છે. રાજકોટમાં હવે ઓટોમેશન અને રોબોટિક ટેકનૉલૉજી આધારિત મશીન ટૂલ્સ પણ બનવા લાગ્યા છે. ગયાં વર્ષે સૌરાષ્ટ્રનાં મશીન ટૂલ્સ ઉદ્યોગે રૂા. 5 હજાર કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું. તેમાં આ વખતે 10 ટકા વધારો થવાનો અંદાજ છે. રાજકોટના મશીન ટૂલ્સ ઉદ્યોગે અલગથી ક્લસ્ટર આપવા માટે આઠ-નવ વર્ષ પૂર્વે સરકાર સમક્ષ માગ કરી છે, પણ એના પર ધ્યાન અપાયું નથી. 
રાજકોટના એનએસઆઇસી મેદાનમાં મશીન ટૂલ્સ શૉ 21 સપ્ટેમ્બરથી ચાલી રહ્યોલો છે, જેનો શનિવારે આખરી દિવસ છે. એમાં સ્થાનિકની સાથે જાપાનની 7, જર્મનીની 8, તાઇવાન અને ચીનની 4-4 તથા અમેરિકાની 2 કંપનીઓ મળીને કુલ 350 કંપનીઓ ભાગ લઈ રહી છે. શૉની આઠમી આવૃત્તિ છે અને તે 50,000 ચોરસ મીટર વિસ્તારમાં યોજાયો છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer