નવરાત્રિના પહેરવેશમાં દેશી ચણિયા-ચોળીની ધૂમ માગ

નવરાત્રિના પહેરવેશમાં દેશી ચણિયા-ચોળીની ધૂમ માગ
માલની ખેંચ શરૂ થઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 સપ્ટે.
કોરોના મહામારીનાં બે વર્ષમાં નવરાત્રિમાં લોકોને રાસગરબા રમવા મળ્યા નહોતા. હવે કોરોનાનાં કોઈ નિયંત્રણો ન હોવાથી લોકોની આ વેળા નવરાત્રિના વિવિધ પ્રકારના ડ્રેસમાં ધૂમ ખરીદી નીકળી પડી છે. આથી માલની અત્યારથી જ થોડી થોડી ખેંચ જણાવા માંડી છે.
કાપડ બજારમાં ભલે શ્રાદ્ધ પક્ષના કારણે ઘરાકીની ગેરહાજરી હોય, પણ રિટેલ દુકાનોની ધૂમ ઘરાકી દેખાય છે. વળી નવરાત્રિના પરંપરાગત મૂલ્યવર્ધિત પોશાકો ઓનલાઈન મળતા નહીં હોવાથી તેની દુકાનોમાં ધૂમ ખરીદી નીકળી પડી છે.
ઘાટકોપર (પૂર્વ)માં રબારણ દુકાનના મોવડી જિનેશ મહેતા જણાવે છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના કારણે હવે જે જે મોટી હાઉસિંગ સોસાયટીઓમાં ગરબા રમવાના હોય તે સોસાયટીની મહિલાઓ ભેગી મળી ખરીદી કરવા નીકળી પડતી હોવાથી દુકાનોમાં ભારે ભીડ જણાય છે. તેઓ વધુમાં કહે છે કે ડ્રેસના ભાવ નથી વધ્યા અને આ વેળા અમે ટર્નઓવર વધારવા પર જ ભાર આપી રહ્યા હોવાથી ઘરાકો મન મૂકીને ખરીદી કરી રહ્યા છે. બીજું અગાઉ નવરાત્રિ ગુજરાતી પ્રજાની ગણાતી હતી, પણ હવે બધી જાતના લોકો રાસગરબા રમવા માટેના ડ્રેસ ખરીદી રહ્યા છે. આપણા ગામની શેરીમાંથી ગરબા હવે ગ્લોબલ બની ગયા છે.
હરીશ મહેતા જણાવે છે કે રાસ, રાસડા, ગરબા, ગરબી માટે આ વેળા લોકોનો ઉન્માદ ભારે છે. ડ્રેસના ભાવ 20થી 25 ટકા વધ્યા છે.  જેન્ટ્સ વેરમાં કુરતા, કેડિયા-ધોતી, જેકેટની માગ છે. જેન્ટસના સેટના છૂટકભાવ રૂા. 2000થી રૂા. 7000 સુધીના છે. આની સામે લેડીઝ સેટના ભાવ રૂા. 2000થી રૂા. 10,000 સુધીના છે. લેડીઝવેરમાં ચણિયા-ચોળીમાં દેશી સ્ટાઈલનું આકર્ષણ છે. ઈન્ડો-વેસ્ટર્નમાં ઘેર (ફલેટ)વાળા સ્કર્ટ અને મીરરવર્કવાળા જેકેટની માગ છે. એસેસરીઝમાં ગામઠી ટીકા, નેકલેસ, ઈયરિંગ, કડા, ચુડા, બાજુબંધ, ઓકસીડાઈડ કંદોરા વગેરેની માગ છે. નવરાત્રિની ફૅશનમાંથી પંજાબી ડ્રેસ-કુરતી વગેરે હવે જૂના ગણાય છે.
ગામઠી ચણિયા-ચોળી અને રબારણ ટાઈપના ડ્રેસનું ઉત્પાદન કચ્છ-ભુજોડીમાં, સુરતમાં અને વડોદરામાં થાય છે. તેની નિકાસ પણ થાય છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer