ખરીફ ચોખાનો પાક છ ટકા ઓછો ઉતરવાનો અંદાજ

ખરીફ ચોખાનો પાક છ ટકા ઓછો ઉતરવાનો અંદાજ
નવી દિલ્હી, તા. 23 સપ્ટે.
વર્તમાન ખરીફ મોસમમાં ચોખાનો પાક 6 ટકા ઘટીને 10.50 કરોડ ટન થાય તેવી શક્યતા છે. કૃષિ મંત્રાલયે જાહેર કરેલા સૌ પ્રથમ આગોતરા અંદાજમાં જણાવ્યું હતું કે દેશના ચોખા ઉગાડતાં કેટલાક મુખ્ય વિસ્તારોમાં અપૂરતા વરસાદને કારણે ગત વર્ષ કરતાં આ વર્ષે ચોખાનું ઉત્પાદન છ ટકા ઘટે તેવી સંભાવના છે.
2021-22ની ખરીફ સિઝનમાં 11.18 કરોડ ટન ચોખાનું ઉત્પાદન થયું હતું, જ્યારે અનાજનું કુલ ઉત્પાદન 14.30 કરોડ ટન થયું હતું.
આમ છતાં અગાઉના પાંચ વર્ષ (2016-17થી 2020-21)માં ખરીફ ચોખાનું સરેરાશ ઉત્પાદન 10.06 કરોડ ટન થયું હતું તેના કરતાં ચાલુ વર્ષની ખરીફ સિઝનમાં ચોખાનું ઉત્પાદન 44 લાખ ટન વધુ થશે. આ પ્રાથમિક અંદાજો છે. દર વર્ષે કૃષિ મંત્રાલય દરેક સિઝન માટે ચાર આગોતરા અંદાજો આપે છે.
ચોખાની નિકાસ પરનાં નિયંત્રણોને કારણે દેશમાં ચોખાનું ઉત્પાદન થોડું ઘટે તો પણ સ્થાનિક બજારોમાં ચોખાનો પુરવઠો યથાવત્ જળવાઈ રહેશે. સરકારે બિનબાસમતી ચોખાની નિકાસ પર 20 ટકા જકાત નાખી છે, એટલે દેશમાં ચોખાનું ઉત્પાદન થોડું ઓછું થાય તો પણ તેના પુરવઠાને કોઈ વાંધો નહીં આવે, એમ એક વેપારીએ જણાવ્યું હતું.
સ્થાનિક બજારોમાં ચોખાના ભાવ મજબૂત રહે તેવી સંભાવના છે. મંત્રાલયના આંકડાઓ મુજબ ચાલુ વર્ષ 16 સપ્ટેમ્બર સુધીમાં ડાંગરનું વાવેતર 18.9 ટકા ઘટીને 399.03 લાખ હેક્ટર જમીન પર થયું હતું, જે ગત વર્ષે 417.93 લાખ હેક્ટર જમીન પર થયું હતું.
જ્યારે મંત્રાલયના અંદાજ મુજબ કઠોળનું ખરીફ સિઝનનું કુલ ઉત્પાદન 83.70 લાખ ટન થવાની સંભાવના છે. ચાલુ વર્ષે કઠોળમાં તુવેરનું ઉત્પાદન ઘટીને 38.9 લાખ ટન થવાની સંભાવના છે જે ગત વર્ષે 43.4 લાખ ટન થયું હતું. કઠોળમાં ખરીફ સિઝનમાં તુવેરનું ઉત્પાદન સૌથી વધુ હોય છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer