હીરા-ઝવેરાત ઉદ્યોગનું સ્પાર્કલ પ્રદર્શન 16થી 18 ડિસે.માં યોજાશે

રૂ. એક લાખથી રૂ. એક કરોડની હીરાજડિત જ્વેલરી પ્રદર્શનમાં મુકાશે 
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 22 નવે.
હીરા અને ઝવેરાત ઉદ્યોગને પ્રોત્સાહન આપતું આંતરરાષ્ટ્રીય સ્પાર્કલ પ્રદર્શન આગામી 16, 17 અને 18 ડિસેમ્બર, 2022 દરમ્યાન બીટુસી ધોરણે યોજાશે. જેમાં 30થી વધુ બ્રાન્ડ ભાગ લેશે. ખરીદદારોને એક જ વિવિધ વેરાયટીઓ સાથેની અવનવી ડિઝાઇનર્સ જ્વેલરી મળી રહેશે. એક લાખ રૂપિયાથી શરૂ કરીને એક કરોડ સુધીની કિંમતની વિવિધ વેરાયટીની હીરા જડીત જ્વેલરી પ્રદર્શનમાં મૂકવામાં આવશે. 
દક્ષિણ ગુજરાત ચેમ્બર દ્વારા આયોજીત પ્રદર્શન અંગે ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ કહ્યું હતું કે, જ્વેલરી ઉત્પાદન અને ડિઝાઇનીંગમાં સુરતની કેપેસિટી વધી રહી છે ત્યારે ચેમ્બર દ્વારા આયોજીતન સ્પાર્કલ પ્રદર્શનને હવે સુરત પૂરતું જ સીમિત રહ્યું નથી. આગામી સમયમાં તેને દેશના વિવિધ શહેરો અને દેશોમાં પણ યોજવામાં આવશે. 
તેમણે ઉમેર્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શન ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ છે અને વ્યાપારિક સંબંધો વિકસાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રદર્શનમાં જ્વેલરી ઉત્પાદકો અને ડિઝાઈનરો પોતાના વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરે છે. સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ અને જ્વેલરી ઉત્પાદન મોટા પાયા ઉપર થઇ રહ્યું છે. સુરતને ડાયમંડ જ્વેલરી ઉત્પાદક હબ તરીકે સુરતમાં વેલ્યુ એડીશનનું કામ થઇ રહ્યું છે ત્યારે સ્પાર્કલ પ્રદર્શનને કારણે હીરા ઉદ્યોગને નવી ઊંચાઇ મળશે.   
સ્પાર્કલ પ્રદર્શનમાં સુરતના ખરીદદારો જ આવતા જ હોય છે. પરંતુ લગ્નસરા હોવાથી સમગ્ર ગુજરાતમાં પધારેલા એનઆરઆઇને એક જ પ્લેટફોર્મ પરથી વિવિધ અવનવી ડિઝાઇનર્સ જ્વેલરી મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. હવે ચેમ્બર સુરતમાં વર્ષોથી સફળ આયોજન બાદ સ્પાર્કલ પ્રદર્શનને અમદાવાદ, રાજકોટ, મુંબઇ, હૈદરાબાદ અને બેંગ્લોર જેવા દેશના મેટ્રો શહેરો સુધી લઇ જવાનો પ્રયાસ છે.  ચેમ્બર અૉફ કોમર્સ દ્વારા સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારો માટે દુબઇ અને અમેરિકામાં એક્ઝિબિશન યોજવામાં આવ્યા હતા એવું જ હીરા ઉદ્યોગ માટે પણ કરાશે. 
ચેમ્બરના પ્રદર્શનો કમિટીના ચૅરમૅન તેમજ કન્વીનર બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત ઉપરાંત ગુજરાત તથા દેશભરના ખરીદદારોને સ્પાર્કલ પ્રદર્શનની પ્રતિક્ષા હોય છે. સ્પાર્કલના આયોજનમાં આ વર્ષે પણ શહેરના જ્વેલરી તેમજ હીરા ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉદ્યોગકારોએ ઉત્સાહ દાખવ્યો છે તે પ્રસંશનીય છે. 
સ્પાર્કલ ઇન્ટરનેશનલ પ્રદર્શનના ચૅરમૅન તુષાર ચોકસીએ જણાવ્યું હતું કે, વિશ્વભરમાં વેચાતા 100માંથી 90 ડાયમંડ સુરતમાં બને છે અને સુરતના જ્વેલર્સ અવનવી ડિઝાઇન બનાવવા માટે આગવી તૈયારી કરી રહ્યા છે ત્યારે સુરત વિશ્વનું જ્વેલરી હબ બની શકે છે. સુરત જ્વેલરી ડિઝાઇનીંગ ક્ષેત્રમાં પણ આગળ છે. એક્ઝિબિશનમાં રૂપિયા 1 લાખથી લઇને રૂપિયા 1 કરોડ સુધીના બજેટની હીરાજડીત દાગીનાઓની વેરાયટીઝ પ્રદર્શિત કરવામાં આવશે. ગુણવત્તાયુકત અને વિવિધ ડિઝાઇનીંગ સાથેની જ્વેલરી રિઝનેબલ ભાવે મળી રહેશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer