ભારતે ચોખા અને ઘઉંની નિકાસ પરનાં નિયંત્રણોનો બચાવ કર્યો

ભારતે ચોખા અને ઘઉંની નિકાસ પરનાં નિયંત્રણોનો બચાવ કર્યો
નવી દિલ્હી, તા. 23 સપ્ટે.
તાજેતરની વર્લ્ડ ટ્રેડ અૉર્ગેનાઇઝેશન (ડબલ્યુટીએ)ની બેઠકમાં વિશ્વના ઘણા દેશોએ ભારતની ઘઉં અને ચોખાની નિકાસ પર નિયંત્રણ મૂકવાની નીતિની ટીકા કરી હતી. ભારતે આ ટીકા સાથે અસંમતિ દર્શાવી તેમ જ ચોખા અને ઘઉં પરના નિકાસ પરનાં નિયંત્રણોનો બચાવ કર્યો હતો.
મે મહિનામાં ઘઉંનો સ્થાનિક પુરવઠો વધે તે માટે સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યાર બાદ સપ્ટેમ્બરમાં ભારતે ટુકડા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકયો અને પારબોઇલ્ડ સિવાયના નોન બાસમતી ચોખાની નિકાસ પર 20 ટકાની જકાત નાખી હતી. ચાલુ વર્ષે દેશમાં ચોખાના મુખ્ય ઉત્પાદક ક્ષેત્રોમાં અપૂરતો વરસાદ થતાં ડાંગરનું વાવેતર ગયા વર્ષ કરતાં ઓછું થયું છે અને ચોખાનો પાક 6થી 7 ટકા ઘટવાની શક્યતા છે. આ સંજોગોને ધ્યાનમાં લઈને દેશમાં ચોખાનો પૂરતો પુરવઠો જળવાઈ રહે તે માટે સરકારે તેની નિકાસ પર ચાલુ મહિનાની શરૂઆતમાં નિયંત્રણો મૂક્યાં હતાં.
ડબલ્યુટીઓમાં ભારતે જણાવ્યું હતું કે ટુકડા ચોખાનો મરઘાં ઉછેર કેન્દ્રોમાં ખાણ તરીકે ઉપયોગ થવાને કારણે તેની નિકાસ વધી જતાં થોડા મહિનાઓથી સ્થાનિક બજારોમાં ચોખાનો પુરવઠો દબાણ નીચે હતો એટલે તેની નિકાસ પર નિયંત્રણ મૂકવાં પડયાં. ઘઉંના કિસ્સામાં વધુ પડતી નિકાસને કારણે દેશમાં તેના પુરવઠાની સુરક્ષા કરવા માટે તેની નિકાસ પર પ્રતિબંધ મૂકાયો હતો.
ભારતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે નિકાસ પરનાં નિયંત્રણો કામચલાઉ છે અને સરકાર નિયમિત રીતે તેનું પુનરાવલોકન કરે છે.
સેનેગલ ભારતના ટુકડા ચોખા અને તેની પ્રોડક્ટનો મોટો આયાતકાર દેશ છે. તેણે પોતાને ત્યાં કોઈ તકલીફ ન થાય તે માટે ભારતને ચોખાનો વ્યાપાર બંધ ન કરવાની વિનંતી કરી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer