તાતા સ્ટીલમાં ગ્રુપની સાત મેટલ કંપનીઓ મર્જ થશે, હોલ્ડિંગ માળખું સરળ બનાવશે

તાતા સ્ટીલમાં ગ્રુપની સાત મેટલ કંપનીઓ મર્જ થશે, હોલ્ડિંગ માળખું સરળ બનાવશે
આ પગલાથી સરળતા આવશે અને શૅરધારકો માટે મૂલ્યવૃદ્ધિ થશે
મુંબઈ, તા. 23 સપ્ટે. 
તાતા સ્ટીલના બોર્ડે મેટલ્સ અને માઇનિંગ બિઝનેસને એકીકૃત કરવા અને હોલ્ડિંગ માળખાને સરળ બનાવવા માટે છ પેટા કંપનીઓ અને એક સહયોગી કંપનીને તેમાં મર્જ કરવાની મંજૂરી આપી છે. 
ગુરુવારે લેવામાં આવેલા આ નિર્ણયમાં લિસ્ટેડ કંપનીઓ તાતા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ, ધ ટીનપ્લેટ કંપની અૉફ ઈન્ડિયા લિ., તાતા મેટલિક્સ અને ટીઆરએફનો સમાવેશ છે. તાતા સ્ટીલ જેમાં બહુમતિ માલિકી ધરાવે છે તેમાં તાતા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ, ધ ટીનપ્લેટ કંપની, તાતા મેટલિક્સ, ધ ઈન્ડિયન સ્ટીલ ઍન્ડ વાયર પ્રોડક્ટ્સ, તાતા સ્ટીલ માઈનિંગ, એસઍન્ડટી માઈનિંગનો સમાવેશ છે, જ્યારે સહયોગી કંપની ટીઆરએફ (34.11 ઇક્વિટી હોલ્ડિગ)ને તાતા સ્ટીલમાં મર્જ કરવાની પણ બોર્ડે મંજૂરી આપી છે. 
તાતા સ્ટીલે તેના નિવેદનમાં જણાવ્યું છે કે આ કોન્સોલિડેશન મેનેજમેન્ટની કાર્યક્ષમતા વધારશે, વ્યૂહાત્મક ધ્યાન કેન્દ્રિતતા વધુ મજબૂત બનશે અને તમામ વ્યવસાયોમાં ચપળતામાં સુધારો કરશે. ડાઉનસ્ટ્રીમ કામગીરીના એકત્રીકરણથી તાતા સ્ટીલના રાષ્ટ્રવ્યાપી માર્કાટિંગ અને વેચાણ નેટવર્કનો લાભ લઈને મૂલ્યવર્ધિત સેગમેન્ટમાં વૃદ્ધિને સક્ષમ બનાવશે. 
કંપનીએ નિવેદનમાં કહ્યું છે કે, આ પગલું કાચા માલની સુરક્ષા, સેન્ટ્રલાઈઝેડ ખરીદી, માલનો યોગ્ય ઉપયોગ, લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો અને વધુ સારી સુવિધાના ઉપયોગ દ્વારા વ્યવહારૂતા પણ લાવશે. એકત્રિકરણ પૂર્ણ થશે ત્યારે ઓવરહેડ અને કોર્પોરેટ ખર્ચમાં ઘટાડો કરવાની વધુ તકો મળશે. દરેક સૂચિત જોડાણ શૅરધારકો માટે મૂલ્ય-વૃદ્ધિકારક હશે. 
ગ્રુપના હોલ્ડિંગ માળખાને સરળ બનાવવા માટે તાતા સ્ટીલની કોન્સોલિડેશન પહેલ જળવાઈ રહી છે. વર્ષ 2019થી તાતા સ્ટીલે 116 સંલગ્ન એન્ટિટીમાં ઘટાડો કર્યો છે (72 પેટા કંપનીઓ હવે અસ્તિત્વમાં નથી, 20 સહયોગીઓ અને સંયુક્ત સાહસો નાબૂદ કરાયા છે અને 24 કંપનીઓ લિક્વિડેશન હેઠળ છે). 
તાતા સ્ટીલે કહ્યું કે, બોર્ડે સ્વતંત્ર અને મૂલ્યાંકનના અભિપ્રાયોના આધારે દરખાસ્ત પર વિચાર કર્યો હતો. કંપની એક્ટ, 2013 અને સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઈન્ડિયા રેગ્યુલેશન્સ હેઠળ નિર્ધારિત પ્રક્રિયા અનુસાર આ એકત્રિકરણ કરાયું છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer