ફેડના દરવધારાના ધક્કાથી રૂપિયો પછડાયો

ફેડના દરવધારાના ધક્કાથી રૂપિયો પછડાયો
એજન્સીસ 
મુંબઈ, તા. 23 સપ્ટે. 
ઝડપથી મજબૂત થઈ રહેલા ડૉલરની સામે સ્થાનિક ચલણ માટેનું સેન્ટિમેન્ટ નબળું રહેતાં રૂપિયો શુક્રવારે અમેરિકન ડૉલર સામે નવા નીચા સ્તરે પહોંચ્યો હતો. ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારા સંદર્ભે અપેક્ષા કરતાં લાંબા સમય સુધી આકરા વલણનો સંકેત આપતાં ડૉલરમાં વૈશ્વિક સ્તરે છેલ્લા કેટલાક દિવસથી ઉછાળો આવ્યો છે.  
શુક્રવારે ટ્રેડ શરૂ થયાની થોડી મિનિટોમાં જ રૂપિયો અમેરિકન ડૉલર સામે 81.25ની નવી ઈન્ટ્રાડે નીચી સપાટીએ પહોંચ્યો હતો. ભારતીય સમય અનુસાર સવારે 9.25 વાગ્યે રૂપિયો 81.13ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ગુરૂવારે ડૉલર સામે રૂપિયો 1.1 ટકા ગબડીને 80.87 પ્રતિ ડૉલરના રેકોર્ડ નીચા સ્તરે બંધ રહ્યો હતો.  
ડીલરોએ જણાવ્યું હતું કે બુધવારે રૂપિયામાં ભારે ઘટાડા છતાં રિઝર્વ બૅન્કે બજારમાં નોંધપાત્ર પ્રમાણમાં ડૉલર ન ઠાલવતાં ટ્રેડરો ચિંતાતુર થઈ ગયા હતા, કારણ કે તેઓ મધ્યસ્થ બૅન્કના હસ્તક્ષેપની ભાવિ વ્યૂહરચનાના સંકેતની રાહ જોઈ રહ્યા હતા.  
અમેરિકન ડૉલરની સરખામણીએ સ્થાનિક ચલણમાં 2022માં અત્યાર સુધીમાં 8.5 ટકા ઘટાડો થયો છે. વર્તમાન વર્ષમાં અત્યાર સુધીમાં 16 ટકાથી વધુ ઉંચકાયેલો યુએસ ડૉલર ઈન્ડેક્સ ગુરૂવારે બપોરે 3.30 વાગ્યાના 111.16ની સામે 111.41ના સ્તરે પહોંચ્યો હતો.  
સરકારી બોન્ડ્સ ઁપણ બુધવારથી નુકસાનમાં વધારો કર્યો હતો. તેમાં 10 વર્ષના બેન્ચમાર્ક બોન્ડની યીલ્ડ છેલ્લા ટ્રાડિંગમાં 7 બેસિસ પોઈન્ટ્સ વધીને7.38 ટકા થઈ હતી. બોન્ડના ભાવ અને ઉપજ વિપરીત રીતે આગળ વધે છે. બોન્ડની યીલ્ડમાંની સખ્તાઈ યુએસ ટ્રેઝરી યીલ્ડમાં થયેલા વધારા મુજબની હતી.  
બૅન્ક ઓફ બરોડાના વડા અર્થશાસ્ત્રી મદન સબનવિસે જણાવ્યું હતું કે ભૂતકાળમાં ડૉલર મજબૂત બન્યો હતો ત્યારે પણ રૂપિયો બેસ્ટ પર્ફામિંગ કરન્સી હતો, પણ ગઈકાલે તેમાં ભૂતકાળના ટ્રેન્ડથી તદ્દન વિપરીત ચાલ જોવા મળી હતી. 1.1 ટકાના ઘટાડા સાથે રૂપિયો કદાચ સૌથી વધુ અસંતોષકારક હોય તેવી કરન્સીઓ પૈકીનો એક બન્યો છે. હવે બધો આધાર રિઝર્વ બૅન્કના પ્રતિભાવ પર રહેશે. હસ્તક્ષેપનો અભાવ રૂપિયા માટે 81ની નવી સપાટી બનાવી શકે છે.  
ઉભરતાં માર્કેટ્સની ચલણોની સરખામણીએ રૂપિયાએ ગુરૂવારથી વધારે ફટકા ખમવા પડ્યા છે. તેના પરિણામે એવા અનુમાનને વેગ મળ્યો છે કે અમેરિકાના વ્યાજદરની નવી વાસ્તવિકતા સાથે રૂપિયો એડજેસ્ટ થાય તેવું રિઝર્વ બૅન્ક ઈચ્છે છે. ફેબ્રુઆરી પછીથી માર્કેટ ઈન્ટરવેન્શન્શને લીધે રિઝર્વ બૅન્કનો વિદેશી ચલણનો અનામત ભંડાર ઘટીને બે વર્ષના નીચલા સ્તરે, આશરે 550 અબજ ડૉલર થઈ ગયો છે.   સીઆર ફોરેક્સ એડવાઈઝર્સના મૅનાજિંગ ડિરેક્ટર અમિત પાબારીએ લખ્યું હતું કે ગઈકાલે રૂપિયો પોતાનું વાજબી મૂલ્ય મેળવવા વૈશ્વિક ફેક્ટર્સને સ્વતંત્ર રીતે અનુસર્યો હતો ત્યારે રિઝર્વ બૅન્કની ગેરહાજરી અનુભવાઈ હતી. રિઝર્વ બૅન્ક રૂપિયાને ગબડતો બચાવી શકી નહીં, તેનું એક કારણ બૅન્કિગ સિસ્ટમમાં અપૂરતી તરલતા હતું.  
અમિત પાબારીના જણાવ્યા મુજબ, ટૂંકાગાળાના વ્યાજદર વધી રહ્યા છે ત્યારે સ્પોટ માર્કેટમાં રિઝર્વ બૅન્કનો હસ્તક્ષેપ બૅન્કિગ સિસ્ટમની તરલતાને નુકસાન પહોંચાડી શકે છે. રૂપિયો નજીકના ગાળામાં પ્રતિ ડૉલર 81.80-82ના સ્તરે પહોંચશે તેવું સીઆર ફોરેક્સનું અનુમાન છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer