ફેડના દરવધારાથી શૅરબજારોમાં કડાકો

ફેડના દરવધારાથી શૅરબજારોમાં કડાકો
સેન્સેક્ષ 1021 પૉઇન્ટ તૂટયો : રોકાણકારોના રૂા.પાંચ લાખ કરોડ ધોવાયા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 સપ્ટે.
ભારતના શૅરબજારમાં આજે મંદીના ઓછાયા વધુ ઘેરા બન્યા હતા. બીએસઈ ખાતે અનેકવિધ કારણોસર 1021 પોઇન્ટ ઘટવાથી રોકાણકારો ચિંતામાં મુકાયા હતા. સેન્સેક્ષ 58,099ની નવી સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટીમાં 302 પોઇન્ટ ઘટાડાથી સૂચકાંક 17,327 પર નરમ બંધ હતો. ફેડ રિઝર્વ વ્યાજદર આગળ ઉપર પણ વધારવાના સંકેત આપવાથી તમામ સ્તરે વેચવાલી જોવાઈ હતી. આજના ઘટાડા પછી એનલિસ્ટો માને છે કે `ટૂંકાગાળામાં રોકાણકારો હવે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી સાવધાની દાખવશે' આજે રોકાણકારોના રૂા. પાંચ લાખ કરોડ ધોવાઈ ગયા હતા. સ્થાનિક શૅરબજાર માટે અને વૈશ્વિક મુખ્ય બજારો માટે આજનો શુક્રવાર કાળો પુરવાર થયો હતો. ફેડ રિઝર્વ 0.75 ટકા વ્યાજદર વધારો કરવા સાથે રૂપિયો પ્રથમવાર 81ની સપાટીએ ઉતર્યો હતો. તેલ-ગૅસ, ખાતરની આયાત મોંઘી થશે અને વેપાર ખાધ વધશે એવી ચર્ચાઓ જોર પકડયું હતું. વિદેશી રોકાણસંસ્થાઓએ રૂા. 2509 કરોડના શૅરો વેચ્યા હતા. આ સાથે રશિયા યુક્રેન વચ્ચે નવા તણખા ઝરતાં સંસ્થાકીય વિદેશી રોકાણકારો દ્વારા વૈશ્વિક શૅરબજારોમાંથી રોકાણ પાછું ખેંચવામાં નવેસરથી ઉછાળો આવ્યો છે. ઉપરાંત બ્રિટનમાં મંદી ઊંડી બનવાના આસાર તેજ બન્યા હતા સાથે યુરો ઝોનનો પીએમઆઈ 48.9 પર ઉતર્યે છે. અમેરિકન બોન્ડ પરનું વળતર વધીને નવી ઊંચી સપાટીએ મૂકાવાથી પણ ભારતના શૅરબજારનું આકર્ષણ ઘટશે એમ એનલિસ્ટો માને છે. વૈશ્વિક બજારોમાં અમેરિકામાં વાયદો 1.4 ટકા, યુરોપિયન એફટીએસઈ 1.3 ટકા અને કોસ્પી સહિતના એશિયન ઇન્ડેક્સ 1.8 ટકા ઘટતાં મંદી વિકરાળ બનવાના સંકેત છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer