સેમિકન્ડક્ટર્સ ક્ષેત્રે આગામી બે વર્ષમાં રૂા.બે લાખ કરોડના રોકાણની નેમ

સેમિકન્ડક્ટર્સ ક્ષેત્રે આગામી બે વર્ષમાં રૂા.બે લાખ કરોડના રોકાણની નેમ
વૈશ્વિક ચિપ કંપનીઓ માટે વધુ નાણાકીય પ્રોત્સાહનની જાહેરાત 
એજન્સીસ 
મુંબઈ, તા. 23 સપ્ટે.
દેશમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે ઉપકરણોના ઉત્પાદનની વ્યવસ્થા વિકસાવવા માટે રૂા. 76,000 કરોડની ઈન્સેન્ટિવ યોજના જાહેર કર્યાના નવ મહિના બાદ કેન્દ્રીય પ્રધાનમંડળે સેમિકન્ડક્ટર ઉત્પાદન માટેની ટેક્નૉલૉજી સંદર્ભે પ્રોજેક્ટ ખર્ચના 50 ટકા નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી હતી.   સરકારે ડિસેમ્બર, 2021માં યોજનાની સૌપ્રથમવાર જાહેરાત કરી ત્યારે કમસેકમ બે સેમિકન્ડક્ટર અને બે ડિસ્પ્લે એકમોને કમસેકમ છ વર્ષ સુધી પ્રોજેક્ટ ખર્ચના 50 ટકા સુધી નાણાકીય સહાયની ખાતરી આપી હતી. કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર્સ, સેન્સર ફેબ્ઝ વગેરે માટે 30 ટકા નાણાકીય સહાય આપવાનું જણાવ્યું હતું.  
કેન્દ્રના આઈટી ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે પેકેજનું કુલ કદ સમાન રહેશે, પરંતુ 50 ટકા પ્રોત્સાહનને લીધે સેમિકન્ડક્ટર નીતિ અત્યંત સ્પર્ધાત્મક બનશે અને સિલિકોન તથા કમ્પાઉન્ડ ફેબ્સ, પેકાજિંગ યુનિટ્સ, ડિસ્પ્લે ફેબ્સ તેમજ ડિઝાઈન અને ઈનોવેશન સહિતના સમગ્ર ક્ષેત્રમાં રોકાણને આકર્ષક બનાવશે.  
તેમણે ઉમેર્યું હતું કે વૈશ્વિક કંપનીઓ રોકાણના સક્ષમ સ્થળ તરીકે ભારતને ચકાસી રહી છે. તમામ ઈલેક્ટ્રોનિક્સ સામગ્રી અને સેમિકન્ડક્ટર્સ માટે એશિયામાં સૌથી વધુ આકર્ષક સ્થળ તરીકે ભારત પોતાને પ્રસ્તુત કરી રહ્યું છે અને આગામી બે વર્ષમાં રૂા. બે લાખ કરોડનું રોકાણ આવવાની સરકારને ખાતરી છે.  
ઉદ્યોગ તરફથી મળેલાં સૂચનોને પગલે ઈલેક્ટ્રોનિક્સ તથા આઈટી મંત્રાલયે નીતિમાં સુધારાની માગણી કરી હતી. નાણાં મંત્રાલયે તેને મંજૂરી આપી પછી તેની દરખાસ્ત પ્રધાનમંડળમાં રજૂ કરવામાં આવી હતી.  પ્રોત્સાહન યોજનામાંના સુધારા સમયસરના છે, પરંતુ વિશ્લેષકોએ જણાવ્યું હતું કે સરકાર સમક્ષ ચિપ ફેબ્રિકેશનનું કેન્દ્ર ગણાતી વૈશ્વિક સ્તરની ફાઉન્ડ્રીઝના નિર્માણ તથા અન્ય દેશોમાંથી ઓર્ડર્સ મેળવવાનો પડકાર સૌથી મોટો છે. વૈશ્વિક સ્તરની ફાઉન્ડ્રીના નિર્માણ માટે આશરે બેથી ત્રણ અબજ ડૉલરનું રોકાણ જરૂરી હોય છે.  
નીતિ કેટલી સફળ છે તે આખરે તો વૈશ્વિક એકમોનું ભારતમાં સ્થળાંતર જ નક્કી કરશે, કારણ કે જેમની પાસે મોટા ઓર્ડર મળવાની ખાતરી ન હોય તેવા એકમો પર ક્ષમતાના ઓછા વપરાશનું જોખમ તોળાતું હોય છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer