શહેરી નક્સલવાદીઓ આજે પણ સક્રિય : વડા પ્રધાન

શહેરી નક્સલવાદીઓ આજે પણ સક્રિય : વડા પ્રધાન
સરદાર સરોવર યોજના અટકાવનાર
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 23 સપ્ટે.
ગુજરાતમાં નર્મદા નદી ઉપર સરદાર સરોવર ડેમના બાંધકામને વર્ષો સુધી અટકાવી રાખનાર રાજકીય પીઠબળ ધરાવતા `શહેરી નક્સલવાદીઓ અને વિકાસ વિરોધી પરિબળો' આજે પણ સક્રિય છે અને તેઓ પર્યાવરણની સુરક્ષાના નામે વિકાસ યોજનાઓને અટકાવી રહ્યા છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું છે.
તેમણે વિવિધ રાજ્યોના પર્યાવરણ પ્રધાનોને અપીલ કરી હતી કે `ઇઝ અૉફ ડુઇંગ બિઝનેસ' અથવા `ઇઝ અૉલ લાઇફ' માટે શરૂ કરવામાં આવેલી યોજનાઓ પર્યાવરણના નામે ખોટી રીતે અટકે નહીં તેની ખાતરી કરે.
`શહેરી નક્સલવાદીઓ'ના ષડ્યંત્રનો સામનો કરતી વખતે રાજ્ય સરકારોએ પર્યાવરણલક્ષી મંજૂરી આપતી વેળાએ સંતુલિત અભિગમ અપનાવવો પડશે, એમ વડા પ્રધાને ગુજરાતમાં નર્મદા જિલ્લામાં એકતા નગર ખાતે વિવિધ રાજ્યોના પર્યાવરણ પ્રધાનોની યોજાયેલી કૉન્ફરન્સનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ દેશ આઝાદ થયો ત્યારે કરાયો હતો. તેમાં સરદાર વલ્લભભાઈ પટેલે મહત્વની ભૂમિકા નિભાવી હતી અને પંડિત નેહરુએ તેનો શિલાન્યાસ કર્યો હતો. પરંતુ તમામ અર્બન નક્સલીઓ મેદાનમાં આવી ગયા અને એવો અપપ્રચાર કર્યો કે જેના કારણે જે કામ નેહરૂજીએ ચાલું કર્યું હતું તે કામ મારા આવ્યા બાદ પૂરું થયું અને આજે એ જ એકતાનગર પર્યાવરણનું તીર્થ ક્ષેત્ર બની ગયું છે. 
વિષયોચિત સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે એકતાનગરમાં રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન એ એક મહત્વપૂર્ણ બાબત છે. વન અને પર્યાવરણ ક્ષેત્ર માટે એકતાનગર એક તીર્થ સ્થાન બની ગયું છે. ભારત આગામી 25 વર્ષ માટે અમૃત કાળ માટે નવા લક્ષ્ય બનાવી રહ્યુ છે. મને વિશ્વાસ છે કે તમારા પ્રયાસોથી પર્યાવરણની રક્ષામાં પણ મદદ મળશે અને ભારતનો વિકાસ પણ એટલી જ ઝડપથી થશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer