કૉમન પ્લોટ્સ પર ગેરકાયદે બાંધકામને નિયમિત નહીં કરાય

રાજ્યમાં ઘરની કિંમતમાં 11 ટકાનો વધારો નોંધાયો  
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 22 નવે.
સોસાયટીના કૉમન પ્લોટ્સ પર કોઇ સભ્ય દ્વારા ગેરકાયદે બાંધકામ કરાયું હશે તો તેને 17 અૉક્ટોબરે અસ્તિત્વમાં આવનાર પ્રવર્તમાન ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ ઓર્ડીનન્સ (જીઆરયુડીઓ), 2022 હેઠળ નિયમિત કરવામાં આવશે નહીં.  
રાજ્યના શહેરી વિકાસ વિભાગે કહ્યું કે ફક્ત એવી જ સવલતો જેમ કે જિમ્નેશિયન્સ, ગ્રંથાલય, કોમ્યુનિટી હોલ્સ અને સમાન પ્રકારની યુટિલીટીઝ બાંધવામાં આવી હશે તો જ નિયમિત કરવામાં આવશે. આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના અધિકારીઓ માટે શહેરી વિકાસ માટે યોજવામાં આવેલી તાલીમ ઝુંબેશ દરમિયાન સ્પષ્ટતા કરવામાં આવી હતી.  
અગાઉ સોસાયટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો ન હોય તેવા કોમન પ્લોટ્સના બાંધકામને ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ 2011 (જીઆરયુડીએ) દ્વારા મંજૂરી આપવામાં આવતી હતી તેની સામે હાલનો નિયમ તદ્દન વિરુદ્ધ છે.  
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બિલ્ડિગમાં પાર્કીંગ માટે બાંધવામાં આવેલા ભોંયરાને નિયમિત કરવામાં આવશે નહી. નવી ઇમ્પેક્ટ ફીનો કાયદો, ફાયદો બંગલો અને વ્યક્તિગત એકમોને મળશે. જે માલિકો નિયમિત કરવા માટે અરજી કરે છે તેમણે ઓછામાં ઓછા 50 ટકા ફરજિયાત પાર્કીંગ દર્શાવવું પડશે જે જીડીસીઆર હેઠળ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. મોટા સંકુલો અથવા સોસાટીઓમાં વ્યક્તિગત ધોરણે બાંધવામાં આવેલા ગેરકાયદે બાંધકામને પણ નિયમિત કરવામાં આવશે નહી.  
દરમિયાનમાં તાજેતરમાં જ આવેલા ક્રેડાઇ અને કુલિયર્સના અહેવાલ અનુસાર ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં ઘરના ભાવમાં વાર્ષિક 12 ટકાનો વધારો થયો છે. તો બીજી બાજુ અમદાવાદમાં ઘરની કિંમત સરેરાશ ચોરસફૂટ દીઠ રૂા. 6077 છે અને છેલ્લાં બે વર્ષમાં શહેરમાં કિંમતમાં 14 ટકાનો વધારો નોંધાયો છે. 2022ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં એકંદરે ઘરની કિંમતોમાં વાર્ષિક ધોરણે 6 ટકાનો વધારો થયો હતો.  
ઉલ્લેખનીય છે કે મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોરને કારણે રહેણાંક માગમાં હજુ પણ વધારો થાય તેવી આશા સેવાય છે. અમદાવાદમાં કોવિડ બાદ ઘરની માગમાં એકાએક વધારો જોવા મળ્યો છે અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થયો હોવાથી આગામી પાંચ વર્ષમાં માગ મજબૂત રહેશે તેવી આશા છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer